- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
સ ફળતા, સત્તા અને સુખના સમયમાં આપણું સત્યાનાશ કરવા માટે આપણી અંદર છુપાઈને સતત પ્રવૃત્ત રહેનાર 'પાંચમી કતારિયો' હોય તો તે છે ''હૈયાંનો અંધાપો ''! દુ:ખના સમયમાં પણ ભવિષ્યમાં છૂપાયેલી પ્રસન્નતાની ક્ષણો આડે પડદો ધરનાર હોય તો તે છે હૈયાંનો અંધાપો !
સરળ ભાષામાં કહીએ તો વ્યક્તિ સામેની વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને મૂકવાનું ભૂલી જાય, સંપૂર્ણ બેશરમ કે છાકટો બને અથવા તો પૂર્ણપણે નિરાશ બને ત્યારે એની વિચારવાની શક્તિ સંકુચિત બની જાય છે. દારૂના નશામાં ચકચૂર માણસ ગાળાગાળી કરે અથવા તો ચોધાર આંસુએ રડે ત્યારે તેની વિચારશક્તિ ને આડે દિવાલ આવી ગઈ હોય છે.
દુનિયામાં સૌથી ડરીને ચાલવાની જરૂર નથી, પણ એક સત્યથી અચૂક ડરીને સાવચેત રહેવાની જરૂર છે કે સંજોગો ભારે રહસ્યમય તાકાત છે. ચપટી રજકણ સંજોગોનાં બળે પહાડ પણ ચૂરચૂર બની જાય આટલું સત્ય, જિન્દગીની સફળતા-નિષ્ફળતાની અનિશ્ચિતતા જો સતત હૈયે રહે તો વ્યક્તિ-પરસ્પર સંબંધોમાં છાકટો બનતો અટકે !
તમારી સફળતાના નશાના દિવસોમાં તમારા તરફથી થતો હળાહળ અન્યાય સહન કરતી વ્યક્તિ જ્યારે સામનો ન કરે ત્યારે એ તમારી જીત રખે માનતા ! આજે તર્કબદ્ધ, નિયમબદ્ધ ગણતરીબદ્ધ આયોજનોના જમાનામાં, જરા શાંતિથી વિચાર કરો : કેટલી શક્યતાઓ પર 'તમારો' સ્વતંત્ર કાબૂ છે ? પેલી કહેવત ''દુનિયામાં કશું અશક્ય નથી'' માં અચૂક પણે ''સંજોગો દ્વારા'' શબ્દો ઉમેરવા પડે છે.
બે વ્યક્તિઓ વચ્ચે સંવાદની આડે-હૈયાંનો અંધાપો જ આવતો હોય છે. આથી જ દુશ્મનને સમજાવીને ગેરસમજૂતી દૂર કરવાની વાત મૂર્ખતાભરી કે બેવકુફીભરી લાગે છે. કશીક ગેરસમજૂતી હોય તો તમે તમારી બાજુ રજુ કરીને દૂર કરો, પણ જ્યાં હૈયાં આડે પૂર્વગ્રહની કાળમીંઢ દિવાલ હોય ત્યાં દુનિયાની કોઈ જ તાકાત સંવાદ-સેતુ રચી ન શખે.
''પૂર્વગ્રહ''નું બીજું નામ છે ''હૈયાંનો અંધાપો'' ''હૈયાના અંધાપા'' સાથે અચૂક જોડીદાર હોય છે અન્યાય અને કાયરતા. હું ''પૂર્વગ્રહ''થી પીડાઉં છું એમ કહેતી વખતે હું ભૂલી જાઉં કે અન્ય વ્યક્તિ પણ મારા પ્રત્યે સતત પૂર્વગ્રહથી જોવાની વૃત્તિ રાખશે તો ? કચ્છીમાં કહેવત છે ''આંઉં મિણીં કે ચાં, મૂં કે કોઈ ચે તો રુઈ પાં'' હું - બધાંને ભાંડું, પણ મને કોઈ ભાંડે તો પરેશાન થઈ જાઉં.
કહેવાય છે કે ''ચપટી ધૂળનો પણ ખપ પડે છે'' આ તળપદી કહેવતનું સત્ય કોણે નથી અનુભવ્યું?આપણે ખોટી નમ્રતા ન કેળવીએ પણ સફળતા અથવા નિષ્ફળતાની પરાકાષ્ઠાની ક્ષણે આપણે અંધ ન બની જઈએ તો આપણાં પોતાનાં હિતનું પોતાની મેળે રક્ષણ થશે.
સફળતા કાયમી નથી રહેતી, સત્તા, સુખ કાયમી નથી રહેતા. આટલાં નક્કર સત્યનો અસ્વીકાર તો આપણી બુધ્ધિ પણ નહીં કરે. તો સફળતા કે નિષ્ફળતા વખતે હૈયાંનો અંધાપો ઘેરી ન વળે એ માટે જાગૃત રહીએ તો ?


