Get The App

દ્વિધા : કાળને ઓળંગવાની અને વર્તમાન ખેંચાણની!

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
દ્વિધા : કાળને ઓળંગવાની અને વર્તમાન ખેંચાણની! 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

અં ગ્રેજીમાં એક શબ્દ છે: ''કન્ડીશનિંગ'' ! માણસ-વર્તમાનમાં, સમકાલીન સંયોગોમાં કેદ થઈ જાય છે. કોઈ વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરેલો. એક મોટાં મેદાનના એક ખૂણે વાડ બનાવીને એક હરણને લાંબો સમય એ વાડમાં પૂરી રાખ્યું. હરણ એ વાડથી એવું ટેવાઈ ગયું કે એ વાડની બહાર મોટું મેદાન છે એ પણ ધીરે ધીરે એ ભૂલી ગયું. વૈજ્ઞાનિકે અમુક સમય પછી એ વાડ દૂર કરી, પણ હરણ એ વાડના વિસ્તારની બહાર જવા તૈયાર જ ન હતું. મનની આ પરિસ્થિતિ ''કંડીશનિંગ'' છે. માણસ પણ આ ''કન્ડીશનિંગ''ની લાક્ષણિકતાથી પીડાય છે !

તમે નોંધજો કે નાનકડાં ગામ, નાનકડાં મંડળ, નાનકડી નિવાસી સોસાયટી, નાનકડી ગલીમાં પણ લોકો એટલાં જ ઝનૂનથી પોતાની કાલ્પનિક વગ માટે લડે છે. જાણે એમણે વિશ્વયુદ્ધ જીતવાનું હોય ! તમે શાળા-કોલેજના સ્ટોરરૂમનું રાજકારણ જુઓ તો તમને નવાઈ લાગે કે આ લોકો આ નાનકડાં ક્ષેત્રને કેટલું ''વિરાટ'' સમજે છે ! તમે નાનકડી ગ્રામ પંચાયતની અંદરોઅંદરની સ્પર્ધા જુઓ તો નવાઈ લાગે કે આ લોકોને ગામ બહાર મોટું વિશ્વ છે એ સમજાતું નહિ હોય ? કારણકે માણસ એનાં સ્થળ, કાળમાં કાલ્પનિક રીતે જાતે કેદી બની જતો હોય છે.

આ લખનાર બંદો ભવન્સ (મુંબઈ અંધેરી)માં ભણતો હતો ત્યારે કોલેજનો શ્રેષ્ઠ વિદ્યાર્થીનો મેડલ મળ્યો. પિતાજીને સહજભાવે આ સમાચાર આપ્યા. પિતાજી શિક્ષણકાર હતા. એમણે ઉમળકાથી શાબાતી તો આપી પણ તરત મમરો મૂક્યો. ''આ મેડલથી આકાશમાં કૂદકા ન મારતો, કોલેજની બહાર પણ બહુ મોટી દુનિયા પડી છે એ કદી ન ભૂલવું.''

આ ''કન્ડીશનિંગ''ની તકલીફ એ છે કે વ્યક્તિની વય વધે છતાં મનની સંકુચિતતા દૂર થતી નથી. પરિણામે તમે મોટી વયના, અનેક માન-અકરામ પામી ચૂકેલા, વગદાર જણમાં ઈર્ષ્યા અને અતૃપ્તિ, અસલામતી જુઓ છો.

તો મનની બંધાઈ જવાની, ''કંડીશનિંગ''ની આ તકલીફનો ઉપાય કે ઈલાજ શો ? આ ઈલાજ જાતને કેળવવા સિવાય શક્ય નથી. પિતાજીએ મેડલ મળતી વખતે ટકોરો મારીને સાવધ કરેલો, એ જ મનને ગંઠાઈ જતું રોકવાનું રસાયણ કે ''પ્રીઝર્વેટિવ'' છે. સંયોગો, પરિસ્થિતિને સ્થળ, કાળને ઓળંગીને જોવાની ટેવ પડે, મનની સરહદો મોટી થાય તો માણસ વર્તમાનનાં ખેંચાણમાં પાગલ ન થાય ! વિમાનમાં ઊંચે ઊડતાં બારીમાંથી નજર કરો તો ગગનચુંબી મકાનો કેવાં લાગે છે ?

વ્યક્તિની કારકિર્દીમાં એવો પડકાર આવે છે જ્યારે સમકાલીન વાહવાહીનું જબરદસ્ત ખેંચાણ હોય. બીજી બાજુ માંહ્યલો એવી પ્રેરણા કરી રહ્યો હોય જે સમકાલીન બહુમતીને ગમે નહીં ! વર્તમાન વાહવાહીની કેદમાં ઝૂમતા રહેવું એ ખેંચાણ જબરદસ્ત હોય. ભીંડની જેમ લોકોને ગમતું પિરસવાથી વર્તમાનમાં એવી 'ડિમાન્ડ' રહે કે મનને એ ખેંચાણ જ પ્રિય લાગે, બીજી બાજુ એ વર્તમાનનાં કન્ડીશનિંગમાંથી મનને આઝાદ કરીને, દીર્ઘકાળે પણ ટકી રહે એવી ઉડાન તરફ માંહ્યલો પ્રેરે ! આ દ્વિધા વખતે મનને ગંઠાતાં રોકવા માટે, 'કંડીશનિંગ'થી બચવા માટે, જાતતપાસ, આપણી ઊભી કરેલી સરહદોની પેલે પાર નજર કરતાં રહેવું એ જ શ્રેષ્ઠ 'પ્રીઝર્વેટિવ' કે 'ઈલાજ' છે!

Tags :