શહામૃગને અળસિયાં, કોઇથી પ્રભાવિત ન થાય
અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા
કોઇની વિશેષતાનો, કોઇના સવાયાપણાંનો સ્વીકાર કરવાથી તમારી રેખા નાની થઇ જતી નથી
'આ પણે બંદા કોઇથી પ્રભાવિત ન થઇએ' આવી ફીશીયારી મારતા બેવકૂફો તમને ભેટયા છે ખરા ? આવું બોલનારા યા તો બિચારા ખરેખર ઘૂવડની જેમ અંધ હોઈ શકે : કહે છે કે ઘૂવડને દિવસે દેખાય નહીં. યા તો અળસિયાં જેમ પ્રકાશ-વિરોધી, પ્રતિભા-વિરોધી હોઈ શકે. આ બન્ને પરિસ્થિતિ દયનીય છે. કમનશીબ છે. આવા લોકો બિચારા ઘૂવડ કે અળસિયાં માફક પોતાનાથી વિશેષ તેજસ્વીને જોઈ જ ન શકે.
પરંતુ એક ત્રીજો વર્ગ શહામૃગનો વર્ગ છે. આ વર્ગની વ્યક્તિને મૂઠી ઊંચેરાં વ્યક્તિત્વની બરાબર જાણ હોય, પણ જેમ શહામૃગ પક્ષી રેતીનાં તોફાન વખતે મોટું છૂપાવી દે એમ આ લોકો રખે પેલી તેજસ્વી વ્યક્તિનો સીધો સામનો કરવો પડશે એ ડરે. આંખ આડા કાન કરે, ઉપેક્ષા કરે, પોતાની આંખો જ બંધ રાખે !
કુદરતની એક કમાલ છે. સમગ્ર માનવ ઇતિહાસ જોઇ જાવ. કોઇ જ એવો કાળખંડ નહીં મળે જ્યારે તમને મૂઠી ઊંચેરી પ્રતિભાઓ દેખાય નહીં. ઈશ્વર માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં સતત અને સમયે સમયે અસાધારણ પ્રતિભાઓ મોકલતો રહે છે, જેથી એ પ્રતિભાઓ દીવાદાંડીઓ બને, સમગ્ર કાળ-પ્રવાહને નવો વળાંક આપે, લોકોની રુચિને, લોકોના માપદંડોને ઊંચા લઇ જાય. અલબત્ત ક્યારેય આવી વ્યક્તિઓ જાદુઈ લાકડી ફેરવતી નથી પણ જેમ લોહચુંબકને ધાતુના ટુકડા ભેટી જાય એમ કેટલીક સદભાગી વ્યક્તિઓની ઉન્નતિમાં એ મૂઠી ઊંચેરા નિમિત્ત બની જાય છે. સ્વામી વિવેકાન્દે કહલું કે 'હું અમુક વ્યક્તિઓને માટે આ પૃથ્વી પર ફરી ફરી આવતો રહીશ' આ વિધાનનો બહુ ઊંડો અર્થ આ સંદર્ભમાં સમજવા જેવો છે.
'હું કોઇથી પ્રભાવિત નહીં થાઉં' એમ કહેવું બેવકૂફી છે કારણ કે માણસ અન્યના પ્રેમમાં પડવા કે પ્રભાવિત થવા માટે ઉઘાડબંધ થાય એવું યાંત્રિક બટન ધરાવતો નથી. દરિયાકિનારે સૂર્યાસ્ત જુઓ ત્યારે મુગ્ધ થવું કે ના થવું એવા પૂર્વ-નિર્ણયો લઇ શકો ખરા ? કોઈ વક્તા, લેખક, ચિત્રકાર, સંગીતકાર કે કોઈ સૌંદર્યવાન સ્ત્રી-પુરુષને જુઓ, એમની વિશેષતા તમને પ્રભાવિત ન કરે તો અર્થ થાય તમારાં દુર્ભાગ્ય, તમારી કમનશીબી અને તમને ખબર હોય કે તમે આ મૂઠી ઊંચેરાના પ્રભાવમાં આવશો એટલે તમે ઉપેક્ષા કરો, તો શહામૃગ માફક તમે અનેકઘણા વધુ કમનશીબ કારણ કે તમે છતી સમજે જાતને છેતરો છો.
કોઇની વિશેષતાનો, કોઇના સવાયાપણાંનો સ્વીકાર કરવાથી તમારી રેખા નાની થઇ જતી નથી. ઇશ્વરે દરેકે દરેક જીવન માટે સિધ્ધિનાં શિખરો અનામત રાખેલાં છે. તમે સૂર્ય સામે ધૂળ ઉડાડો કે તમારાં ઘરના દરવાજા, બારીબારણાં બંધ કરી દો, તેથી કાંઈ સૂર્યનો પ્રકાશ જોખમમાં મૂકાતો નથી. કોઈ કદર કરવા લાયક વ્યક્તિએ પોતાનું ચિત્ર-પ્રદર્શન ગોઠવ્યું હોય તેમાં તમે હાજરી ન આપો, ત્યારે તમે જો માત્ર શહામૃગ માફક ઇર્ષ્યાવૃત્તિ પોષી હોય તો યાદ રાખો, કુદરત તમારા પર ખડખડાટ હસતી હશે કારણ કે તમારા સિવાય અનેક જણા પેલાં પ્રદર્શનમાં જતા હશે !
તમારે મોતી જોઇતાં હોય તો રાજહંસવૃત્તિ જોઇએ. તમારે કૂવામાંના દેડકા જ રહેવું હોય તો 'બંદા કોઈને સવા શેર નથી માનતા' એવી અંધ-વૃત્તિ ચાલશે. અને પેલી સુપ્રસિધ્ધ અંગ્રેજી વાર્તાનાં સીગલપક્ષીની માફક જો તમારામાં ઉદારતાનો વિકાસ થશે, તમે મન નાનું કર્યા વગર સૌંદર્ય અને પ્રતિભાને વંદન કરવા દ્રષ્ટિ વિશાળ બનાવશો, પ્રભાવિત થવામાં ડર નહીં રાખો, તો તમે ખૂબ ઊંચે ઊડી શકશો.