- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
કો ઈ પણ બાબતમાં અંતિમ ચુકાદો આપવો કોઈ પણ વિષયમાં વ્યાખ્યા બાંધવી દુનિયાની સૌથી કઠિન બાબત છે, એવરેસ્ટ ચઢવાથી પણ વધુ કઠિન અને પેસિફિકનાં તળિયે જવા કરતાં પણ વધારે ગહન ! અને છતાં મજેદાર વિડમ્બના જુઓ, કે અંતિમ ચુકાદો જાહેર કરવા, વ્યાખ્યા જાહેર કરી દેવા, 'જનરલાઈઝ' નિરીક્ષણ ઓકી દેવા માટે મોટા ભાગના લોકોને ભારે ઉતાવળ હોય છે. નહીં પૂરી માહિતી નહીં જરૂરી લાયકાત, નહીં ઊંડો અભ્યાસ, નહીં અન્ય વ્યક્તિની વિશિષ્ટ હાલતનો અંશ પણ ખ્યાલ ને અંતિમ નિરીક્ષણ આપવાના 'હીરો' બનવાની ચળ આપણા જમાનાની જાણીતી લાક્ષણિકતા છે.
જે બાબતોને પ્રયોગશાળામાં તપાસી શકાય, 'બે વત્તા બે'ના સરવાળા જે નાણી શકાય, જેનું વસ્તી ગણતરી જેમ સર્વેક્ષણ કરી શકાય, જેનું સમય કે સ્થળની મર્યાદામાં પરીક્ષણ કરી શકાય એવી બાબતો અંગે વ્યાખ્યા આપવામાં ભલભલાની ફેં ફાટી જાય, ભલભલા હિંમત ના કરે, પણ જે બાબતો સમજવા માટે તમારી પોતાની આંતરિક સમજ જ સૌથી વધુ મહત્વની હોય, એવી બાબતોમાં બકવાસ કરવા, એવાં અદ્રશ્ય ક્ષેત્રમાં ભેલાણ કરવા બહુ બધાને લાલચ થતી હોય છે. તાજેતરમાં એક સંતનાં પ્રવચન વિષે બે જણા વચ્ચે ચર્ચા ચાલતી હતી. આપણે એ બે જણાને મગનભાઇ અને છગનભાઈ નામે ઓળખીએ. 'મહારાજ પ્રવચનમાં કેટલા કઠોર શબ્દો બોલે છે ! સંત તો સુંવાળા હોય ! એમણે આટલા આક્રમક ના થવું જોઈએ !' મગનભાઈએ કહ્યું. મગનભાઈ ઊંચી ડિગ્રી ધરાવતા હતા અને સંખ્યાબંધ સાધુમહાત્માઓનાં પ્રવચનો સાંભળીને એમને એવી ભ્રમણા ઊભી થઈ ગયેલી કે સંતત્વને માપવાની ફૂટપટ્ટી એમના હાથમાં લાધી ગઈ છે!
સામે છગનભાઈ ઝાઝુ ભણ્યા ન હતા, પણ આંતરિક સમજમાં ઘણું બધું પામી ચુકેલા. છગનભાઈએ સામો પ્રશ્ન કર્યો : 'તમે મહારાજના કઠોર શબ્દો સુધી પહોંચ્યા છો. તમે સંતત્વની વ્યાખ્યા બાંધી, તમારી ફૂટપટ્ટીથી સંતને માપવા નીકળ્યા છો. વ્યાખ્યા તો જ સાચી અને વૈજ્ઞાનિક કહેવાય, જો એ સર્વત્ર લાગુ પડે. બાઈબલમા ંઉલ્લેખ છે કે ચર્ચમાં ચાલી રહેલા ંધતિંગ સામે આક્રમક બનીને જિસસ ધસી ગયેલા. તો તમારી વ્યાખ્યામાં જિસસ બંધ બેસે ખરા ? અખો, કબીરથી માંડીને તુલસીદાસ જેવા અનેક સ્થળે તલવારની ધાર જેવા કઠોર બન્યા છે, તો તમારી ફૂટપટ્ટીએ આ સંતો પણ અયોગ્ય કહેવાય !'
ઇશ્વર સંતોને ડૉક્ટરો તરીકે મોકલતો હોય છે. ક્યારેક અખા તરીકે મોકલે તો ક્યારેક તુકારામ તરીકે ક્યારેક વિવેકાનંદ તરીકે મોકલે તો ક્યારેક ઓશો રજનીશ તરીકે. ક્યારેક ડોંગરે મહારાજ તરીકે મોકલે. સમાજની હાલક, રોગની જરૂરિયાત મુજબ ક્યાંક હાથમાં મીઠું બોળેલી ચાબુક આપે તો ક્યાંક હાથમાં કરતાલ સોંપે !
જે ક્ષણે તમે સંતોને તમારી વહેંતિયા જેવી ફૂટપટ્ટીથી માપવાની હરકત કરો છો તે ક્ષણે તમે અવૈજ્ઞાનિક બનો છો.
કોણ સાચું ? તમારી જાત, તમારી સાઈઝ, તમારી ઓકાતથી મોટી તમારી ફૂટપટ્ટી કે કુદરતે કાળ-સંજોગ મુજબ વાપરેલી ફૂટપટ્ટી !
સંતત્વને વ્યાખ્યાથી બાંધનારા મહામૂર્ખ છે, કારણ કે સંતત્વ તો આંતરિક દશા છે, એને ઓળખવા માટે વ્યાખ્યા કામ ના આવે, એને ઓળખવા માટે હૈયાની સમજ જ કામ લાગે. સંત જેટલો મહાન એટલી એના સમકાલીન સમાજને ઓળખ ઓછી એટલું સત્ય તો સમગ્ર માનવ ઇતિહાસ પૂરવાર કરે છે.


