Get The App

એમને પ્રેમપત્ર જેમ વંચાય, પાઠયપુસ્તક જેમ નહીં

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
એમને પ્રેમપત્ર જેમ વંચાય, પાઠયપુસ્તક જેમ નહીં 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

'પોથી પઢ પઢ જગ મુઆ

પંડિત ભયા ન કોઈ,

ઢાઈ અક્ષર પ્રેમ કા

પઢે, સો પંડિત હોય !'

બ હુ સાદો સરળ લાગતો કબીરનો આ દોહરો બહુ ઘણું કહી દે છે. છે તો અઢી અક્ષરનો, પણ હજારો ગ્રંથો ગોખી નાખ્યા પછી, અરે એ અઢી અક્ષરના શબ્દની માળા જપ્યા પછી ધૂન કર્યા પછી પણ એ પ્રગટ થવાની કોઈ ખાતરી નથી હોતી એવો આ રહસ્યમય શબ્દ છે.

કબીરની 'પંડિત'ની વ્યાખ્યા જ જૂદી છે.

બકરી પલ્લી ખાતી હોય એમ ગોખણપટ્ટી કે સચોટ સ્મરણશક્તિ વડે શાસ્ત્રો મોઢે બોલી જનાર કે શાસ્ત્રાર્થ અથવા તાર્કિક વાક્યુદ્ધમાં હાજરજવાબી બનાવનારને એ પંડિત કહેતા નથી. માત્ર બુદ્ધિ નહીં, પણ સમગ્ર વ્યક્તિત્વથી, પૂરા 'ન્યૌચ્છાવર' ભાવથી (વૈષ્ણવ ઉપાસના-પદ્ધતિમાં ન્યૌછાવરનો બહુ મીઠો અર્થ છે. દૂર દેશ જતા કે પરણીને પહેલીવાર પગે લાગતા દીકરાનાં ઓવારણાં લઈ, પ્રતીકાત્મક રીતે કંકુ-ચોખા ન્યૌછાવર કરતી માતાને જોઈ છે ? ન્યૌછાવર એટલે સર્વભાવે સમર્પણ) ડૂબકી મારનારને જ જીવનનો 'મર્મ' પ્રાપ્ત થાય છે. કબીર 'પ્રેમ' શબ્દ વાપરે છે - ત્યાં એ 'રાગ' (એટેચમેન્ટ) તરીકે નથી વાપરતા, વ્યક્તિત્વના પૂરા 'ન્યૌછાવર' ભાવ 'ટોટલ ઇન્વોલ્વમેન્ટ' તરફ ઇશારો કરે છે. શંકરનું 'અદ્વૈત' શીખાય નહીં, એ 'પામવું' પડે, ને એ 'પામવા' માટે મીરાં બનવું પડે. સમગ્ર જીવન 'દ્વૈત' ભક્તિમાં રસલીન રહેલી મીરાં એટલે એના પ્રિયતમમાં પૂર્ણપણે 'વિલીન' થાય છે, એ અનુભૂતિ જ શંકરને સમજવાની, 'અદ્વૈત'ને પામવાની ખરી ચાવી છે : 'તૂ ના તૂ રહૈ, મૈં ના મૈં રહૂં, યહી ઇશ્ક કા હૈ, દસ્તૂર'

આપણી માનવ જાતની વિડમ્બના, કુટેવ એ રહી છે કે આપણને એવી ભ્રમણા રહે છે કે બધું જ ચોપડીઓ, પ્રશિક્ષણ (ટ્રેનીંગ), ભાષણોમાંથી પામી શકાય. આપણું ચાલે તો આપણામાંથી કોઈ 'મીરાં' બનવા માટે પણ 'શિબિર' ગોઠવે. વહેતાં પાણીને બરફ ન બનાવીએ, ઝરણાંને રોકીને ખાબોચિયું ન બનાવીએ, મહાપુરુષની અમૃતવાણીને બાંધીને અત્યંત જુગુપ્સાજનક સંપ્રદાયમાં પરિવર્તિત ન કરીએ તો ચેન પડે નહીં.

શંકર, ઓશો કે કૃષ્ણમૂર્તિ ને પણ યેનકેનપ્રકારેણ સંપ્રદાયમાં બાંધવા મથતાં મગતરાંને જોઉં ત્યારે રોમેરોમમાં આક્રોશ ધગધગી ઉઠે, પણ પછી જાતની મૂર્ખાઈ પર જ હસવું આવે : કહું : 'અરે ! આ તો આપણી જુગ જૂની સનાતન નબળાઈ ! તું કોણ આ ટેવ સામે વિરોધ કરનાર ?'

આ લોકોને કોણ કહે કે શંકર, ઓશો, કૃષ્ણમૂર્તિથી માંડીને વિમલાતાઈ સુધી ના કોઈ જ દ્રષ્ટા કશું જ નવું કહેતા નથી. આપણાં જ હૈયાંમાં રહેલાં કોઈ સુષુપ્ત સત્યને જ્યારે એમની વાણી સ્પર્શે છે, ત્યારે આપણે રોમાંચિત થઈ ઉઠીએ છીએ. આ અનુભવ તો જ થાય, જો પેલો અઢઈ અક્ષરનો મંત્ર - આપણામાં જાગી ચુક્યો હોય. માત્ર બુદ્ધિ નહીં, સિતારના તાર માફક આપણો સમગ્ર માંહ્યલો-જાગી ચુક્યો હોય.

બુદ્ધિ સાંપ્રદાયિક કટ્ટરતા તરફ ખેંચી જઈ, આપણને આપણા અહંના બંદી બનાવે છે, જ્યારે પ્રેમ, ભક્તિનો ન્યૌછાવરભાવ અંદરની જેલની તમામ દિવાલોને તોડી પાડે છે. કોઈ પણ ચિંતક કે દ્રષ્ટાને સમજવા, પામવા, હૈયાંની દિવાલો તૂટવી જોઈએ, આંખોમાં મજનૂનો તડફડાટ જોઈએ. આવું કાંઈક ઘટે તેને 'પ્રેમ' કહે છે અને ત્યારે કૃષ્ણમૂર્તિ, ઓશો, વિમલાતાઈ કે કોઈ પણ ચિંતકનાં વાક્યો હોઠ પર આવતાં નથી, ફક્ત 'મૌન' રહે છે. એ દ્રષ્ટા કે ચિંતકની વાતમાં આપણને કાંઈક ગજબનું 'પોતાપણું' અનુભવાય છે. જાણે હૈયાંમાં જુગોથી કાંક ધરબાયેલું હતું, પેલા ચિંતક કે દ્રષ્ટાએ બરાબર ત્યાંજ આંગળી મૂકી, ટકોરો માર્યો, એ આખું વ્યક્તિત્વ હલબલી ઉઠયું.