Get The App

મૂઠી ઊંચેરાનું અનુસરણ : અતિવ્યાપક ભ્રમણા

- અન્તર્યાત્રા- ડો.સર્વેશ પ્ર. વોરા

- મનોવૈજ્ઞાાનિક સત્ય એ છે કે દરેક વ્યક્તિ આંતરિક પ્રગતિના સાવ જુદા જુદા તબક્કે હોય છે

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
મૂઠી ઊંચેરાનું અનુસરણ : અતિવ્યાપક ભ્રમણા 1 - image


શી ર્ષક વાંચતાં બહુ આઘાત લાગ્યો ? કાંઈ વાંધો નહીં. અમને પણ આ મંથન કરતાં, સ્પષ્ટ મનોવૈજ્ઞાાનિક સત્યો લાધતાં ભારે આશ્ચર્ય થયું હતું. કોઈ ભ્રમણા કરોડો વાર માથે મારવામાં આવી હોય, અબજો વાર છાપીને રજૂ કરાઈ હોય, મોટા મોટા યાંત્રિક વક્તાઓ, નિબંધમાળાઓમાં છપાઈ છપાઈને ચવાઈ ચવાઈને ચુથ્થો થઇ ગઈ હોય, તેથી એ સાચી માની લેવાની ઉતાવળ ન થાય. આપણાં પોતાનાં જીવનને, જાતઅનુભવને, માનવ ઇતિહાસને સરાણે ચઢાવતાં જે સાચું લાગે તે જ સ્વીકૃત બને.

એક ભાઇએ હમણાં કહ્યું 'હું રજનીશનો 'અનુયાયી' છું.' એમની સામે દલીલ કરવાનું ટાળીને, 'અનુયાયી' શબ્દ પકડીને ફરતા અગણિત છીછરાં 'ઘેટાં'ને લક્ષમાં રાખીને આ 'અનુસરણ'નાં તૂત અંગે વાત કરવાનો ઉપક્રમ છે.

આ વિશ્વમાં કોઈ જ બે વ્યક્તિઓ સરખી નથી. દરેકે દરેક વ્યક્તિ સમજશક્તિના જુદા જુદા સ્તરે હોય છે. કોઈ જ કાળાં માથાંનો માનવી કોઈ અન્યને બદલી શક્તો નથી. એક મૂઠી ઊંચેરા માનવીના શબ્દ કે અભિવ્યક્તિ માત્રથી જો અન્ય વ્યક્તિ બદલાતી હોત તો જિસસને ફાંસી ના મળી હોત. મહાવીર પછી દુનિયા નંદનવન બની ગઇ હોત, હિંસા નામનું તત્ત્વ આ બ્રહ્માંડમાં રહ્યું ન હોત. જે રજનીશે જિન્દગીભર ગુરુપ્રથા, સંપ્રદાયવાદને ભાંડયો, તેની પાછળ, તેનું જ નામ લઇને, વધારે કટ્ટર સંપ્રદાયવાદ વિકસ્યો ના હોત.

મનોવૈજ્ઞાાનિક સત્ય એ છે કે દરેક વ્યક્તિ આંતરિક પ્રગતિ (કે અવગતિ) ના સાવ જુદા જુદા તબક્કે હોય છે. દેખીતી રીતે સરખા લાગતા બે જણાના સમજશક્તિ, ગ્રહણશક્તિના સ્તરમાં જમીન આસમાનનો ફરક હોય છે. ખૂબ થોથાં ઉથલાવી, ફિલસૂફીમાં ડોક્ટરેટ મેળવનાર વ્યક્તિની સમજમાં જેટલું ઊંડાણ હોય, જેટલી વ્યાપકતા હોય, તેના કરતાં, તેનાં મકાનની બાજુની ચાલમાં રહેતા, નોન-મેટ્રિક, કોઈ બાળમંદિરમાં ભણાવતા, અદના માસ્તરની દ્રષ્ટિનું ઊંડાણ અને સમજની વ્યાપક્તા અનેકઘણી વધારે હોઈ શકે. મુદ્દો એ છે કે આંતરિક વિકાસ એટલી બધી અંગત અને મૌન ઘટના છે કે, વ્યક્તિનાં મરણ સુધી (અને પછી પણ) અન્ય કોઇને એની ખબર પડતી નથી. સિવાય કે કોઈ અન્ય વ્યક્તિ વિકાસની યાત્રામાં ઘણે અંશે લગોલગ હોય. દશમા માળે ઊભીને નિરીક્ષણ કરતી વ્યક્તિના વિધાનની કદર, આઠમા નવમા માળે ઊભેલી વ્યક્તિ કરી શકે, પણ ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભેલા માટે તો દશમા માળવાળાનાં વિધાનોનો કોઈ અર્થ હોતો નથી.

