Get The App

એ લોકો જિંદગીનાં નશામાં છે! .

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
એ લોકો જિંદગીનાં નશામાં છે!                     . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- વય વધે પણ ક્ષમાશીલતા અને ઉદારતા ના વધે, તો સમજી લેવું કે જીવન બરબાદ થયું છે 

ત મે શાહમૃગ વિષે જાણો છો ? રેતીમાં તોફાન આવે ત્યારે એ પોતાનું મોઢું રેતીમાં છૂપાવી દે, ને જાતને ભ્રમણામાં ડૂબાડીને માની લે કે હવે તોફાનનો ભય નથી !

પરિપકવ કે આધેડ વયના માણસને બેશરમીથી, શેતાનિયતથી, અતિલોભથી વર્તણૂક કરતો જોઈએ ત્યારે થોડી ક્ષણો મન અચંબામાં પડી જાય ! એક પગ સ્મશાનમાં હોવા છતાં, ગાંઠે કરોડો રૂપિયા હોવા છતાં આ ડોસો ક્યા વિશ્વાસને આધારે, કઈ ભ્રમણાને આધારે દુષ્ટતા આચરી શકે છે ? આ માણસ હજૂ પણ ઈર્ષ્યા આધારિત કાવાદાવા કેમ છોડતો નથી ? હજૂ પણ આ ડોસા કે ડોસીને કોઈ પ્રતિભાશાળી જુવાનની વિરુદ્ધમાં પૂર્વગ્રહ આધારિત રમતો ગોઠવવાની લાલચ કેમ થાય છે ? એને હોસ્પિટલનો ''ઈન્ટેન્સિવ કેર યુનિટ'' કેમ દેખાતો નથી ?

અને શાહમૃગ પક્ષી યાદ આવી જાય.

જ્યાં કાર્યકારણ અને તર્ક માર ખાય ત્યાં વૃત્તિની ગંદકી જવાબદાર હોય. આવા શરીરથી પરિપકવ બનેલા માણસો જ્યારે દુષ્ટ બનતા દેખાય ત્યારે ક્ષણભર એમ માની લેવાનું મન થાય કે આ લોકો ચોક્કસ નિર્ભય અને બહાદૂર હશે, એમને મૃત્યુનો ભય નહીં હોય પણ પછી સમજાઈ જાય કે એક ડોક્ટર કે ઈન્કમટેક્ષ ઓફિસરના પડછાયાથી પણ ડરનારા આ જણ પૂરેપૂરા કાયર છે. હા, એમને મોતનો ભય નથી, પણ એમને જિંદગીએ નશામાં ડૂબાડી રાખ્યા છે. કોઈકે પોતે પ્રત્યક્ષ જોયેલાં ભારે રસપ્રદ દ્રશ્યનું વર્ણન કરેલું ''એક સાપે મોઢાંમાં દેડકાને પકડી રાખ્યો છે. દેડકાનું મોઢું ખુલ્લું છે, એ દેડકો હવામાં ઊડી રહેલાં કોઈ જંતુનો આહાર કરવા તલસી રહ્યો છે ! એને ખબર નથી કે એ પોતે કાળરૂપ સાપનાં મોઢાંમાં ફસાયો છે !''

જિંદગી અને પૈસાનો નશો માણસને હકીકતમાં પશુ કરતાં પણ બદતર બનાવી દે છે. રોજની ઓછામાં ઓછી એક લાખ રૂપિયાની આવક ધરાવનાર જણ જો વયમાં પંચોતેરની આજુબાજુ હોય તો સામાન્યપણે તમે એની પાસે ઉદારતાની અપેક્ષા રાખો. પરંતુ બને છે સાવ ઉલ્ટું એની જિજીવિષા ભારે વિકૃત રૂપ ધારણ કરે છે. એ ''પોતાનું નાણું'' પુત્રો, પુત્રવધુ, પત્ની - સૌ કોઈથી બચાવતો ફરે છે. જાતને છેતરવા એકાદ ધર્મગુરુ (કે ધર્મગુરુણી)ને ''પાળે'' છે (અને પેલા ગુરુદેવ એની જરૂરિયાત મુજબ એને ''પાળે'') અને એ નશામાં એની પાસેથી કોઈ લાચાર ગરીબ પચાસ રૂપિયા પણ મેળવી જાય એ શક્ય નથી હોતું !

વય વધે પણ મૃત્યુનો અહેસાસ ના થાય, વય વધે પણ ક્ષમાશીલતા અને ઉદારતા ના વધે, વય વધે પણ કુદરતના અચૂક ન્યાયના પાઠ શીખવા ના મળ્યા હોય, વય વધે ત્યારે ''અપના-પરાયા-વાદ'', સાંપ્રદાયિકતા બરાબર કટ્ટરવાદી જેવાં પ્રગાઢ બને, તો સમજી લેવું કે જીવન બરબાદ થયું છે. માણસમાંથી માણસ કે દેવ બનવાને બદલે પશુ બન્યા છીએ, જિંદગીનો નશો ચઢી ગયો છે, જે મૃત્યુના સીધા તમાચા વિના નહીં ઊતરે અન્યનું નહીં, જાતનું મૃત્યુ જ હવે નશો ઉતારશે !