- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- કેટલાંક કર્મ દેખીતી રીતે બહુ સમાન જણાય, પણ હકીકતમાં આસમાન જમીનનો તફાવત હોય
ત મે કોઈ પણ વ્યવસાયમાં હો. કોઈપણ પ્રકારની નોકરી કરતા હો અથવા અમુકતમુક આયોજન લઈને બેઠા હો, અથવા સર્જનાત્મક કે ચિન્તનાત્મક લેખનનું કામ કરતા હો, અથવા ચિત્રો દોરતા હો. જરા ભૂતકાળ યાદ કરો,
અથવા કદાચ, કમનસીબે અત્યારે, આ પળે પણ તમે એક ખાસ ખૂની પરિસ્થિતિમાંથી પસાર થતા હો.
એ પરિસ્થિતિ છે. તમારા વિષયમાં માથું કે પગનું ભાન ન ધરાવનાર વ્યક્તિ જ્યારે તમારાં કામમાં માથું મારવાની અનધિકાર ચેષ્ટા કરે !
(કદાચ તમે પોતે સંયોગોએ સર્જેલી વ્યૂહાત્મક પરિસ્થિતિમાં કોઈ પર આવો જુલમ કરતા હો : જરા ઘરને ખૂણે એકાંતમાં જાતને ટટોળી તો જોજો.)
તે સંઘર્ષ કરતાં કરતાં તમારાં ક્ષેત્રમાં ઊંચા અધિકારના હોદે આવ્યા હો તો અવારનવાર તમારી કારકિર્દીના ભૂતકાલીન પાનાં ઉથલાવી જજો. તે કશુંક આગવું મૌલિક કામ કરતાં અને માત્ર અધિકારનો શોખ પૂરો કરવા કોઈક વધુ તાકાતવાન વ્યક્તિ તમારાં ચિત્ર પર આડી-ટેઢી લીટીઓ કે રંગના ટપકાં મૂકી દેતી... પછી એ ક્ષેત્ર ચિત્રનું હોય કે અન્ય કોઈ ! અને પેલી ગુજરાતી કહેવત છે. ગરજે ગંર્દભને પણ પિતાશ્રી સંબોધન કરવું પડે, ને તમે ચુપચાપ એ વાનરવેડા, એ બેશરમ છેડછાડ સહી લેતા.
અલબત્ત, પછી તો કાળમીંઢ દીવાલને પણ ભેદવાની લાક્ષણિકતાથી તમે એ ''સંજોગો''ને પાર કરી ગયા.
હવે કમસેકમ તમે આટલું તો જરૂર કરી શકો : તમે લાયકાત વિહોણાના હાથમાં કાનસ નહીં સોંપતા. એ લોકો પોતાની વિકૃતિ સંતોષવા ફૂલની કાપકૂપ કાનસથી જ કરશે.
કેટલાંક કર્મ દેખીતી રીતે બહુ સમાન જણાય, પણ હકીકતમાં આસમાન જમીનનો તફાવત હોય. ઉમાશંકર જોષીનાં કાવ્યની પંક્તિઓ અને જોડકણાં વચ્ચેના જબરદસ્ત તફાવત જેવી આ વાત છે. બન્નેમાં પનારો પાડવાનો અક્ષરો સાથે, ને છતાં એકની ઓળખાણ- ''કાવ્ય'' તરીકે થાય તો બીજીની ઓળખાણ જોડકણાં તરીકે ! પરંતુ અનેક જણા આ તફાવત નથી જ સમજતા હોતા !
પ્રાચીન કળાવારસાનો મહિમા ધરાવતી સુંદર ઈમારતમાં કશાક સુધારા-વધારા, પ્લાસ્ટર કરવાં હોય ત્યારે સ્થાપત્યકળાના પ્રેમી જાણતલ લોકો સમજતા હોય છે કે આ કામ અમુક દરજ્જાના નિષ્ણાત શિલ્પીને જ સોંપાય. કળી-ચૂનો લગાડતાં કે ઈંટ તોડતાં આવડે તેને કાંઈ કળાખચિત ઈમારત સોંપી દેવાય ખરી ?
શિક્ષણક્ષેત્રમાં ''ઓટોનોમી'', સ્વાતંત્ર્યનો મહિમા આજે સર્વત્ર સ્વીકારાયો છે, કારણ કે શિક્ષણને તમે મજૂર માફક જુઓ, તો એનો ''માંહ્યલો'' મરી જાય.
તમારે કોઈ પણ કળાકાર, સર્જક, ચિંતક, લેખક સાથે કામ લેવું ? તો ફિલ્મી વાર્તાકાર પાસે ફરમાઇશ પ્રમાણે કામ કઢાવાય એવી વર્તણૂક અહીં નહીં ચાલે. એણે દોરેલાં ઝાડમાંથી તમે એકાદ ડાળી ભૂંસી નાખશો કે એ ડાળી લાંબી ટૂંકી કરશો તો એનાં આખાં ચિત્રના પ્રાણ મરી જશે.
ખાખરાની ખિસકોલીને સાકરની ગુણવત્તા નક્કી કરવાનો અધિકાર મળે ત્યાં પછી ઉત્તમ કક્ષાની સાકર બિચારી કોને ફરિયાદ કરે ?