વેદાન્તની, દેહ-આત્માની, ભક્તિની સંતોનાં પહાડ-ઊંચેરાં જીવનની, ગીતાના સમર્પણભાવની, કર્મ-નિર્જરાની વાતો જ્યાં થતી હોય, એ સભાગૃહમાં કેટલા શ્રોતાઓ (અને વક્તાશ્રી પણ ખરા) 

આંતરિક વિકાસમાં 'ગ્રાઉન્ડ ફ્લોર' પર હશે, ને કેટલા આઠમા-દશમા માળે હશે એ જાણવાનું કોઈ સાધન હજૂ સુધી ઉપલબ્ધ નથી. આપણે આધ્યાત્મિક ઊંચાઈઓ માપવાનાં સાધનની વાત બાજુ પર મૂકીએ. અરે ! રોજિન્દાં જીવનમાં અસભ્ય ભાષા બોલનાર, ગાળો બોલનાર ઘણીવાર જેટલો દયાળુ નીકળે છે એના દશમા ભાગની દયા, ચાંપલા, એકપણ ગાળ ન બોલનારા, ગણતરીપૂર્વક વર્તનારા અને બોલનારામાં જોવા ન મળે એવું અનેકવાર તમે નથી અનુભવ્યું ?

મુદ્દાની વાત એ છે કે આંતરિક ઉન્નતિ ઓળખવી બહુ કઠિન બાબત છે. તમારી વર્તણૂક, શબ્દો, તમારું દેખાવનું ડહાપણ અને અંદરની બાબતો સાવ જૂદાં હોય એવું અનેકાનેકવાર બને છે.

જો બે વ્યક્તિની આંતરિક ઊંચાઈ, આંતરિક સમજ અલગ અલગ હોય, બન્નેને મળતા સંયોગો, પત્રકારો, અલગ અલગ હોય, તો કોઇનાં પણ 'અનુસરણ'ની વાત કેટલી હદે અવૈજ્ઞાાનિક, બેવકૂફીભરી છે તેનો વિચાર કરી જુઓ. મહાવીરની નગ્નતાની તમે નકલ કરીને તેની બાહ્ય નગ્નતાનું અનુસરણ કરી શકો, પણ જો એમનાં આંતરિક વ્યક્તિનાં 'અનુસરણ'ની વાત આવતી હોય તો એક સાથે એક અબજ પ્રશ્નો ઉભા થાય છે. તમે ભગવાન મહાવીરની કક્ષાની આંતરિક પ્રતીતિ પ્રાપ્ત કરી છે ?

જે સંયોગો જન્મજન્માંતરના જબરદસ્ત ઉતાર-ચઢાવ પછી ચરમતીર્થંકરને પ્રાપ્ત થયેલા એજ સંયોગોમાંથી તમે પસાર થયા છો ? જે અનુભૂતિને જૈન પરંપરા 'તીર્થંકર નામ કર્મ' બાંધવાની ક્ષણ કહે છે, એ તીવ્રતમ ક્ષણ તમે અનુભવી છે ?

