કારણકે અમે મધ નથી, સુદર્શન ચૂર્ણ છીએ !
- અન્તર્યાત્રા- ડો.સર્વેશ પ્ર. વોરા
એ ક બાળવાર્તા યાદ આવી. સિમેંટનાં જંગલમાં એક દિવસ સુદર્શનચૂર્ણ માનવરૂપ ધરીને ચાલ્યું જતું હતું (ચાખ્યું છે ખરૂં કે જોતાં વેંત મોઢું, બગાડીને જતું કર્યું છે ?) રસ્તામાં એને કોઈ ''ડાયાબીટીસ'' વાળો જણ મળ્યો: પૂછ્યું 'ભાઈ સુદર્શન, તું મધ કે ગોળ કેમ નથી બનતું ?' સુદર્શન શું જવાબ આપે ? છતાં તેણે કહ્યું, ''ભાઈ મીઠાલાલ, તારો આ પ્રશ્ન જરા ઉલટાવીને મધ કે ગોળને પૂછી આવ, ને એ જો તને મારી પાસે પાછાં મોકલે તો જગન્નિયંત્રાને વાયરલેસથી પૂછી જો: હે પ્રભુ ! તેં દુનિયામાં માત્ર ગોળ-ખાંડ કેમ પેદા કર્યા નથી ? માત્ર સુદર્શન કે મરચાં જ કેમ રચ્યાં નથી ? તેં અવારનવાર બન્નેને પેદા કરવાનું કેમ ચાલુ રાખ્યું છે ?'' તે કહે છે: પ્રભુ પાસે મીઠાલાલ ગયા ત્યારે પ્રભુએ જવાબ આપ્યો: ''જગતમાં માત્ર ગોળ ખાંડ કે માત્ર સુદર્શનચૂર્ણ પેદા કરવાં જોઈએ એવી તારી સલાહ લેવાની રહી ગઈ હશે !''
રમણમહર્ષિ મૌન માર્ગના સાધક તો વિવેકાનંદને કુદરતે બીજો જ પાઠ સોંપ્યો. કૃષ્ણમૂર્તિની સત્યની શોધ જુદી પદ્ધતિની, પણ એને ડોંગરે મહારાજ સાથે સરખાવી શકાય ? પયગમ્બર સાહેબે એમની રીતે પરમેશ્વરનો પયગામ આપ્યો, ને કૃષ્ણે મુરલીની ધૂન સરા આપ્યો. પ્રેમાનંદની વાણી મીઠી ને અખા ની કડવી-તીખી, પણ પેલા મીઠાલાલનું ચાલે તો અખાને સલાહ આપવા જાય. ભાઈ, શાને આટલા તીખા ? પ્રેમાનંદ કે કાલિદાસ કે અન્ય જેવા બનો ને ?
ઘરમાં એક જણની પાચનશક્તિ ખરાબ હોય ને એ બધાંને રાબ, મગનું પાણી જ આહારમાં લેવા નો આગ્રહ રાખે તો ? અથવા તો એક જણની પાચનશક્તિ ભીમ જેવી હોય ને એ બધાંને પીઝા, પંજાબી નાન-તેલથી રસબસતાં શાકભાજીને એવું બધું ઝાપટવા માટે આગ્રહ રાખે તો ? સમજૂ માતા શું કરે ? ઘરના વિવિધ તાસીર ધરાવતાં સભ્યો માટે એક જ પ્રકારનું, પોતાની નિર્બળતા મુજબનું ભોજન બનાવે કે તમામને નજર સમક્ષ રાખીને થાળી બનાવે ?
મહાકાળ જીવનની આ સતત વહેતી નદીમાં અવારનવાર ફટકડી નાખે છે, જેથી પાણી બંધિયાર અને રોગિષ્ટ ન બની જાય. અવાર નવાર વચ્ચે કોઈ કાળમીંઢ ટટ્ટાર શિલાપ્રપાત કરે છે, જેથી નદીનો પ્રવાહ બદલાઈ જાય. આ બધી કુદરતની જરૂરિયાતો હોય છે. તમે પરિવાર કેમ ચલાવો છો ? પરિવારમાં દર વખતે મૌન પાળો છો ? દર વખતે ગુસ્સો કરો છો ? ધંધા ઉદ્યોગમાં ગોલમાલ થતી અટકાવવા સલામતી વિભાગ (દંડાબાજો)ની જરૂર રહે છે કે નહીં ?
નવરાત્રિમાં ઢોલીની જરૂર પડે તેમ નિવૃત્ત લોકો, નિરાશ અથવા અતિધનવાન લોકોને જરા ''ચેન્જ'' માટે વ્યાવસાયિક ''નૈતિક'' કે ''આધ્યાત્મિક'' બોલણિયાની જરૂર પડે, એવા બોલણિયા કે જે તમારી ઊંઘ હરામ ના કરે, એવા 'વક્તૃત્વવીરો' મોકલવાનું પરમેશ્વરનું કામ હોય, તમારાં અજ્ઞાાનનાં ગૂમડાંને પંપાળીને મોટું કરવાનું ઈશ્વરનું કામ હોય એમ સમજતા હો તો બહુ મોટી ભૂલ છે. ઇશ્વર બહુ હોંશિયાર વૈદ્ય છે એણે અવારનવાર કાપ-કૂપ નિષ્ણાત સર્જન પણ મોકલવા પડે છે. એ કાપકૂપથી ડર લાગતો હોય તો એ તમારી મર્યાદા છે.