- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
કથા-વાર્તા-પૌરાણિક રસસભર વાતો, ભક્તિરસથી રસાયેલી વાતોની બે અસરો થાય છે: જો વ્યક્તિ ખરેખર જાગૃત હોય તો એનું વ્યક્તિત્વ પાવન થઈ ઉઠે, પણ જો વ્યક્તિ દંભી અને શાહમૃગ જેવી આત્મવંચક હોય તો- એને બગ-ભગત-ધ્યાન માટે વધારાની તક મળે છે.
આજની પરિસ્થિતિનું તટસ્થ સર્વેક્ષણ કઈ અસર સૂચવે છે ?
જો કથા-વાર્તા-નીતિમત્તાનાં પિષ્ટપેષણથી વ્યક્તિત્વ પાવન થયું એવો તમારો નિષ્કર્ષ હોય તો એક જાહેર પડકાર છે : સરકારનાં ભ્રષ્ટાચાર-વિરોધી ખાતાં બંધ કરો, અને સુષ્ઠુ સુષ્ઠુ વાતો, આત્મા-પરમાત્માની વાતો, મજેદાર કથા-વાર્તાઓના ખર્ચ સરકાર તરફથી ''સ્પોન્સર'' કરાવો. ભ્રષ્ટાચાર વિરોધી ખાતાંનાં બજેટ સુષ્ઠુ સુષ્ઠુ મનોરંજક વ્યાખ્યાનો, જગતને મિથ્યા ઠરાવતાં પ્રવચનો માટે ફાળવી દો.
બે વર્ષ પછી પરિસ્થિતિનું સર્વેક્ષણ કરો !જોકે હજુ વધુ બે વર્ષોની રાહ જોવાની તમારી ધીરજ હોય તો તમને મુબારક, પણ જો સર્વેક્ષણ જ કરવું હોય તો આજની તારીખે ''પૂરતો'' ડેટા ઉપલબ્ધ છે ! ભ્રષ્ટાચાર, દંભ, કથા-વાર્તાનાં માધ્યમથી યુક્તિપૂર્વક વ્યક્તિ-પૂજાનું ઝેર ફેલાવી, લોકોની સ્વતંત્ર વિચારશક્તિ ઝૂંટવવાનાં કાવતરાં (ભાગ્યે જ એકાદ પણ અપવાદ હશે) સિવાય આઝાદીને જો પ્રારંભનું વર્ષ ગણીએ, તો આજે ધર્મ-કથા-નીતિની ઊંચી ઊંચી વાતોએ દંભ અને ભ્રમણા સિવાય શું આપ્યું છે ? મુખ્ય કારણ, નાલાયક પ્રજાને ઊંચી ઊંચી વાતોનો થયેલો અપચો, અજીર્ણ છે !
''સિદ્ધાંત'', ''પોલિસી''ને નામે સગવડ પ્રમાણે પોતાના પૂર્વગ્રહો પોષવાની સગવડ જેટલી આપણા લોકો પાસે હશે એટલી દુનિયામાં અન્યત્ર નહીં હોય. ''રેસિઝમ'', રંગભેદને નામે છુરી હુલાવી દેતા, કેટલાક વિદેશીઓ જેટલા જુગુપ્સાજનક લાગ્યા છે તેના કરતાં ''પોલિસી''ના નામે, ''સિદ્ધાંત''ના નામે અંગત રાગદ્વેષ, ઈર્ષ્યા પોષતા આપણા કહેવાતા-ડાહ્યાડમરા લોકો અબજોગણા વધારે જુગુપ્સાજનક લાગ્યા છે. કોઈનો હક્ક ઝૂંટવીને શોષણ કરવું હોય તો ''ત્યાગ'', ''અનાસક્તિ''નું મહોરૂં પહેરી લો. કોઈને હક્કનું વળતર ન આપવું હોય તો ગીતાની ''કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન''ની ફિલસુફી છૂટથી વાપરો !
ઉપર સૂચિત કરેલા કાર્યક્રમ પછી ડઝનબંધ-પરિપકવ વયના, પોતાને ડાહ્યાડમરા ગણતા કેટલાક બંધુઓએ સલાહ આપી, ''આવી નકારાત્મક ટીકાને બદલે મીઠાશપૂર્વક કહેતા હો તો ? જરા ''મેચ્યોર્ડ'' થઈને કાણાને કાણો કહેવાને બદલે ''સૂરદાસ'' કહેતા હો તો ?''
વાહ ! કેમ જાણે સાંભળનારા ચાર-પાંચ વર્ષની વયનાં મુગ્ધ બાળકો હોય ! પેટમાં વર્ષો જૂની ગંદકી જમા થઈ હોય તેના પ્રત્યે સંકેત કરવો એ હકારાત્મકતા કે નકારાત્મકતા ?
ભલા માણસ ! કાણાને સૂરદાસ કહેવાય એ પરિપકવતાની નિશાની છે, પણ આંખે મોતિયો આવ્યો હોય તેનું ધ્યાન ખેંચવું એ પણ નકારાત્મકતા ? તો જિસસ અને મહાવીરથી માંડીને અખા સુધીનાએ વ્યક્તિગત રાગદ્વેષ વિના સાંપ્રત પરિસ્થિતિનું જે વિશ્લેષણ કર્યું તેને તમે ''ટીકાખોરી'' જ કહેવાના ? મહત્ત્વનો, નિર્ણાયક મુદ્દો વ્યક્તિના ''હેતુ''નો છે. સાંપ્રત પરિસ્થિતિનાં લેખાંજોખાં કરતી વખતે અંગત સ્વાર્થ હેઠળના રાગદ્વેષ હોય તેને તમે ''ટીકા'' કહી શકો. પણ સૈદ્ધાન્તિક, બિન-અંગત મૂલવણીને તમે ''ટીકા'' કેમ કહી શકો ?
મિઠાઈઓ બહુ આરોગી.
દુનિયામાં વિક્રમ સર્જે એટલી ''સંસ્કૃતિ'' અને ''ધર્મ'' નિકાસ કર્યાં, સાંપ્રદાયિક વાડાબંધી ''એક્ષ્પોર્ટ'' કરી.
ખૂબ બધી ત્યાગ, વૈરાગ્યની ઊંચી ઊંચી વાતો થઈ.
ચાલો, હવે જુલાબને આવકારીએ.
હવે તમાચાને, જાગૃતિને આવકારીએ.


