- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- અદના જણમાં પણ તણખો ઓળખી લેનારા જણ પણ હોય છે, પણ ટકાવારી ખૂબ ઓછી.
સમગ્ર માનવ ઈતિહાસની એક મર્યાદા જોઈ જાવ. ''ઓળખ''ની હમેશાં સમસ્યા. તત્કાલીન - મનોરંજકો કે તત્કાલીન લોકપ્રિય ક્ષેત્રોની વાત જવા દઈએ. બાકી તમામ ક્ષેત્રોના પ્રતિભાશાળી કે અસાધારણ લોકો આપણી દુનિયાની મુલાકાતે આવે ને પસાર થઈ જાય ! બહુ ઓછા એમને ''ઓળખે'' ! એક ચક્રવર્તી સમ્રાટ ગુપ્તવેશે રાત્રે ફરવા નીકળે, ને એને ઓળખનારા ખૂબ વીરલ, એવી જ પરિસ્થિતિ કોઈ પણ ક્ષેત્રના મહાપુરુષોની હોય છે.
માપી શકાય, ગણી શકાય જોઈ શકાય એવાં છોગાં કે ઓળખ કે ''પેકેજિંગ'' વિના તમે કોઈની વિશેષતા ઓળખી શકો ?
ફલાણા ભાઈ કે બહેન યુનિવર્સિટીમાં સાહિત્ય વિભાગનાં અધ્યક્ષ એમણે આટલાં પુસ્તકો લખ્યાં, આટલા પી.એચ.ડી. તૈયાર કર્યા. એમને આટલા રાષ્ટ્રીય કે આન્તરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા. એક બાજુ એવી કોઈ વ્યક્તિની કલ્પના કરો, અને બીજી બાજુ એક નાના ગામમાં રહેતો અદનો પ્રાથમિક શાળાનો શિક્ષક હોય, પણ અત્યંત તેજસ્વી સાહિત્યકાર હોય તો તમે અચૂક પેલા યુનિવર્સિટીના મોટી કારકિર્દી ધરાવતા જણથી પ્રભાવિત થાવ !
હા. પણ અદના જણમાં પણ તણખો ઓળખી લેનારા જણ પણ હોય છે, પણ ટકાવારી ખૂબ ઓછી.
બંગાળના સુપ્રસિદ્ધ સંત રામકૃષ્ણ દેવની જીવનની એક ઘટના યાદ આવે છે. ઠાકુર રામકૃષ્ણ એમના પોતાના સમયમાં કોઈ મહાન પદવીધર પંડિત, કોઈ ચમત્કારિક બાબા, કોઈ જબરદસ્ત અનુયાયીગણ ધરાવનાર પ્રવચનકાર તરીકે જાણીતા ન હતા. પણ થોડાક વિશિષ્ટ લોકો ઠાકુરને અત્યંત વિશિષ્ટ ''પરમહંસ'' તરીકે ઓળખતા. એ રીતે એમનાં વ્યક્તિત્વની સુગંધ મુઠ્ઠીભર લોકો ઓળખતા. એક વાત નોંધજો. કોઈ જ છોગાં વિના પણ અમુક કુદરતદત્ત વિશિષ્ટતા ધરાવનારાઓ છૂપી ઈર્ષ્યાનાં કેન્દ્ર બને છે. એક યા બીજાં છોગાંને આધારે લોક નજરમાં રહેનારા અંદરખાનેથી અસલામત હોય છે, અને એટલે જ એ લોકોને ખૂણે બેઠેલા - કોઈ અદના પણ પ્રતિભાશાળીની ઈર્ષ્યા હોય. દક્ષિણેશ્વર (જ્યાં ઠાકુર રામકૃષ્ણ પૂજારી હતા) મંદિરનાં માલિક રાણી રાસમણિએ રામકૃષ્ણ દેવની અવતારી પ્રતિભા ઓળખી લીધેલી. એટલે એ રામકૃષ્ણદેવને પૂજનીય ગણતા. રાણી રાસમણિ જેવી જબરદસ્ત વ્યક્તિ આ છોગાંવિહોણા અકિંચન બ્રાહ્મણને પૂજનીય ગણે એ હકીકતથી જલતા એક પંડિતે લાગ જોઈને ઠાકુર રામકૃષ્ણદેવ પર હુમલો કર્યો અને મૂઢમાર માર્યો.
ફરક એક સર્જક કે કવિ અને એક એ સર્જકની રચના પર ગાઇડ લખનારનો છે. ફરક એક જાતમંથનથી ઉપનિષદ રચનાર ઋષિ અને એક ઉપનિષદ પર ટિપ્પણી લખનાર વચ્ચેનો છે.
સ્વામી રામતીર્થ પોતાની ફકીરી મસ્તીમાં બોલતા ''મૈં સારી જહાંકા બાદશાહ હૂં'' કોઈકે એમને પૂછ્યું ''તમે અમેરિકાના પ્રમુખ કરતાં પણ વધુ મોટા બાદશાહ ?'' રામતીર્થે જવાબ આપ્યો : ''અમેરિકાના પ્રમુખ કે દુનિયાના કોઈ પણ બાદશાહની સત્તા ખુરશી પર અવલંબન રાખે, જ્યારે મારી બાદશાહત કોઈની ઓશિયાળી નથી.''
વ્યક્તિગત રુચિનો સ્તર ઊંચો આવે, વ્યક્તિગત વિવેક કે સૌન્દર્ય દ્રષ્ટિ વિકસે પછી કોઈને ઓળખવા માટે કોઈ જ છોગાં કે કોઈ જ વચેટિયાની જરૂર ઓછી થતી જાય. તમારા પંથમાં ન જન્મેલો જણ, તમારા પંથના ધર્મગ્રન્થ કે તમારા ઈષ્ટ પુરુષ વિષે બોલે ત્યારે, સાચું કહેજો, તમે એ વિદ્વાનનું જન્મનું છોગું જુઓ કે એની મૌલિક ઓળખ ?


