- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
ક લકત્તાનાં કવયિત્રી ઉષા દિનેશ મોદીએ આ પંક્તિઓમાં જાણે એક સાધકના સમગ્ર જીવનસંઘર્ષને રજૂ કરી દીધો છે.
તમે ઊંચે ચઢો એટલે આંખો વધુને વધુ વિસ્તાર આવરી લે. થોડાંમાં ઘણું તો જ આવરી લેવાય જો તમારી દ્રષ્ટિ વ્યાપક બની હોય. કવિપદ એ ઋષિ-અવસ્થાનો જ એક માઇલસ્ટોન છે - સીમાચિહ્ન છે. તમે જીવનને વ્યાપક રીતે જોવા લાગો.
પેલી પંક્તિઓ યાદ આવે છે :
'સતસૈયા કે દોહરે, જ્યૂં નાવક કે તીર
દેખનમેં છોટે લગે, ઘાવ કરે ગંભીર'
જેને 'ઘર ઝૂરાપો' કહીએ એની સ્વ-સ્વરૂપની, સ્વ-પદની, પોતાનાં મૂળ સરનામાંની તડપ ઝંખના કસ્તુરીમૃગ માફક દરેક સાધકને બક્ષિસમાં મળેલી હોય છે. એમ તો, આ ઝંખના દરેક જીવને હૈયાંમાં ધરબાયેલી, 'ઇનબિલ્ટ' હોય છે, પણ સાધનાને પંથ જેની કળીનાં થોડાં પડળ ખુલી ગયાં હોય, એવા જણની આ તડપ, આ બેચેની, આ ઝૂરાપો વધુને વધુ સ્પષ્ટ થતાં જતાં હોય છે. એ લોકો જાણે આ દેશમાં રહેવા છતાં પરદેશી હોય છે.
એક વિચિત્ર અવસ્થામાંથી વ્યક્તિ પસાર થાય છે : 'પંથે કંટક, વગડો મ્હેંકે !' કમાલની વિડમ્બના છે : જગત વગડાની જાણે રાતરાણીની મહેંક સતત ખેંચે - અને અણજાણ રીતે ચૂભતા કાંટા તો ખરાજ . અને અંદરની, હૈયાંની જાગૃતિ સતત ટોંક્યા કરતી હોય : રખે ભોળવાતો ! આ તારૃં ઘર નથી. રખે લલચાઈને રોકાઈ જતો. પંડિત જવાહરલાલ નહેરૂ જેવા સ્વપ્નદ્રષ્ટા ને રોબર્ટ ફ્રોસ્ટની આ પંક્તિઓ એટલી ગમતી કે તેને પોતાનાં અભ્યાસ ટેબલ પર રાખતા :
'ધ વૂડ્ઝ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ,
બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ,
આઈ હેવ માઈલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ'
(રસ્તે વગડો ભારે મનમોહક છે. એનો ગાઢ, ઘેરો અંધકાર જાદુઈ છે, પણ મારે તો ચિરનિંદ્રા પહેલાં લાંબો પંથ પસાર કરવાનો છે, મારે અહીં લોભાઈને અટકી જવું પાલવે નહીં)
આ 'કેમ પહોંચવું ઘરે' એ માત્ર ઉષાદેવી કે દિનેશની જ નહીં, જાગૃત બની ચુકેલા દરેક જણની તડપ હોય છે. ઘણા ઉચ્ચકક્ષાના સર્જકોનાં, અધ્યાત્મયાત્રાએ ડગ માંડી ચુકેલા વિચારકોનાં જીવનમાં વિરોધાભાસ દેખાતો હોય છે. એમ તો પંડિત નહેરૂ, રાધાકૃષ્ણન કે કૃષ્ણમૂર્તિનાં જીવનમાં પણ આ પાર કે પેલે પાર, કે સંવેદના - રોમાન્સજન્ય વિરોધાભાસ ક્યાં ન હતા ? પણ ખાતરી છે કે આ વિરોધાભાસની જેમને તીવ્ર વ્યથા હશે, એમને સરેરાશ માણસો જેવી મીઠી ખંજવાળની વાસના નહીં જ હોય. કદાચ જિસસની જેમ આ સાધકો પોકારીને કહેતા હશે : 'ઓ ગોડ, વ્હાય હેસ્ટ ધાઉ ફોર-સેકન મી ?' (પરમાત્મા, તું શા માટે મને આમ એકલો છોડે છે ?)
પંથના કંટક કે મહેંક વગડાની - આ બન્નેની ઉપેક્ષા થઈ જાય, એ ઉપેક્ષા પલાયન ન હોય, નિરાશા કે નિષ્ફળતામાંથી પેદા ન થઇ હોય, પણ પૂરી હકારાત્મક, સ્પષ્ટ (એબ્સોલ્યૂટ) ઉપેક્ષા પેદા થાય અને માત્ર 'કેમ પહોંચવું ઘરે ?' એ જ ટેકનો સૂર રહે એ અવસ્થા બહુ વિરલા, અતિઉચ્ચસ્તરે પહોંચેલા સંતોની જ રહેતી હશે.
કંટકછાયા પંથ અને વગડાની બેચેની કરતી મહેંક વચ્ચે 'કેમ પહોંચવું ઘરે'નો અનહદનો સૂર અવારનવાર સાવધ કરતો રહે તો સમજવું કે ઘરનો રસ્તો મળી ચુક્યો છે, ઉષા ઊગી ચુકી છે, વાંધો નથી.


