વ્યક્તિગત ટીકા - વખાણ અને વૈચારિક વિશ્લેષણ
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
એક ગામમાં એક ખખડધજ ઘરમાં મોટી વયના વડીલ રહે. જૂંના ઘરોની રચના પ્રમાણે મોટા ડેલાને દરવાજો હોય અને એ ડેલામાં ઘર હોય. મોટે ભાગે ખુલ્લા રહેતા દરવાજામાં ગલીના કૂતરાં પણ આવજાવ કરે. કાકા રોટલો ખાવા બેસે ત્યારે પાસે એક દંડો રાખે ને કૂતરાં ભગાડે.
એક વાર એ ગામમાં કોઈ પ્રાચીન સ્થાપત્યનો અભ્યાસ કરતી, વિદેશી યુવતી આવીને કાકાનું ઘર ''હેરિટેજ'' પ્રકારનું હોતાં, કાકાને મળવા આવી.
એની નજર કાકાના દંડા પર ગઈ. દંડો હાથમાં લઈને થોડું ખોતરીને જોયું તો એ દંડો પણ ભારે કિમતી હતો. ખૂબ સુંદર કોતરકામ અને પ્રાચીન હોવાથી જાણકારો એની કિમત લાખોમાં આંકે એવું લાગ્યું.
યુવતીને ભારે આશ્ચર્ય થયું. એણે કાકાને અમુક કિંમત આપીને દંડો ખરીદી લીધો. આ ભારે કિમતી દંડાનો ઉપયોગ કાકા કૂતરાં ભગાડવા કરતા ! આપણે ત્યાં પૂર્વજોની જીવનભરના સંઘર્ષ અને અનુભૂતિની વાતોનો ઉપયોગ (કે દુરુપયોગ?) સગવડ મુજબ થાય ત્યારે આ કાકાનો દંડો યાદ આવે. અદ્ભુત આધ્યાત્મિક વાતો મનોરંજન માટે વપરાય! (ઈશાવાસ્ય પર બોલવા માટે ફલાણાને બોલાવો, એમનો ભારે ''ડિમાન્ડ'' છે ! બોલે ત્યારે બહુ ''મજા'' આવે છે!) બરાબર પાણીપૂરીવાળાને પસંદ કરે એમ જ !
ચાલો એ સરેરાશ બહુમતીની રુચિની વાત થઈ. પણ અંગત સમજમાં પણ આંખનું કાજળ ગાલે જ ઘસે! એક વિચારક ભાઈ સરેરાશ - સમકાલીન મનોદશા અને જાત છેતરપીંડીનું વિશ્લેષણ કરે ત્યારે તેમના એક પરિચિતથી એ સહન ન થાય. (કોઈ છૂપી દૂખતી નસ દબાતી હોય!) એટલે સવાડોહયો થઈને મમરો - મૂકે. ''તુંડે તુંડે મતિર્ભિન્ના.'' આ સવાડાહ્યા જણની વાત ખોટા સંદર્ભમાં, સગવડિયા રીતે વપરાઈ હોય, કારણ કે પેલા વિચારકભાઈ માટે, સમકાલીન પરિસ્થિતિનું વિશ્લેષણ કોઈ અંગત રાગદ્વેષનાં રોદણાં નથી, એ એમની દ્રષ્ટિએ, સમકાલીન હાલતનું સામાન્ય (જનરલ) વિશ્લેષણ છે.) અંગત રોદડાં અને એક વિચારકનાં અંગત રાગદ્વેષવિહોણાં વિશ્લેષણ વચ્ચે. જમીન-આસમાનનો ફરક છે.
જો પેલા સવાડાહયા ભાઈની વાત (આ સંદર્ભે) સાચી હોત તો તો જિસસ, મહાવીર, તુલસીદાસથી માંડીને અખા સુધીના અબુધ હતા કે એમણે સમકાલીન વિકૃતિઓ પર સામાન્ય નિરીક્ષણ કર્યો ? એમને ''તુંડે તુંડે મતિર્ભિન્ના'' વાળી ''મહાન'' વાતની ખબર ન હતી ? હકીકતમાં ''તુંડે તુંડે મતિર્ભિન્ના'' અમુક સંદર્ભમાં સાચી, પેલા કિમતી દંડ જેવી વાતનો સવાડાહ્યાભાઈએ પોતાની છૂપી બળતરા છૂપાવવા ખોટા સંદર્ભમાં ઉપયોગ કરેલો! કોઈને મોટું સન્માન મળે કે સફળતા મળે ત્યારે ''બહુરત્ના વસુંધરા'' કે ફિલસૂફી ઝાડતું વાક્ય ''બધું જ ક્ષણિક'' છે એવું સગવડિયું વિધાન ફેંકતા જોયા છે ? એ બોલનારે પોતાની બળતરા ઢાંકવા ઠાવકાં સૂત્રો ફેંક્યા હોય ! પોતાને એવું સન્માન કે સફળતા મળે તો એવાં સૂત્રો એમને મોઢે ન આવે !
વિચારકની વાતને, અંગત ટીકા-વખાણના માપદંડથી માપવાની વાત, એને ''નેગેટિવ'' કે ''પોઝિટિવ''નાં બ્રેકેટમાં, ચોકઠાંમા બેસાડવાની વાત પણ એક જ સગવડિયા ગેરસમજમાંથી જન્મે છે : વિચારકને અંગત રોદડાં રડનાર ગણવાથી!