Get The App

ચિત્તશુદ્ધિ એ નરી બૌદ્ધિક કસરત નથી .

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
ચિત્તશુદ્ધિ એ નરી બૌદ્ધિક કસરત નથી                . 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- ભારતીય દાર્શનિકોના મંતવ્યે અનુસાર તો જન્મજન્માન્તરના તંતુઓ તમારૃં વલણ, તમારા ભાવનું ઘડતર કરે છે

કે ટલીક વાતો કરોડો અને અબજો લોકો સતત કરતા હોય, છતાં ખોખલી અને જાતઅનુભૂતિ વિહોણી પણ હોઈ શકે. આવી જ એક વાત છે ઃ આન્તરિક વિકાસ કે જાતતપાસની લગભગ તમામ 'આધ્યાત્મિકતા'નો દાવો કરનારા, સંસ્થાબદ્ધ પંથોએ આ વિષયમાં આંખનું કાજળ ગાલે ઘસ્યું છે.જે વાત સાવ જ એકલવીર જેવી જાતની અંદરની વ્યક્તિગત યાત્રા દ્વારા જ સિદ્ધ થઇ શકે એ વાતને 'સામુહિક થેરાપી કે સામુહિક પ્રવૃત્તિનું રૂપ આપ્યું એ જબરદસ્ત ખોખલી વાત છે.

તમે કાવ્યસર્જન માટે વર્ગ ખોલો અને ત્યાંની શરતો પાળીને અમુક કોર્સ કરીને 'કવિ' બની શકો એવો જ દાવો સામુહિક આધ્યાત્મિક રૂપાન્તરનો છે.

તમે સમૂહને શ્વાસ-ઉચ્છવાસ, ઊઠવા-બેસવાની રીત વગેરે કદાચ શીખવી શકે, પણ ચિત્તવૃત્તિ પર લગામ કસવાની વાત શીખવા શીખવવાની નથી.

હમણાં એક ઓશોપંથીની 'શક્તિપાત'ની ઓફર કરતી જાહેરાત જોઈ ! હદ થાય છે ! પરમહંસ રામકૃષ્ણને સહજરીતે ભાવાવેશ આવતો તેઓ એજ રીતે અચાનક સમાધિમાં સરી પડતા. કલ્પના કરો કે ભાવાવેશ કે સમાધિને એક ધંધાદારી 'પ્રોડક્ટ' (વસ્તુ) તરીકે સામુહિક રીતે વેંચી શકાય ? જવાબ છે ઃ 'હા, વેંચી શકાય, તમને છીછરાં પાણીમાં છબછબિયાં કરનાર, તૈયાર ફાસ્ટફૂડ ખરીદનાર ગ્રાહકો એક માગો ત્યાં સો તૈયાર છે.'

મજા એ છે કે આવાં સામુહિક રૂપાન્તરના ભવાડામાં મૂંડાવી આવનાર પોતે જ આવી પ્રવૃત્તિઓ ના, વગર મહેનતાણાના પ્રચારક બની જાય.

આખી વાત સમજવા માણસનાં વ્યક્તિત્ત્વની પાયાની સમજ જરૂરી છે. માણસનું વ્યક્તિત્વ માત્ર બુદ્ધિનું બનેલું નથી. અજબ ગજબની એની રચના છે. બુદ્ધિ ઉપરાંત અનેક પરિમાણો માણસનાં વ્યક્તિત્ત્વનાં ઓર્કેસ્ટ્રામાં ભાગ ભજવે છે.

કોઈપણ સંકલ્પ વખતે માત્ર તમારો બૌદ્ધિક કે તાર્કિક નિર્ણય પૂરતો નથી. તમારાં વ્યક્તિત્વના અનેક પાસાં, તમારૃં સુષુપ્ત મન અને ભારતીય દાર્શનિકોના મંતવ્યે અનુસાર તો જન્મજન્માન્તરના તંતુઓ તમારૃં વલણ, તમારા ભાવનું ઘડતર કરે છે. અને વ્યક્તિત્વની આ રચના દરેકે દરેકની અલગ હોય છે. જેમ બે જણના હાથની રેખાઓ એકસરખી નથી હોતી એ જ રીતે વ્યક્તિત્ત્વ પણ દરેકનું આગવું હોય છે.

એકવાર વ્યક્તિત્વનાં અગણિત પડ છે એ હકીકત સમજાઈ જાય પછી તમે માણસના માંહ્યલાનાં રૂપાન્તરને બહારથી બદલવાના પંથગત પ્રયાસોની કચાશ સમજી શકશો.

તમે જાતને જાતે અલગ કરીને જોઈ શકો એ માટે ચિત્ત શુદ્ધ જોઈએ, પણ એ કોઈ નરી બૌદ્ધિક કસરત નથી, કારણ કે ચિત્ત એ આંખકાન નાક જેવું અંગ નથી. ચિત્ત એ વ્યક્તિત્વનો અત્યંત સૂક્ષ્મભાગ છે, જેની સફાઈ માટે માણસનાં વ્યક્તિત્ત્વનાં અનેક અંગો લાગણી બુદ્ધિથી માંડીને સમગ્ર વલણમાં ઓર્કેસ્ટ્રાનું સંગીત જોઇએ.

Tags :