Get The App

ના, એમ માંહ્યલો ન બદલે! .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
ના, એમ માંહ્યલો ન બદલે!                           . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

ત મે ઘરમાં કૂતરો પાળ્યો હોય, ને એને ચિત્તા જેવા પટ્ટા રંગો ને કદાચ પટ્ટા રંગવામાં બહુ સફળ પણ થાવ, તો કૂતરો ચિત્તો બને ? કૂતરાનું અંદરનું વ્યક્તિત્વ બદલે ? તમારાં ઘરનાં આંગણે પીંજરૃં લટકાવો, એમાં એક ચતુર પોપટ પાળો, ને એને મનગમતા ઈષ્ટદેવ કે કોઈ વ્યક્તિનું નામ પઢાવતા રહો, ને એ ધીરે ધીરે એ શીખાવેલું નામ બોલતો પણ થઈ જાય, પણ એના માંહ્યલાને એ નામ સાથે કોઈ અંદરની, સમજપૂર્વકની ભક્તિ જાગે ?

ઘણા બહારથી બીજ રોપવાની વાત કરતા હોય છે, પણ ત્યારે જે જમીનમાં બીજ રોપાય એની જુગજૂની તાસીર, એની ગ્રહણશક્તિ જેવાં અનેક પરિમાણો ભૂલી જતા હોય છે. હા રુચિ, વલણ વગેરે બાબત તમે ''નિમિત્ત'' બની શકો, પણ યાદ રાખો. આ ''નિમિત્ત'' શબ્દ ખૂબ મહત્વનો છે. એ બંદામાં મૂળભૂત તાસીર હોય, જન્મજાત એ દિશા તરફ વલણ હોય તો જ તમારું નિમિત્ત એ તાસીરને ખીલવી શકે.

કોઈ જ વ્યક્તિની પોતાની અનુભૂતિને આધારે ધર્મ કે સંપ્રદાયની રચનાની આખી વાત એટલે પહેલેથી ખોખલી અને પાયાવિહોણી લાગી છે. અનુભૂતિ, વલણ તમે કદી જ કોઈને આપી ન શકો. એક જ મહાપુરૂષને નામે જુદાં જુદાં બહાના હેઠળ ફિરકાઓ ઊભા શા માટે થાય છે ? કારણકે જે મહાપુરુષના નામનું લેબલ વપરાય, એ મહાપુરુષના શબ્દોનું અર્થઘટન, એનો ઉપયોગ, દુરુપયોગ વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે કરે. ના... ના... ના, વિચારો કે સ્વયંની અનુભૂતિની આપ-લે શક્ય નથી. એ ''નોન-ટ્રાન્સફરેબલ'' છે. પ્રિય પંક્તિઓ અહીં યાદ આવે : ''નકશા હુકમ ઈમારત ચલે, વૃક્ષ ચલે નિજલીલા!''

તો કુદરત મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, મારા-તમારા વડીલોને મોકલે છે, એ લોકો આપણી પાસે પોતાના જાત અનુભવની વાતો કરે છે, અરે ! આ લખનાર પણ પોતાની સમજ પ્રમાણે વાતો કરે છે, એ કુદરતે ગોઠવેલી વ્યવસ્થા નકામી ? ના... મુદ્દો એ છે કે આ બધી જ અભિવ્યક્તિઓ કદી જ ''ફોર્મ્યુલા'' કે ''બધાંને અચૂક સમાન અસર કરતી'' તૈયાર પડીકીઓ ન જ બની શકે. એ ''નિમિત્ત'' બની શકે, જો તમે ''તૈયાર'' હો તો જ ! અને તો પણ તમે જેની અમુક અનુભૂતિથી પ્રભાવિત થાવ એની અદલોઅદલ નવી આવૃત્તિ ન જ બની શકો. વિનોબાજી ગાંધીજીની અંગત અનુભૂતિથી પ્રભાવિત થાય તો પણ ગાંધીજીને વાંચનારા કે સાંભળનારા બધા વિનોબા ન બની શકે ને વિનોબા ગાંધી ન બની શકે.

અમુક તમુક વિધિ, અમુક તમુક શબ્દો, અમુક ખાવા-પીવાની પદ્ધતિનું મહત્વ નકારાય નહીં, પણ એ બધાં ડાળી, પાંદડાં છે એટલી વાત ભૂલાય નહીં. બધા જ અનુયાયીઓ ઝાડ, પાન, પર્વત, નદી, સર્વત્ર પરમાત્માનાં દર્શન કરે એ વલણ કે એને બદલે મૂર્તિનું અવલંબન લે એ વલણ કે ''આ બધી વાતો જાત છેતરપિંડી છે'' એ વલણ પણ કદી જ ''ફોર્મ્યુલા'' જેમ કોઈ પર થોપી ન શકાય.

એકવાર તમે માણસનાં વ્યક્તિત્વના માંહ્યલાને, આપણા પોતાના માંહ્યલાને તાસીરને તપાસશો, પછી સમજાશે કે માંહ્યલાનાં રૂપાન્તરની બહારથી શરૂઆતને ''ફોર્મ્યુલા'' કે ''નુસખાની પડીકી'' રૂપે રજૂ કરવાની આખી વાત જુગજૂની છેતરપિંડી છે, ભલે કરોડો લોકો એ વાત પર આંધળૂકિયા કરતા હોય !