Get The App

એમને સમજવા હૈયાંનો ઉજાસ જોઈએ!

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
એમને સમજવા હૈયાંનો ઉજાસ જોઈએ! 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- તડપ, ઝંખના એ અધ્યાત્મની ભાષા સમજવાની પ્રાથમિક લાયકાત છે

પ્ર ભુ ઇશુની વાણી સમજવામાં જો ભાષાનું જ્ઞાન પૂરતું હોત તો એમને કોઈએ વધસ્થંભે ચઢાવ્યા ના હોત. એમના જીવંત દેહ પર ખીલા ઠોકાયા ના હોત. ગીતા-ઉપનિષદ્ કે પ્રાકૃતમાં ભગવાન મહાવીરની વાણી સમજવા માટે ભાષાનું જ્ઞાન જ જો માધ્યમ હોય તો બધા જ ગોખણિયાઓ, બધા જ પંડિતો-સત્વગુણના, સમતાના, સ્થિતપ્રજ્ઞાતાના ભંડાર હોત ! અમુક વિચારકનું પ્રવચન તદ્દન સરળ તળપદી ભાષામાં હોવા છતાં કેટલાય બુડથલો ફરિયાદ કરતા હોય છે : 'આમની ભાષા અઘરી છે સમજાતું નથી !' અહીં મજેદાર વાત એ છે કે પેલા વિચારકની ભાષા તો ભલે બાળપોથી જેટલી સરળ અને વેધક હોય, તકલીફ સાંભળનારની સમજની કક્ષાની હોય છે. અને 'પોતાની કક્ષા અતિશય ક્ષુલ્લક કે અધમ છે' એવું સમજવું કોને ગમે ? અને વિચારક જેટલો મહાન એટલાં એનાં વિધાનો પ્રતીતિ-આધારિત હોય. આ 'પ્રતીતિ' બાળપોથીની ભાષામાં હોય છતાં જો સાંભળનારે પ્રતીતિનો સ્તર મેળવ્યો ન હોય તો એ ભાષાને ગુનેગાર ગણવાનો !

માણસ જાત ભારે કરામતબાજ છે. 

કોઈ વિચારકની વાત, એના પ્રહાર, એની વેધકતા બરાબર સમજાતી હોય, એ વિચારકે દર્શાવેલા અરીસામાં પોતાની કદરૂપતા ખુલ્લી પડી જતી હોય, છતાં 'વિચારકની વાત સમજાતી નથી' એવું કહેવા પાછળ એક બાલિશ ગણતરી કામ કરી જતી હોય. સીધું સાદું કારણ એ હોય કે 'આ વિચારકે મને જોરદાર ચીંટીયો ભર્યો, મારું બુડથલપણું મારી સમક્ષ ખુલ્લું કરીને મને અપમાનિત કર્યો' એમ સભાનતા ખટકતી હોય. દુખતી નસ કોઈ દબાવે એ કોને ગમે ? કમનસીબે કહો કે સદનસીબે, મુઠી ઊંચેરા વિચારકોને ભાગે કુદરતે માનવજાતની દૂખતી નસ દબાવવાનું લખ્યું હોય છે !

અધ્યાત્મની ભાષા સમજવા માટે શું જરૂરી છે ? ભાષણો ? શિબિરો ? 'પોપ્યુલર' (આ અંગ્રેજી શબ્દનો ખાસ છીછરો સંકેત છે એટલે જ આ મૂળ વિશેષણ) વિવેચકોની ધર્મગ્રન્થો પરની ટીકાઓ ? બૌદ્ધિક હોશિયારી ? આપણામાંના મોટાભાગનાં લોકો યોગ, કોમ્પ્યુટર, ગીતા, ઉપનિષદ્, કર્મગ્રન્થો, આગમો, તરણ વિદ્યા, એરોબિક્સ, આ બધા વિષયોને એક લાકડીએ હાંકીએ છીએ. આપણે મન ટાઈપિંગ અને શોર્ટહેન્ડ શીખવા જે તત્વોની જરૂર પડે એ જ તત્વોથી તમે ગીતા, ઉપનિષદ, આગમો પણ 'સમજી' શકો ! ગધેડાને તાવ આવે એવી વાત હોવા છતાં, સર્વેક્ષણ કરો તો સાડા નવાણું ટકા લોકો આમ જ માનતા હોય છે !

તડપ, ઝંખના એ અધ્યાત્મની ભાષા સમજવાની પ્રાથમિક લાયકાત છે. તમે કદી પાણીમાં ડૂબી રહ્યા હો ત્યારે બચવા માટેની તડપ અનુભવી છે ? એ તડપથી તમે દુનિયાની નાશવંતતા અને ક્ષણિકતાથી છૂટવા ઝંખતા હો ત્યારે જ કોઈપણ અધ્યાત્મ-ગ્રન્થની બારાખડી સમજાવાની શરૂઆત થાય છે. એ તડપ વિના ગીતા-ઉપનિષદ્ કે આગમો તમારા માટે ગ્રીક-લેટિન જ રહેવાનાં !