Get The App

પુસ્તકોના વાચન કે લેખનની સંખ્યાના વિક્રમનો શો અર્થ?

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
પુસ્તકોના વાચન કે લેખનની સંખ્યાના વિક્રમનો શો અર્થ? 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

ભ લભલા ડાહ્યા પરિપકવ અન્યથા બહુ સમજુ કે સારા લેખકો કે કવિઓ કે અન્ય લોકોને પોતે લખેલા કે વાંચેલા કે સંપાદિત કરેલા પુસ્તકોના વિક્રમ (રેકોર્ડ) ગળે વળગાડીને ફરતા જોઈએ ત્યારે નવાઈ લાગે ! વ્યકિતને પોતાનાં સર્જન કે વાચનનું ગૌરવ હોય, સંતોષ હોય એ ખૂબ સહજ વાત છે.

પણ મુદો એ છે કે લોકસ્વીકાર કે લોકરંજન આપણા પર સવાર થાય છે કે આપણે લોકસ્વીકારની લાલસા પર લગામ તાણી શકીએ છીએ.

એક ભાઈ ખચ્ચર પર અસવાર બનીને રસ્તા પર પસાર થઇ રહ્યા હતા. તકલીફ એ હતી કે એમની સવારી વાંકીચૂંકી, આડીઅવળી જઈ રહી હતી. આજુબાજુ પસાર થનારા લોકોને આ તમાશો જોઈને નવાઈ લાગતી હતી. આ ડાહ્યો ડમરો જણ ખચ્ચરને કેમ આડુ અવળું હાંકી રહ્યો છે ? પણ એ અસવારના એક ખાસ મિત્રે થોડા સમય પછી એમને વિશ્વાસમાં લઈને આ વિચિત્ર સવારીનું કારણ પૂછ્યું.

પેલા અસવારે દિલ ખોલીને કબૂલાત કરી : 'હકીકતમાં દેખીતી રીતે ભલે તમને લાગે કે હું અસવાર છું, પણ ખચ્ચર એટલું જોરાવર અને બેલગામ છે કે એજ મારા પર કાબુ ધરાવે છે ! એ જે દિશામાં લઈ જાય એ દિશામાં હું ખેંચાઉં છું !'

એક બહુ વ્યાપક ભ્રમણા છે કે જેટલાં પુસ્તકો વધુ વાંચ્યાં, જેટલા સંદર્ભો વધુ ટાંકી શકે - એ 'વિદ્વાન' અહીં એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે ઠેઠ કાલિદાસથી લઈને, કબીર, મીરાંથી માંડીને ઉમાશંકર સુધી જોઈ જાવ કે તુલસીદાસજીથી માંડીને રામકૃષ્ણ પરમહંસ સુધી... આ લોકો કાળ અને ભૂગોળને પણ ઓળંગીને આપણા સુધી ટકી રહ્યા છે એ પુસ્તકવાચનની સંખ્યાનાં બળે ?

પુસ્તકોનું વાચન વ્યકિતની ક્ષિતિજો વિશાળ કરવામાં મદદ કરે, પણ એ વાતમાં વચ્ચે તૌંતેર મણનો 'જો' કે 'તો' આડો છે. એ તો જ બને જો વ્યકિતનો આન્તરિક ઊઘાડ હોય તો જ. તમે કદી ઉધારી વાચનના જથ્થાની મદદથી આન્તરિક રીતે ઊઘડો જ એવું શક્ય નથી. માણસમાં અને કોમ્પ્યુટરમાં આ ફરક છે. તમે કોમ્પ્યુટરમાં દુનિયાનું સર્વોચ્ચ સર્જન નાખી શકો, પણ માણસનો આન્તરિક ઊઘાડ તમે બહારથી અંદર નાખી ન શકો. એક વૃક્ષ પરથી ફળ ડાળીએથી અલગ થઈને નીચે પડે ત્યારે તમે પવનના ધક્કાને કારણ ગણો છો, પણ પવનનો ધક્કો કારણ નહીં પણ નિમિત્ત હોય છે. અન્ય કાચાં ફળોની સરખામણીમાં અમુક ફળ, પોતે જ ડાળીથી અલગ પડવા તૈયાર હોય છે. આ તૈયારી દરમ્યાન એ ફળે ટાઢ, તડકો પણ ખૂબ સહન કર્યાં હોય છે. નિમિત્ત અને કારણ વચ્ચેનો આ ફરક ધ્યાનપૂર્વક સમજવા જેવો છે.

નરેન્દ્રનાથ રામકૃષ્ણદેવને મળે અને રામકૃષ્ણને નરેન્દ્ર જે રીતે ઓળખી લે, ભગવાન મહાવીરને ઈન્દ્રભૂતિ ગૌતમ મળે અને ભગવાનને ઓળખી લે, આ ઘટના બધા જ મુલાકાતીઓ બાબત કેમ - બનતી નથી ? કારણ કે રામકૃષ્ણદેવ કે ભગવાન મહાવીર તો નિમિત્ત હતા. નરેન્દ્ર અને ઇન્દ્રભૂતિ ગૌતમના વ્યકિતત્વ પૂરાં તૈયાર હતાં.

સર્જન ટકાઉ બને એમાં એ સર્જનની પોતીકી વિશેષતા કારણભૂત હોય છે, સંખ્યા નહીં. એજ વાત ઢગલાબંધ પુસ્તકોનાં વાચન બાબત લાગુ પડે છે. તમારી અંદરનો તણખો મહત્વનો છે. અન્યને પ્રભાવિત કરવા સંખ્યાની મદદ લો તો તમારો અંદરની પ્રતિભા સાથેનો સંબંધ એટલા પૂરતો કપાઈ જાય છે.