- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- પંથોના કેન્દ્રમાં માણસનું મિથ્યાભિમાન, પોતે માનેલ વાતનું મતીલાપણું જ હોય છે
આપણે ત્યાં (એટલે કે, ભારતમાં) આઝાદી મળી, ત્યારે જુદા જુદા માહૌલ અને લાક્ષણિકતાઓ ધરાવતાં રાજ્યોનો સંઘ રચાયો. કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારોની રચના થઈ. કેન્દ્ર સરકારના હસ્તક અધિકારોમાં અમુક વિષયો મુકાયા : દાખલા તરીકે સંરક્ષણ, નાણું, વિદેશ સંબંધો વગેરે. પરંતુ અમુક વિષયો રાજ્ય સરકારોના હસ્તક મુકાયા. આ વિષયોમાં હેરાફેરી થાય કે રાજ્ય સરકાર પર કેન્દ્રના અધિકારના અમુક વિષયની જવાબદારી નખાય તો કેન્દ્ર નબળું પડે. કેન્દ્ર નબળું પડે એટલે સંઘની વ્યવસ્થાના હેતુ માર્યા જાય, દેશ આખો નબળો પડે.
માણસનાં વ્યક્તિત્વનું પણ સંઘ-સરકાર જેવું છે. જીવનના અમુક વિષયોને હૃદય સાથે, ભાવ સાથે, બુનિયાદી ચિત્ત-ગંગોત્રીના અદ્રશ્ય સ્રોત સાથે સંબંધ હોય. ભક્તિ, પ્રેમ, સંયમ, અહિંસા બુનિયાદી રીતે હૃદય, ચિત્ત-ગંગોત્રીના વિષયો છે. આ હૈયાંની કેન્દ્ર સરકારના વિષયો છે. હૈયાં પાસે રંગનું એવું સમીકરણ એવો નુસખો અને એવું કેન્દ્રીય તંત્ર છે, જેથી હૈયાંમાંથી નિપજેલો રંગ માણસની બુદ્ધિ, ગણતરી બધું જ રંગી દે !
એક સર્જકની પંક્તિઓ યાદ આવે છે :
'સાંઈ તને જો રંગની લગીરેય ખબર હોત, તું પણ વણે છે વસ્ત્ર, ને તું પણ કબીર હોત !'
કબીર અને તેના સમકાલીન અગણિત પ્રાણીઓ વચ્ચે શો તફાવત હતો ? કબીરે જે સર્જન કર્યું તેમાં હૈયાંની કેન્દ્ર સરકારનો વિરલ, અદ્ભુત 'મેજીક' રંગ ઉમેરાયો હતો. મજીઠનો રંગ જે વસ્ત્રને ચઢે એ વસ્ત્ર ફાટે પણ રંગ ફીટે નહીં. કમાલની વિડમ્બલના, માણસજાતના વાનરવેડા જુઓ કે આવા કબીરનાં નામે 'પંથ' ઊભો થયો. જે સ્રોતમાંથી જે બુનિયાદમાંથી કબીરને રંગનો અખંડ પૂરવઠો મળી રહ્યો હતો, એ રંગ-પ્રાપ્તિની પ્રક્રિયાના નુસખા ન હોય, એના વિધિ ન હોય, એના નિયમો ન હોય, એનાં અનુકરણ કે વફાદાર ન હોય, ને તેથી એના પંથ, સંપ્રદાય કે વફાદાર ટોળાં ન હોય. કબીરનાં 'કબીરપણાં'નું મૂળ એનાં પોતાનાં હૃદય-સામ્રાજ્યમાં હતું.
માણસજાતે હૃદય-કેન્દ્ર અને દિમાગ-કેન્દ્રના વિષયોની ભેળસેળ કરીને, માણસજાતની વિરાટ બેવકૂફીના પુરાતન પુરાવારૂપે સંપ્રદાયો અને કટ્ટરપંથો રચ્યા. કોઈ મૂર્ખતા વિરાટ હોય, એ મૂર્ખતાની માળા કે પટ્ટી મોટી સંખ્યાના લોકો પહેરતા હોય, એ મૂર્ખતા હજારો વર્ષોથી ચાલતી આવતી હોય એટલે એ મૂર્ખતા ડહાપણ સિદ્ધ થતી નથી. કબીર કે મહાવીર કે બુદ્ધ કે કૃષ્ણ કે રામને નામે પંથ હોય ? આપણે સમજવું જોઈએ કે આ પંથો ના કેન્દ્રમાં કબીર, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ કે રામ નથી જ હોતા, એ પંથોના કેન્દ્રમાં માણસનું મિથ્યાભિમાન, પોતે માનેલ વાતનું મતીલાપણું જ હોય છે.
ભક્તિ-પ્રેમ-અહિંસા હૃદય-યાદીના વિષયો છે. 'કેન્દ્ર-યાદી'ના વિષયો છે. આપણું ચાલે તો 'મીરાંબાઈ'ના નામનું નવું તૂત ઊભું કરી નાખીએ. ન ભૂલતો હોઉં તો મીરાંબાઈનાં નામે હજુ કોઈ પંથ ઊભો થયો નથી. કોઈ જ કહેવાતા ધર્મ, સંપ્રદાયોનાં નામ આપ્યા વિના આ લેખ દ્વારા એક પ્રશ્ન સીધો મનોમંથન માટે મૂકવામાં આવે છે : વિચાર્યા પછી હેરાન થઈ જવાય તો આ લેખ લખ્યો સાર્થક ગણીશ : પ્રેમ, અહિંસા, સંયમ ને કાયદા, હુકમ, વિધિમાં બાંધ્યા પછી એ પ્રવૃત્તિના સતત ઢોલ વગાડનારા સંપ્રદાયોએ શું વધાર્યું ? કટ્ટરતા કે કોમળતા ? સુગંધ કે દુર્ગંધ ? દંભ કે સચ્ચાઈ ?


