- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- જ્ઞાન, જ્ઞાન-યોગ્ય તત્વ અને જ્ઞાનનું સાધન - બધું જ તમારી જાતમાં, તમારાં હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલાં છે
મ હાપુરુષોને નામે સ્થાપિત હિત ઊભું કરવા ઈચ્છનારાઓ પ્રથમ હુમલો શાના પર કરે છે એ જાણો છો ? બની શકે તો મહાપુરુષોની મૂળભૂત, બુનિયાદી અમૃત-વાણી દબાયેલી રહે એ માટે એમના સતત પ્રયાસો હોય છે, કારણ કે મહાપુરુષોની વાણીમાં એટલું જબરદસ્ત ઓજસ્ હોય છે કે એ સેંકડો વર્ષો પછી પણ અંધારાખૂણાને તેજથી ખુલ્લા કરી શકે. મધ્યયુગમાં યુરોપ અને ભારત - બંને ખંડોમાં મૂળ શાસ્ત્રો મૂળ દર્શન-સાહિત્યને મર્યાદિત રાખવા વ્યૂહાત્મક પ્રયાસો થયેલા. જો મૂળ વાણી પર ધ્યાન આપો તો અનેકવાર સ્પષ્ટ સમજાય કે મહાપુરુષને નામે, એ જ મહાપુરુષથી સંપૂર્ણ વિરોધી ગપ્પાં ફેલાવાઈ રહ્યાં છે.
એક બહુ મોટું તૂત અને ગપ્પું મોટાભાગના સુસ્થાપિત સુઆયોજિત સંપ્રદાયો હમેશાં ચલાવી રહ્યા છે, કરામતપૂર્વક ચલાવતા રહ્યા છે તે એ છે કે 'જ્ઞાન કે સમજ, અધ્યાત્મ બહારથી આવે છે : ભાષણોમાંથી ગ્રંથોમાંથી બાહ્ય નિશાનીઓમાંથી, ધર્મસ્થાનકોમાંથી વગેરે વગેરે' તેઓ જો આવી વાત બહુજનસમાજ (સમાજમાં મૂર્ખો વધુ હોય છે : ડાહ્યા ઓછા) ને ગળે ઉતારી દે તો મોટા ભાગના માટે ભાવતું'તું ને વૈદ્યે બતાવ્યું વાળો ઘાટ થાય. જ્ઞાન અધ્યાત્મની પ્રતીતિ જો બહારથી આવતી હોય તો - મનોમંથન અસત્ સામેના સંઘર્ષની પીડા ના રહે, કોઈ માનસિક તકલીફ ના રહે. પછી એકાદ દમામદાર ગુરુ પાળી લો એકાદ મોટી, વગદાર સંખ્યા ધરાવતાં કહેવાતાં 'આધ્યાત્મિક' (!) ટોળાંના કટ્ટર સભ્ય બની જાવ. આટલું કરવામાં ક્યાં તકલીફ પડે છે ? ને પછી 'આપણે- બંદા 'અન્ય ક્ષુલ્લક જીવો કરતાં વિશેષજ્ઞાની' બની ગયા એવી આત્મવંચનાના શરાબમાં ઝૂમ્યા કરવાનું !
ગીતાજીએ અજ્ઞાન અને સાંપ્રદાયિકતાની ગમે તેટલી વિરાટ ઈમારતને તોડી પાડે એવો એક 'અણુ બોમ્બ' વૈચારિક બોમ્બ આપ્યો છે, ખબર નથી કેટલાનું ધ્યાન ગીતાજીના આ તેજસ્વી શબ્દો તરફ ગયું છે, અને કદાચ ધ્યાન ગયું હોય તો કેટલા જણ આ શબ્દોનું તેજ ઝીલી શક્યા હશે : 'જ્ઞાનં જ્ઞોયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્યાધિષ્ઠિતમ્' (જ્ઞાન, જ્ઞાન-યોગ્ય તત્વ અને જ્ઞાનનું સાધન - બધું જ તમારી જાતમાં, તમારાં હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલાં છે.) આધ્યાત્મિક સંવાદ, આનંદની અનુભૂતિની અભિવ્યક્તિ, તેની આપ-લે સુધી મર્યાદિત રહે ત્યાં સુધી ઠીક છે, જે ક્ષણથી તેને બધાં તાળાં ખોલવાની ચાવીરૂપે સંપ્રદાયરૂપે, સંસ્થા રૂપે 'ફોર્મુલા' કે 'નુસખો' કે 'તૈયાર બજારૂ સમીકરણ' રૂપે રજૂ થાય ત્યારથી અજ્ઞાનનાં ઝેર કોચલાંનાં બીજ વવાય છે, પરિણામે આજે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે સંપ્રદાયની આજુબાજુ આધ્યાત્મિકતા કે આંતરિક જ્ઞાન જોડવાનો પ્રયાસ કરનાર શખ્સનો ભેટો થાય ત્યારે 'ઝેરકોચલાંનું વૃક્ષ' ફૂલ્યું ફાલ્યું એવી ખાતરી થાય છે.
ભલભલા વયોવૃધ્ધોની ચામડી ઉખડે તો સાંપ્રદાયિક કટ્ટરતાનું કાળું લોહી અચૂક વહેતું દેખાશે. કારણ કે પછી જ્ઞાન, પ્રતીતિ, સમજની દિશા જ ખોટી બની જાય છે. જે હકીકતે અંદરથી પ્રગટે તેનું સરનામું ધર્મસ્થાનક વ્યક્તિ, પ્રવચન, સંસ્થા કે સંપ્રદાય માની લેવાય છે, ત્યારથી તમામ પતન શરૂ થાય છે.


