- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
કો ઈપણ ઘટના કે વાત સમજવા કે સમજાવવા માટે બુદ્ધિ, દલીલ કે ભાષા ભલે અનિવાર્ય માધ્યમ છે, પણ ઘણું પાંગળું, અધૂરૃં માધ્યમ છે. તમે એવું ઘણું બધું અનુભવ્યું હશે કે અનુભવતા હશો, જે વ્યક્ત કરવા માટે ભાષા તમને લૂલી, અધૂરી લાગી હોય. તમે જ્યારે તમારો મુદ્દો રજૂ કરવા બૌદ્ધિક દલીલને સર્વસ્વ ગણીને આગળ વધો છો ત્યારે ભારે જોખમી પ્રદેશમાં પગ મૂકો છો. તમારી વાતનો ધ્વનિ, તમારી અનુભૂતિનો સૂર અન્ય વ્યક્તિ સમજે એ માટે એ વ્યક્તિનો વિકાસનો સૂર ક્યા તબક્કે પહોંચ્યો છે એ મુદ્દો સૌથી વધુ મહત્વનો છે.
બુદ્ધિ મુખ્યત્વે કઠપૂતળી છે. ''બુદ્ધિ''એ કઈ દિશામાં નૃત્ય કરવું એનો નિર્ણય ''વૃત્તિ'' કરે છે, દાખલા તરીકે, વિનુભાઈ નામના શખ્સને સુરેશભાઈ માટે તેજોદ્વેષ હોય, ઈર્ષ્યા હોય તો વિનુભાઈની બુદ્ધિબાઈ કેમ વર્તન કરે એ પ્રક્રિયા જુઓ : આ સંવાદ ટૂંકમાં સાંભળો.
''વિનુભાઈ ! આ સુરેશે તો રંગ રાખ્યો. સન્મુખાનંદ હોલમાં એનાં ગીત-સંગીતે લોકોને ચાર કલાક સુધી મંત્રમુગ્ધ કરી નાખ્યાં !''
વિનુભાઈની બુદ્ધિ હવે કેવું નૃત્ય કરે છે તે જુઓઃ
''આ સુરેશને, સાલાને નામના કમાવી છે. રજાના દિવસે પબ્લિક નવરી હોય, ને તમાશાને તેડું ન હોય એટલે હોલ ભરાઈ ગયો. છાપાંમાં પાનાં ભરીને જાહેરખબરો આપેલી.''
''પણ વિનુભાઈ ! પબ્લિક કદાચ જાહેરખબર જોઈને છેતરાય પણ ત્રણ હજારની મેદની ચાર કલાક સુધી સ્તબ્ધ બનીને મંત્રમુગ્ધ થાય, શું એ સુરેશની સિદ્ધિ તમે નહીં સ્વીકારો ?''
''પબ્લિક તો ગાંડી છે. મુંબઈમાં ક્યાં સારા ગાયકો-વક્તા છે ! સૂકાં રણમાં એરંડો પ્રધાન !'' વિનુભાઈ ઉવાચ.
ઉપરની વાતચીતમાં વિનુભાઈની બુદ્ધિ ધારદાર છે, પણ એ બુદ્ધિ પાછળ ખલનાયક તરીકે ઈર્ષ્યાથી ગંધાતી ''વૃત્તિ'' છે એ માત્ર ચબરાક વ્યક્તિને સમજાય.
જ્યારે જ્યારે અમુક વિષય પર ચર્ચા, વાદ-વિવાદ થાય ત્યારે આપણામાંના મોટા ભાગના લોકો આ ખતરનાક સત્ય ભૂલી જાય છે કે દલીલોને વૃત્તિનો કમળો થયો હોય છે. ધારો કે ઉપરના દાખલામાં, પેલા વિનુભાઈને પેલા સુરેશના કાર્યક્રમમાં રૂબરૂ લઈ ગયા હોત, તો તમે શું ધારો છો ? વૃત્તિપ્રેરિત બુદ્ધિના કમળાથી પીડાતા વિનુભાઈને સુરેશની આંધળી અદેખાઈ કરવા બદલ પસ્તાવો થયો હોત ? ના જી, સુરેશની વિરાટ સફળતા નજરે નિહાળ્યા પછી વિનુભાઈ ભૂરાંટા અને હિંસક બન્યા હોત !
તમે વ્યાપક રીતે સાચા હો, દલીલો દ્વારા કદાચ તમે સામી વ્યક્તિની બોબડી બંધ કરવામાં સફળ થાવ, તો યાદ રાખો, સામી વ્યક્તિને તમે તમારા પક્ષમાં બદલી શકતા નથી, ઊલ્ટું એક કટ્ટર દુશ્મનનો ઉમેરો કરો છો. કારણકે દલીલબાજી વખતે બુદ્ધિની લગામ પૂર્વગ્રહ અને મિથ્યાભિમાનની વૃત્તિના હાથમાં જ હોય છે. તમે જ્યારે સામેવાળાની બૌદ્ધિક દલીલને મૂઢમાર મારો છો, ત્યારે તમે હકીકતમાં તેનાં વળગણને મારતા હો છો.
બૌદ્ધિક દલીલ, બુદ્ધિનો સાધન તરીકે ઉપયોગ અનિવાર્ય છે. ''બુદ્ધિ''ને ગીતાજીએ તો ભારે પવિત્ર સ્થાન આપ્યું છે, પણ બુદ્ધિનાં સાધનની સાર્થકતા તમારાં વ્યક્તિત્વના સાર્વત્રિક વિકાસ પર આધાર રાખે છે. જો તમારું વ્યક્તિત્વ વિકસે નહીં, તો તમે પેલા બગલા જેવા રહેશો. બગલાનો ''આઈ.ક્યૂ'' ભારે ઊંચો હોં! એ બુદ્ધિશાળી ખરો, પણ નજર અને ધ્યાન માત્ર માછલી પકડવામાં !