અમને યાદ છે કે શાળાજીવનમાં કોઈપણ મહાપુરુષના જન્મે કે મૃત્યુદિન પ્રસંગે નિબંધ કે પ્રવચનને અંતે એક બીબાંઢાળ વાક્ય ગોખાવવામાં આવતું, 'ચાલો, આપણે એ મહાપુરુષના ગુણોને અનુસરીએ.' આપણાંમાના મોટાભાગના આ યાંત્રિક વાક્ય ગોખી ગોખીને મોટા થયા છીએ. ક્યારેય વિચાર કર્યો છે ખરો કે આંધળાભીંત થઇને ગોખવામાં આવેલું આ વાક્ય સિંગદાણા વગરનાં ખોખલાં ફોતરાં જેવું અવૈજ્ઞાાનિક અને બેવકૂફી ભર્યું છે ? મહાપુરુષો કે સંતોનાં અનુસરણની વાત બાજુ પર રહેવા દો. તમે કોઈ જ કાળાં માથાંના માનવીનું અનુસરણ ના કરી શકો.

તમે એમની જોકરની માફક નકલ ન કરી શકો. ઓલિમ્પિક્સના તરવૈયાને જોઇને કોઇએ પુરુષાર્થ કર્યો ને એ પુરુષાર્થનાં બળે તે પણ ઓલિમ્પિક્સ સુધી પહોંચ્યો એ દાખલો આપનારા એક જબ્બર છૂપું સત્ય ભૂલી જતા હોય છે કે ઓલિમ્પિક્સના તરવૈયાને જોનાર વ્યક્તિમાં ઓલિમ્પિક્સ પહોંચવાની ક્ષમતાનું બીજ પહેલેથી વિદ્યમાન હતું. ઓલિમ્પિક્સમાં જીતેલા તરવૈયાનું દર્શનતો માત્ર 'નિમિત્ત' બન્યું. એ દાખલો 'અનુસરણ દ્વારા પ્રાપ્ત થયેલી ઊંચાઈ'નો નહીં પણ યોગાનુયોગ અને આંતરિક ઝંખનાને કારણે મળેલાં 'નિમિત્ત'નો હતો.

નકરાં અનુસરણથી તમારાંમાં 'કોસ્મેટિક' બદલાવ કદાચ આવી શકે, ખરેખરો બદલાવ ભાગ્યે જ આવે. દરેક વ્યક્તિની આંતરિક રચના, કુદરતે ગોઠવેલો એનો નકશો સંપૂર્ણપણે આગવાં હોય છે. અહીં 'નકલ' કે 'અનુસરણ'ને કોઈ સ્થાન નથી.

રામકૃષ્ણ-વિવેકાનંદ, મહાવીર-ગૌતમ, ગાંધી-વિનોબાથી માંડીને સમગ્ર માનવ ઇતિહાસમાં જે સમીકરણો રચાયાં છે, તે મહાપુરુષોનાં અનુસરણથી નહીં, 'નિમિત્ત' બનવાની પ્રક્રિયાથી રચાયાં છે. વિવેકાનંદ મહાન બન્યા તો એ રામકૃષ્ણની પ્રતિકૃતિ હરગીઝ ન હતા. વિનોબા મહાન બન્યા, તો એ ગાંધીજીની પ્રતિકૃતિ ન હતા.

દૂર જવાની જરૂર નથી. એક મહાન બાપ ગમે તેટલી કડકશિસ્ત ઠોકી બેસાડે, તેનાં બધાં બાળકો પોતાના નકશા પ્રમાણે જ આગળ વધશે.

અનુસરણ બાહ્ય લક્ષણોનું કરી શકો. ગુણો અનુસરણથી કદી પ્રગટે નહીં. એ તો તમારામાં છૂપાયેલા હોય. તમે અને હું સ્વતંત્ર, વિવિધ સ્તરના યાત્રીઓ છીએ.

Tags :