Get The App

એ લોકો નામ-વેષ બદલીને પાછા આવે તો?

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
એ લોકો નામ-વેષ બદલીને પાછા આવે તો? 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

સાચું કહેજો.

સ્વામી વિવેકાનંદ, નરસૈયો, તુલસીદાસજી, મીરાંબાઈ, જિસસ કે અન્ય કોઈપણ મહાન વ્યક્તિ, જેને હવે (અહીં ''હવે'' શબ્દ ચાવીરૂપ) મહાન ગણવામાં તમને કોઈ તકલીફ કે બળતરા નથી થતી, એમાંના કોઈ પણ જણ, નામ કે વેષ બદલીને તમારાં ગામમાં આવે, એમને કોઈ ઓળખતું ન હોવાથી, એમની આજુબાજુ મોટી સંખ્યાનાં 'ધણ' કે પ્રશંસકોનાં ટોળાં ન હોય, તમારાં ગામમાં કોઈ સભાગૃહમાં એ પ્રવચન આપે, અને પ્રવચન પછી પોતાની ઓળખ આપે: ''હું વિવેકાનંદ, હું નરસૈંયો, હું જિસસ'' તો તમારામાંથી કેટલા એમને રૂબરૂ સાંભળ્યા પછી પણ એમની મહાનતા સ્વીકારવા તૈયાર થશે ? અંદરખાને, સુષુપ્ત મનમાં આપણે સજ્જડપણે માનતા હોઈએ છીએ કે મહાન લોકો તો હયાત હોય જ નહીં. એ લોકોનું અસ્તિત્વ તો ભૂતકાળમાં જ હોય ! (કોઈ પણ વ્યક્તિ આપણા જેવાં જ આંખ-કાન-નાક વાળો હોય, ને આપણાથી સવાયો લાગે તો ભારે ખટકે !)

આપણામાંના મોટાભાગના નરસૈંયાને પૂછશે, ''કઈ સંસ્થાના પ્રમુખ ? કેટલા ચોપડા લખ્યા ? કેટલા એવોર્ડઝ મળ્યા ? કઈ ટોળકીની છાપ છે ?'' ધારો કે નાગર જ્ઞાતિનું સંમેલન હોય, પ્રતિભાશાળી સર્જકોને પસંદ કરીને આમંત્રણ આપવાનું હોય તો નરસૈંયો (વેષ, ઓળખ અલગ) આમંત્રણ માટે પસંદગી પામે ?

રમતગમત કે એવાં સ્પષ્ટ ક્ષેત્રોમાં પ્રતિભા માપી શકાય એવી હોય, પણ સર્જન, વિચાર જેવાં, અધ્યાત્મ જેવાં ક્ષેત્રોમાં અવતારી વ્યક્તિની મહાનતા પણ તમારી ''ઓળખ'' પર આધાર રાખે ! પરમહંસ રામકૃષ્ણદેવનાં જીવનની એક ઘટના છે.

દુનિયાના લાખો લોકો આજે જેમને ઈશ્વરના અંશાવતાર તરીકે પૂજે છે, જેમણે મુઠ્ઠીભર એમને ઓળખનારા શિષ્યો પાસે સહજપણે કરેલી વાતો પરનો ગ્રન્થ ''કથામૃત'' જ એમની અલૌકિકતાનાં દર્શન કરાવે છે, એ રામકૃષ્ણદેવ એમની એક નજીકની વ્યક્તિ સાથે કોઈને ઘરે, ભોજન માટે આમંત્રિત થયા એ વખતે તેઓ એક અકિંચન પૂજારી. ભોજન સમારંભમાં યજમાનો એ વખતના ઝળહળતા લોકોની આગતા સ્વાગતામાં રત હતા, ને રામકૃષ્ણની કોઈએ પરવા ન કરી. રામકૃષ્ણદેવના સાથીએ એ સ્થળ જમ્યા વિના છોડી જવાની દરખાસ્ત કરી, પણ રામકૃષ્ણદેવે જવાબ આપ્યો ''આપણે બ્રાહ્મણ છીએ. અહીંથી ભૂખ્યા પેટે પાછા જઈએ, તો પાપ યજમાનને લાગે !''

અવતારી મહાપુરુષને સમકાલીનો પણ ભાગ્યે જ ઓળખી શકે. છત્તાંય દક્ષિણેશ્વરનાં સ્થાપક રાણી રાસમણિ આ અકિંચન દેખાતા જણની દિવ્યતા ઓળખી ગયેલાં અને રાણી રાસમણિ રામકૃષ્ણને જે મહત્વ આપતાં એની એ વખતના પંડિતોમાં ભારે ઈર્ષ્યા થતી. એક પંડિતે તો લાગ જોઈને રામકૃષ્ણદેવને મૂઢમાર મારેલો! સમકાલીનોથી મૂઠી ઊંચેરા પ્રતિભાશાળીઓને કુદરત આ પ્રકારની પરિસ્થિતિ 'પેકેજડીલ' જેમ સાથે જ આપે છે !

આપણે ત્યાં એક મોટી ભ્રમણા પ્રવર્તે છે કે વ્યક્તિની વિદાય પછી જ ''ઓળખ'' થાય. ના, તમે જેને ''ઓળખ'' કહો છો એને વ્યક્તિની હયાતી કે ગેરહાજરી સાથે કોઈ સંબંધ નતી. વ્યક્તિના ગયા પછી પણ મોટે ભાગે લોકો ઊભી થયેલી 'બ્રાન્ડ' કે થોપાયેલી 'મહાનતા'ને ઓળખે છે. જે ખરેખર ઓળખતા હોય એમને 'બ્રાન્ડ' કે 'પ્રચાર'નાં ચશ્માંની જરૂર જ હોતી નથી.

એક જ ગામમાં તુલસીદાસજી નામ કે વેષ બદલીને આવે અને બીજી બાજુ કોઈ ચતુર કથાકાર રામ પર રસસભર બોલે, તો ભાગ્યે જ કોઈ તુલસીદાસજીને ઓળખીને કદર કરશે!