- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
કો ઈ પણ મહાપુરુષની મહાન વાણી, ભલે એ જાત-અનુભૂતિ પર આધારિત હોય, પણ એ કાયમી આપ-લે કરી શકો એવો સોનાનો સિક્કો નથી. એમ તો દુનિયામાં કોઈની પણ પોતીકી અનુભૂતિની આપ-લે થઈ ન શકે. અનુભૂતિ 'નોન-ટ્રાન્સફરેબલ' - (જેની આપ-લે ન થઈ શકે) એવી બાબત છે. એટલે મૂળ સત્ય તો એ છે કે અન્યનાં અનુભવેલાં સત્ય પર કોઈ કાયમી ઢાંચો તૈયાર થઈ જ ન શકે, અનુભૂતિ કદી ઉધાર ન લઈ શકાય, એના ઉપદેશ ન હોય, એ કોઈને પહેરાવી ન શકાય.
દાખલા તરીકે : 'સર્વત્ર પરમાત્મા વસેલો છે' એ એક અનુભૂતિ થઈ. એ અનુભૂતિ અમુક માનસિક કક્ષાએ આવે. હવે કોઈ ચાલાક વ્યક્તિ એવો પંથ શરૂ કરે, જેના અનુયાયીઓ એ માત્ર ધર્મનાં પ્રતીકોમાં નહીં પણ બધે જ પરમાત્માનાં દર્શન કરવાં, તો ઝનૂન ખાતર હજારો લોકો એ પંથમાં જોડાઈ જાય અને પેલું 'સર્વત્ર પરમાત્માનાં દર્શન'નો કાયદો ગોખી પણ નાખે, પણ એ કાયદો પોથીમાંનાં રીંગણાં રહે, કારણ કે પરમાત્માનાં દર્શન એ અંગત અનુભૂતિ છે, કોઈના ઉપદેશ, પંથના કાયદાથી એ ન થાય.
છતાં પણ, કોઈ પણ પંથને સમજવો હોય તો એના અનુયાયીઓની પરંપરાઓ, કે એમના વ્યવહારને આધારે નહીં, પણ એ પંથનાં મૂળભૂત દર્શનને સમજવું જોઈએ.
લોકો તો પોતાની વ્યકિતગત નબળાઈઓ, સ્થાપિત હિતો, અંગત લાલસાઓ, ગ્રન્થિઓ- વગેરેને સંતોષવા મૂળભૂત દર્શન સાથે ખૂબ છૂટછાટ લે. જે મહાપુરુષોનાં મૂળભૂત દર્શનમાં પંથ કે નાત-જાતનો જ વિરોધ હતો એમને નામે જ પંથો ઊભા થયા છે, ધરાર ઊભા થયા અને મૂળભૂત દર્શનથી સાવ વિરુદ્ધની કટ્ટરતા એના ઝંડાધારીઓમાં જોવા મળે છે, પણ એ વિકૃતિ માટે લોકો, અનુયાયીઓ જવાબદાર છે, મૂળભૂત દર્શન નહીં.
પિકનિક પર જાવ ત્યારે એક રમત કરી જોજો. પંદર-વીશ જણાની હરોળ ઊભી કરો. સૌથી પહેલો જણ, એના પછીના ક્રમના બીજા જણને કાનમાં 'રામ' કહે. પછી બીજો જે સાંભળે એ જ શબ્દ ત્રીજાને કહે. ત્રીજો જે સાંભળે એ ચોથાને કહે. વીસમા-બાવીસમાં જણ સુધી પહોંચતાં- અચૂક એ મૂળ શબ્દ વિકૃત થઈ ગયો હશે. મૂળ શબ્દ ભલે ખૂબ સ્પષ્ટ અને સરળ હોય, પણ સાંભળનારે દરેકના કાનની તાસીર -અલગ, અને પરિણામે છેવાડે એ શબ્દનું રૂપ બદલાઈ જાય !
આપણા હિન્દુ સમાજમાં તમને જે અન્યાય કે વિકૃતિઓ દેખાય, એને માટે હિન્દુત્ત્વને - જવાબદાર જાહેર કરી દેવામાં આ જ મોટી ભૂલ થતી હોય છે. વાત માત્ર હિન્દુઓની નથી, અન્ય તમામ ધર્મો વિષે અભિપ્રાય ફેંકવા પહેલાં એક વાત ડંકાની ચોટ પર સમજી લો કે કોઈ પણ પંથના પ્રાણ એનું મૂળભૂત દર્શન છે, લોકોનું અર્થઘટન નહીં. એક બાપ ખૂબ ઉમદા હેતુથી એક વ્યવસાય ચાલુ કરે, કોઈ પ્રવૃત્તિ ચાલુ કરે, પછી એના વંશજો એ વડીલની મૂળ વાતથી સાવ જ વિરુદ્ધનું વર્તન કરે તો તમે એ વિકૃતિઓ માટે મૂળ વડીલના ઉમદા હેતુને જવાબદાર ગણો ?
એમાં સરેરાશ નવ્વાણું ટકા લોકોને સંસ્થાબદ્ધ કે ઢાંચાબદ્ધ, સ્થપાયેલા પંથ અને હિમાલયની 'ફલાવર વેલી' જેમ પ્રગટેલા પંથ (હિન્દુત્ત્વ) વચ્ચેના મૂળભૂત તફાવતની ખબર જ નથી. 'ધર્મ'ની આયાતી, ડિકશનેરી વ્યાખ્યામાં હિન્દુ ધર્મને જોવા માગશો તો તો ચોક્કસ બહુ મોટી પાયાની ભૂલ થશે.


