અપચાનો ઉપચાર મીઠાઈ ના હોય લાંઘણ જ હોય
અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા
વાહ ! કેમ જાણે સાંભળનારા ચાર-પાંચ વર્ષની વયનાં મુગ્ધ બાળકો હોય ! પેટમાં વર્ષો જૂની ગંદકી જમા થઇ હોય તેના પ્રત્યે સંકેત કરવો એ હકારાત્મકતા કે નકારાત્મકતા ?
ભ્ર ષ્ટાચાર, દંભ, કથા-વાર્તાનાં માધ્યમથી યુક્તિપૂર્વક 'વ્યક્તિ-પૂજાનું ઝેર ફેલાવી, લોકોની સ્વતંત્ર વિચારશક્તિ ઝૂંટવવાના કાવતરાં (ભાગ્યે જ એકાદ પણ અપવાદ હશે) સિવાય આઝાદીને જો પ્રારંભનું વર્ષ ગણીએ, તો આજે ધર્મ-કથા-નીતિની ઊંચી ઊંચી વાતો એ દંભ અને ભ્રમણા સિવાય શુ ંઆપ્યું છે ?
મુખ્ય કારણ, નાલાયક પ્રજાને ઊંચી ઊંચી વાતોનો થયેલો અપચો, અજીર્ણ છે !
અહીં એક શક્ય દલીલનો નિવેડો લાવી દઇએ તમે પૂછી શકો છો કે ભ્રષ્ટાચાર અને દંભનાં કારણમાં શું ધર્મ-નીતિની વાતો જ એકમાત્ર જવાબદાર કારણ છે ?
નહીં જી. મેલેરિયાના મચ્છરો, પેદા થવામાં ભલે અન્ય અનેક કારણો જવાબદાર હોય, પણ મચ્છરોને છૂપાવા માટે આદર્શ આશ્રયસ્થાનો હોય તો મચ્છરો દશગણી ઝડપથી વધે.
'સિદ્ધાંત' 'પોલિસી'ને નામે સગવડ પ્રમાણે પોતાના પૂર્વગ્રહો પોષવાની સગવડ જેટલી આપણા લોકો પાસે હશે એટલી દુનિયામાં અન્યત્ર નહીં હોય. 'રેસિઝમ', રંગભેદ ને નામે છુરી હુલાવી દેતા, કેટલાક વિદેશીઓ જેટલા જુગુપ્સાજનક લાગ્યા છે તેના કરતાં 'પોલિસી'નાં નામે, 'સિદ્ધાંત'ના નામે અંગત રાગદ્વેષ, ઇર્ષ્યા પોષાતા આપણા કહેવાતા ડાહ્યાડમરા લોકો અબજો ગણા વધારે જુગુપ્સાજનક લાગ્યા છે. કોઇનો હક્ક ઝૂંટવીને શોષણ કરવું હોય તો 'ત્યાગ' 'અનાસક્તિ'નું મહોરૃં પહેરી લો. કોઇને હક્કનું વળતર ન આપવું હોય તો ગીતાની 'કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન'ની ફિલસુફી છૂટથી
વાપરો !
તમે કહેશો, 'પ્રજાને નાલાયક શા માટે કહો છો ?'
ભલા ભાઈ, ધર્મગુરુઓ, સંપ્રદાયો, કથા-સપ્તાહો, અને આવી કોઈ જ સારી નરસી પ્રવૃત્તિઓમાં બે હાથે જ તાળી વાગે. પ્રજાના પૂરા સહકાર વિના મેલેરિયા પાંગરી જ ના શકે. તમને કદાચ ખ્યાલ હશે કે બળાત્કારના કિસ્સામાં જો બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિનો પરોક્ષ સહકાર કે પ્રોત્સાહન સાબિત થાય તો બળાત્કારના આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. તમારાં ઘરની આજુબાજુમાં અફીણનો અડ્ડો ચાલતો હોય તે થોડોક સમય છૂપો રહે, પણ લાંબા સમય પછીપણ વિકસતો રહે, તેને ગ્રાહકો મળતા રહે તો સમજવું કે આજુબાજુની વસ્તીનો આ અડ્ડાને પૂરતો સહકાર છે.
મિઠાઈઓ બહુ આરોગી.
દુનિયામાં વિક્રમ સર્જે એટલી 'સંસ્કૃતિ' અને 'ધર્મ' નિકાસ કર્યા, સાંપ્રદાયિક વાડાબંધી 'એક્ષ્પોર્ટ' કરી.
ખૂબ બધી ત્યાગ, વૈરાગ્યની ઊંચી ઊંચી વાતો થઈ.
ચાલો, હવે જુલાબને આવકારીએ.
હવે તમાચાને, જાગૃતિને આવકારીએ.