- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- માંહ્યલાની આધ્યાત્મિકતા કદી લાગણીઓ કે અહમ સાથે જોડાયેલી ઓળખની કેદી બની જ ન શકે
વ હેતી નદીને બે કિનારાની શિસ્ત હોય છે. તેથી એ પાણીમાં સડન પેદા નથી થતી, પણ તમે ગટરની હાલત જોઈ છે. લગભગ ચારેય બાજુથી જો કોઈ વહેતાં પાણીને બાંધી દો તો એમાં અચુક સડન પેદા થાય છે.
જેને આપણે 'ધર્મ' તરીકે ઓળખીએ છીએ એ વ્યક્તિની લાગણીઓ સાથે જોડાયેલી વાત છે. એક વાત નોંધજો કે જેમ વ્યક્તિ બાળપણનાં અમુક જોડાણોથી સજ્જડ રીતે બંધાયેલો હોય, એ જ રીતે એ એને મળેલી 'ધર્મ'ની ઓળખથી જોડાયેલો હોય છે. હા, જોકે આ સજ્જડતા-સંસ્થાબધ્ધુ પંથોને વધુ લાગુ પડે છે. સંસ્થાબધ્ધુ પંથની વ્યક્તિ ગમે તેટલી ઉદારતાની વાતો કરે મોટી વયનો હોય, પણ એની ધાર્મિક- ''ઓળખ''ને છંછેડતા નહીં, એને ખોતરશો તો પાર વગરની સંકુચિતતા અચૂક દેખાશે.
બસ. વ્યક્તિને બાંધવાનું આ જ રહસ્ય. પેલી ''ઓળખ''ને એના અહમ્ અને લાગણીઓ સાથે જોડવામાં આવે, અને તમામ ચાક-ચોબંદ પંથો આ રીતે અત્યંત સજ્જડ અનુયાયીઓ મેળવે. આ સજ્જડતાને કોઈ પરમતત્વ કે આન્તરિક આધ્યાત્મિકતા સાથે દૂર દૂરનો પણ નાતો ન હોય !
જો સ્વતંત્ર વિવેકની પાંખોને પ્રોત્સાહન અપાય તો તો પંથની આખી વ્યૂહરચના, વફાદાર સૈનિકોને બાંધવાનાં લાંબા ગાળાનાં આયોજન નીચે સુરંગ લાગે !
વાત માત્ર પંથોની નથી, વ્યક્તિકેન્દ્રી, કહેવાતાં આધ્યાત્મિક કે કહેવાતાં વૈચારિક આંદોલનોને સફળ બનાવવાની શરત જ એ કે વ્યક્તિને ગટર માફક ચારે બાજુથી અદ્રશ્ય દિવાલોથી બાંધી દો ! અને એ શક્ય છે માત્ર લાગણીઓ પર કબજો કરવાથી, વ્યક્તિઓને પ્રેમમાં પાડવાથી !
હા, એમાં સંગઠન સજ્જડ બને, પણ પોતાની અણમોલ સ્વતંત્ર વિવેક શક્તિ ગુમાવનાર વ્યક્તિ નુકશાનમાં હોય !
એનું ઝનૂન, એના વહેતા પ્રવાહની તાજગી ઝૂંટવી લઈને એને ગટરમાં પરિવર્તિત કરી દે.
હકીકતમાં ધર્મના પ્રાણ અધ્યાત્મ છે, અને તમે વિધિવિધાન, કાયદા કાનૂન બહારથી થોપી શકો, પણ માંહ્યલાની આધ્યાત્મિકતા કદી લાગણીઓ કે અહમ સાથે જોડાયેલી ઓળખની કેદી બની જ ન શકે. બસ, આ જ કારણથી બાહ્યવિધિથી ધર્માન્તરની વાત પણ કદી ગળે નથી ઊતરી.
તમે પરસ્પરનાં ધર્મસ્થાનોમાં વંદન કરો એ તમારાં ખુલ્લાપણાંનો પુરાવો નથી. એ તો નર્યો વાટકી વ્યવહાર છે. તમારો ''આ પોતાના, આ પારકાં'' વાળો છૂપો હઠાગ્રહ દૂર થયો ? તો તમારામાં - નદીનાં વહેતાં પાણીની તાજગી છે!


