યોગભ્રષ્ટની જીવનયાત્રા .
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- વ્યક્તિ કોઈ ભાવ કે ઝંખના તીવ્રપણે સેવે ત્યારે એ ભાવ એનાં સૂક્ષ્મ શરીરમાં નોંધાઈ જાય છે
અ રૂણાચલના સંત રમણ મહર્ષિ કોઈ પંડિત ન હતા. બાળપણ એક સરેરાશ બાળક જેમ જ વીતેલું. પણ સોળ વર્ષની વયે અચાનક એમને દેહ અને પોતે જૂદા છે એવો જબરદસ્ત અનુભવ થયો. જાણે એ મૃત્યુની જ અનુભૂતિ હતી. એક સાવ સરેરાશ બાળકને અચાનક આવો આધ્યાત્મિક અનુભવ કેમ થયો હશે ?
શ્રીમદ્ રાજચન્દ્રથી માંડીને અનેક આધ્યાત્મિક વિભૂતિઓના જીવનમાં કોઈ ઘટના નિમિત્ત બને છે ને એ લોકોના જીવન માર્ગ બદલાઈ જાય છે. શું આ અચાનક બને છે?
કોઈ જ સીધું તાર્કિક કારણ ન હોય, વ્યક્તિની કોઈ ભૂમિકા કે આજુબાજુનો માહોલ કે એ પ્રકારનું વાચન ન હોય, છતાં અચાનક આમ કેમ બનતું હશે ?
સ્વામી વિવેકાનંદ પૂર્વાશ્રમમાં નરેન્દ્ર દક્ષિણેશ્વર અચાનક પહોંચે છે, રામકૃષ્ણદેવને મુઠ્ઠીભર જિજ્ઞાાસુઓ સાથે સત્સંગ કરતા જુએ છે, એમને મળે છે ને એ ઘટના એક જબરદસ્ત પરિવર્તનનું નિમિત્ત બને છે.
ગીતાજી અને જૈન દાર્શનિકો આવી ઘટના પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાાન સમજાવે છે. ગીતાજી આવા પરિવર્તનને ''યોગભ્રષ્ટ''નાં પરિવર્તન તરીકે સમજાવે છે.
ગીતા અને જૈન દાર્શનિકોની પૂર્વધારણા છે કે માણસનો દેહ નાશ પામે, પણ જીવન દરમ્યાન કોઈ ક્ષણે જે તીવ્ર ભાવ જાગે, તીવ્ર સંકલ્પ પ્રગટે, એ વ્યક્તિનાં સૂક્ષ્મ શરીરમાં સચવાઈ રહે છે, અને વ્યક્તિનો દેહ નાશ પામે પણ સૂક્ષ્મ શરીર નાશ પામતું નથી. બરાબર વિમાનનાં બ્લેકબોક્ષ જેમ જ વ્યક્તિના તીવ્ર ભાવો એનાં સૂક્ષ્મ શરીરમાં સચવાયેલા રહે છે.
ગીતાજી કહે છે કે વ્યક્તિ કોઈ ભાવ કે ઝંખના તીવ્રપણે સેવે ત્યારે એ ભાવ એનાં સૂક્ષ્મ શરીરમાં નોંધાઈ જાય છે. દેહ પડે, બીજો દેહ ધારણ કરે ત્યારે પણ પેલા ભાવ સાથે યાત્રા કરે છે. નવાં જીવનમાં ચડ-ઉતર, મિલન-વિરહ, જેવી અનેક ઘટનાઓ પછી કુદરત જ કાંઈક એવું રચે છે કે વ્યક્તિ એના પૂર્વ જન્મના ભાવો તરફ વળે છે. વ્યક્તિ જે તીવ્ર ભાવ સાથે પૂર્વજન્મમાં જોડાયેલી હોય, એ જ ભાવ તરફ એ નવા દેહમાં પણ ખેંચાય છે.
મોટા ભાગની અધ્યાત્મમાર્ગી વ્યક્તિઓના માંહ્યલામાં સતત સંસાર અને દિવ્યતા વચ્ચે ખેંચતાણ ચાલતી હોય, પણ યોગભ્રષ્ટ વ્યક્તિની આ આન્તરિક ખેંચતાણમાં દિવ્યતા તરફનું ખેંચાણ જીતે છે. એની જિન્દગીના કડવા અનુભવો પણ છેવટે એને દિવ્યતા તરફ ખેંચે છે.