Get The App

ભસ્મક ગ્રહ પૂર્વગ્રહ .

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ભસ્મક ગ્રહ પૂર્વગ્રહ                                              . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

ભ લભલા કહેવાતા સમજૂ અને પરિપકવ લોકો પણ પૂર્વગ્રહની મીઠી ખંજવાળની આદતથી પીડાતા હોય છે. બરાબર નાનું બાળક પોતાનું રમકડું છોડે નહીં એવા જ માલિકીભાવથી એ લોકો પૂર્વગ્રહ પકડી બેઠા હોય છે. અલબત્ત પછી એ પૂર્વગ્રહ હઠાગ્રહ બની જાય છે, ને જેમ શરીરમાં કોઈ બહારની કાંકરી ખૂંપી જાય, પછી એ કાંકરી શસ્ત્રક્રિયા વિના બહાર કાઢી ન શકાય, એ જ રીતે પૂર્વગ્રહ જડ રીતે ચિત્તમાં ઘર કરી જાય છે.

તમે કોઈની વિશિષ્ટ પ્રતિભાની પ્રશંસા કરો, ત્યારે અમુક વ્યક્તિ શો પ્રતિભાવ આપે છે, એના પરથી એ વ્યક્તિની મનોદશાનો ઘણો ખ્યાલ મળી રહે છે. અલબત્ત, દરેકની પ્રશંસામાં આંખ મીંચીને જોડાવું યોગ્ય નથી, તો દરેકે દરેકની પ્રશંસાનો આંધળો તેજોદ્વેષ કરવો પણ યોગ્ય નથી. એક વ્યક્તિ પોતાનાં ક્ષેત્રમાં ગમે તેટલું ઊંચું કાઠું કાઢે, પોતાની અસામાન્યતા સાબિત કરે, ત્યારે પણ એની પ્રારંભિક કારકિર્દીના કાળના સાથીઓ એ વ્યક્તિની અસામાન્યતા, એની સિધ્ધિને દિલપૂર્વક સ્વીકાર કરવા રાજી હોતા નથી, એનાં કારણમાં પૂર્વગ્રહો પંપાળવાની નબળાઈ હોય છે. માણસ પરિવર્તનશીલ છે. કોઈ વ્યક્તિ જન્મથી જ ટોચ પર બેઠેલી હોય એમ બને નહીં.

મધ્ય મુંબઈનાં પરાંની એક કોલેજના એક વિદ્વાન પ્રાધ્યાપકને આ લખનાર સારી રીતે જાણે છે, જે પ્રાધ્યાપકે એજ કોલેજમાં પટાવાળા તરીકે, ચોથાવર્ગના કર્મચારી તરીકે કારકિર્દી શરૂ કરી હતી. અત્યારે પ્રાધ્યાપક તરીકેનાં એનાં સન્માન યોગ્ય સ્થાન પ્રત્યે આંખ આડા કાન કરીને હું એના પટાવાળા તરીકેના ભૂતકાળને પંપાળ્યા કરૃં તો પેલા પ્રાધ્યાપકની પ્રગતિ કે સિધ્ધિને ઊની આંચ આવવાની નથી, પણ મારાં મન આડે પૂર્વગ્રહનાં અંધારાંનું પડળ જરૂર આડું આવવાનું છે. 

વ્યક્તિની વર્તમાન સિધ્ધિને ઉવેખી, એની પ્રારંભિક કારકિર્દીને રમકડાં પેઠે યાદ કરીને નિંદાખોરીમાં રાચવામાં નરી કાયરતા છે. સાચું શૌર્ય તો પોતાના પ્રતિસ્પર્ધી કે દુશ્મનની પણ નક્કર વિશેષતાનો ખુલ્લાં દિલે સ્વીકાર કરવામાં છે.

એક ભાઈને પોતાની કારકિર્દીના પ્રારંભિક સંઘર્ષકાળમાં એમણે ઘરે ઘરે દરવાજા ખટખટાવીને સાબુ વેચતા. લાંબો સમય કોઈ શેઠના જનસંપર્ક અધિકારી (પબ્લિક રિલેશન ઓફિસર) તરીકે કામ કરેલું. એવાં બધાં કામોમાંનાં કેટલાંક એવાં પણ હતાં જે સંજોગોનાં વિચિત્ર દબાણ હેઠળ કરવાં પડેલા.

આજે એ ભાઈ ખૂબ જાણીતા વક્તા અને આન્તર્રાષ્ટ્રીય સ્તરે પોતાનાં ક્ષેત્રના પ્રખર અભ્યાસી તરીકે સ્વીકૃતિ - હાંસલ કરી ચુક્યા છે. વિદેશોના નિષ્ણાતો વિશ્વ પરિષદોમાં એમને સર્વાનુમતે માનપૂર્વક અધ્યક્ષપદે આમંત્રે છે,

પરંતુ એ ભાઈની પ્રારંભિક કારકિર્દીના સાક્ષીરૂપ બનેલા કેટલાક સમકાલીનો એમનો ઉદારતાપૂર્વક સ્વીકાર કરવાનું શૌર્ય દાખવી શકતા નથી. એમને પૂર્વગ્રહની મીઠી ખંજવાળ છોડવાનું ગમતું નથી. 

જનસંપર્ક અધિકારી તરીકે કોઈ શેઠના સમાચારો લઈને - કોઈ પ્રસાર-માધ્યમની ઓફિસમાં એ ભાઈ જતા, એ દ્રશ્ય યાદ રાખીને પંપાળવાનું હજુ પણ ઘણાને ગમે છે.

એક ખૂબ જાણીતા લેખકશ્રી પાસે એક સુપ્રસિદ્ધ યુવાન કથાકારની વિદ્વત્તા અને અદ્ભુત પ્રતિભાનાં વખાણ કર્યાં. લેખકશ્રીએ તરત પ્રતિભાવ આપ્યો : ''એ તો પહેલાં અમુક સ્થળે ધાર્મિક 'ગાઈડ' તરીકે કામ કરતો હતો !'' લેખકશ્રીનાં એ વિધાન પાછળ, પેલો યુવાન એક સામાન્ય ગાઇડમાંથી પ્રતિભાવંત કથાકાર બન્યો એ પ્રગતિને સલામ કરવાની મર્દાનગી નહોતી, પણ પેલી ભૂતકાળની ''ગાઈડ'' તરીકેની મૂર્તિને પંપાળ્યા કરવાની કાયરતા હતી. પૂર્વગ્રહને મીઠી ખંજવાળ કરીને પંપાળ્યા કરવામાં મનનો અંધાપો આવે છે.

પૂર્વગ્રહ ભૂલીને હૈયાંને ઉદાર બનાવવાથી શૌર્ય પ્રગટે છે.