- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
દુ શ્મનોની કિલ્લેબંધી ભારે મજબૂત હતી. તોપખાનું ચોવીશે કલાક તોપમારો કરે તો પણ ન તૂટે એવી કાળમીંઢ દિવાલો દુશ્મનોના કિલ્લાનું રક્ષણ કરતી હતી. આક્રમણ કરનાર શૂરવીર સેનાપતિ જાણતો હતો કે આ મામલામાં તોપમારો કર્યા કરવાથી હેતુ નહીં સરે, આ મામલામાં માત્ર બહાદુરી નહીં ચાલે, અહીં તો આયોજન કરવું પડશે. શૂરવીર સેનાપતિએ એક ખૂબ આકર્ષક લાકડાંનો ઘોડો તૈયાર કર્યો, તેમાં જીવલેણ સસ્ત્રો સાથે સૈનિકો છૂપાયા. મુઠ્ઠીભર મરજીવા સૈનિકો ! કિલ્લાના દરવાજા પાસે ઘોડો ઊભો રાખ્યો. કિલ્લાનાં મૂર્ખ પહેરેદારોએ જરાપણ શંકા કર્યા વિના ઘોડાને અંદર લીધો. લાંકડાનો ઘોડો અંદર પહોંચ્યો ને અચાનક ઘોડાનાં પેટમાંથી પેલા શસ્ત્રસજ્જન સૈનિકો નીકળ્યા ને પછી તો પેલી કહેવત મુજબ : 'એક મરણિયો સો ને ભારે !' એ આઠ દશ મરણિયા સૈનિકોએ કિલ્લાનો દરવાજો ખોલી નાખ્યો, ને બહાર ઊભેલા સેનાપતિ સાથે આક્રમક સૈન્ય સાગરનાં મોજાની જેમ અંદર ધસી આવ્યું. ઘમાસાણ યદ્ધ થયું, ને શૂરવીર સેનાપતિએ કિલ્લો સર કર્યો, દુશ્મનોને હાંકી કાઢ્યા. ઇતિહાસમાં આ કિસ્સામાં વપરાયેલા લાકડાંના ઘોડાને 'ટ્રોજન હોર્સ' કહે છે.
બહુમતી પ્રજા રમકડાંની માફક જે પૂર્વગ્રહો અને આત્મવંચનાને પંપાળતી હોય, તેને પડકારવાનું કામ 'ટ્રોજન હોર્સ' બન્યા વિના સરળ નથી હોતું. લોકોની આત્મવંચનાને પડકારનાર દરેક વ્યક્તિ દુનિયાને સુધારવાની ઘેલછાથી પીડાતો નથી હોતો. એ તો કુદરતનું હથિયાર બનતો હોય છે. એવો માણસ સભાગૃહની વ્યાસપીઠ પર આવે ત્યારે કોઈ અલૌકિક, ઇશ્વરીય આવેશ એના પર કબ્જો લઇ લેતો હોય છે. સાંપ્રત પરિસ્થિતિ, બહુમતી સમાજના દંભ પર પ્રહાર કરનાર વ્યક્તિ 'સમાજને સુધારવા નીકળ્યો છે' એમ કહીને ટોણો મારવો એ પેલા સ્પષ્ટવક્તાની જીભ પર તાળાં મારવાનો હીણો પ્રયાસ છે.
ન કરે નારાયણ, ને તમને ઇશ્વરે વૈચારિક ઊંડાણ, વૈચારિક વિશાળતા આપી હોય, તો લખી લેજો કે તમારૃં અસ્તિત્વ જ જોખમી બની જાય છે, તમારી જાત માટે ને તમને આજ સુધી પોતામાંના એક ગણનાર સમાજ માટે તમે 'ભયંકર' બની જાવ છો, તમે 'ખતરનાક' બની જાવ છો, કારણ કે તમે સહજ રીતે, નિર્દોષતાથી ઉચ્ચારેલાં વાક્યો, લખેલા લેખો, લોકોના હાથમાંથી રમકડાં ઝૂંટવી લે છે. લોકોને અરીસો ધરીને તમે ડરાવી દો છો. લોકો જે ડગમગતાં પાટિયાં પર બેદરકારી ભરી નીંદર માણતા હોય છે, તે પાટિયું ખસેડી લેવાની તમે હરકત કરો છો !
ને છતાં તમે તમારી અંદરથી આવતા ઇશ્વરના અવાજને આડે બારણું વાસી શક્તા નથી. મોટાભાગના લોકો તમારા જેવો ખતરનાક માણસ ક્યારે ખતમ થાય, ક્યારે એની બોલતી બંધ થાય એવી રાહ જોતા હોય, ત્યારે તમારા માટે કયો રસ્તો વ્યવહારૂ છે ?
ત્યારે 'ટ્રોજન હોર્સ' બનવું વ્યવહારૂ છે.
દાખલા તરીકે કોઈ આશ્રમમાં, તાબોટા પાડી, ભારેખમ મોઢું રાખી, પોતે અન્ય કરતાં અનેકઘણા વધુ 'ધાર્મિક' હોવાની ભ્રમણા પંપાળતા લોકો પાસે જવું હોય તો તમારે પહેલાં વેશપલટો કરવો પડે. તમારે પણ ધૂન બોલાવી, એ લોકોની આત્મવંચના પંપાળવી પડે તમારે વેશપલટો કરવો જોઇએ. તમે ઝભ્ભો પાયજામો કે શર્ટ પેન્ટ પહેર્યાં હશે તો માત્ર એ શ્રોતા-ગણ નહીં
આશ્રમના આયોજકો પણ તમને સંત નહીં માને.
ચાલો, આપણને સંત ન માને તો કશો વાંધો નહીં, તમને કદાચ દૂર રાખશે, પરંતુ રખે આવી ચડયા તો તમને સરેરાશ રાહદારી જેમ સાંભળવામાં આવશે. તમારો સંદેશ જ નહીં ઝીલાય.
તો શું કરવું ?
તો તમારે પણ ટીલાં ટપકાં કરી, અમુક પહેરવેશ ધારણ કરવો પડે, તમારી પાસે અનુયાયીઓનાં ટોળાં પણ જરૂરી છે, તો એ પણ યેનકેન પ્રકારે ગોઠવણ કરવી પડે.
ને પછી પેલા 'ધર્મ' ચુસ્ત કે સંપ્રદાયચુસ્ત આત્મવંચકોની જમાત પર વૈચારિક તોપમારો શરૂ કરી દેવો.
તમારી વિશિષ્ટતા, તમારી મૂઠી ઊંચેરી પ્રતિભા પગલે પગલે તમારી દુશ્મન બનશે ત્યારે 'ટ્રોજન હોર્સ' બનવામાં મુત્સદ્દીગિરી છે. વેશપલટો કરીને વર્તન કરો ઘોડા સાથે ઘોડા બનો, ગધેડાઓ વચ્ચે ગધેડા બનવાનો ઢોંગ કરો.
આ આજના માહોલની માંગ છે. ને 'ટ્રોજન હોર્સ' બનવામાં કાયરતા નહીં હોય, કારણ કે તમે પરમાત્માના ખેપિયા તરીકે લડી રહ્યાં છો. પરિસ્થિતિની માંગ મુજબ સાંપ્રદાયિક 'વેષ' અને સાંપ્રદાયિક પરિભાષા 'પહેરી'ને ઘૂસી જાવ અને પછી વૈચારિક તોપમારો કરો. કોથળામાં પાંચશેરી નાખીને તૂટી પડો !


