- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
સ માજનાં કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિમાં આપણે અમુક ''માપદંડ''ને મૂંગી કે સક્રિય સહમતિ આપી હોય છે. રમત અધવચ્ચે પહોંચે, બહુ થોડાને ભલે સમજાય કે રમત માટેના માપદંડ કે રમતના નિયમો જ અન્યાયકારી હતા, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આપણે કોને ફરિયાદ કરવા જઈએ ? કારણકે મોટે ભાગે આપણે પોતાની ટૂંકી દ્રષ્ટિ કે સ્વાર્થી દ્રષ્ટિને કારણે, રમતના નિયમોમાં સ્વીકૃતિ આપીને ભાગીદારી નોંધાવી હોય છે. આગળથી કાંડા કાપી આપનાર માટે પછી ફરિયાદનો ક્યાં અવકાશ રહે ? નાક કપાવવાથી ભગવાન મળે છે એવું માનનારાની જમાતમાં જોડાઈ ગયા પછી નાક તો કપાવવું પડે, ને પછી દુનિયા સામે મૂર્ખ સાબીત થવાના ભયે પોતાની સમજશક્તિનાં દેવાળાંની કબૂલાત પણ ન કરી શકાય!
આજે બિનગુજરાતીઓમાં ગુજરાતી જાત વિષે એક સર્વ સામાન્ય છાપ પ્રવર્તી રહી છે : 'ધન'ને જ માપદંડ, રૂપિયાને જ સર્વસ્વ માનનારી પ્રજા અરે ! આ ધન-મંડિત-સંસ્કૃતિ, આ માત્ર બાહ્ય ધનવૈભવને માપદંડ ગણીને કરાતી રમતના અન્ય વિનિયોગની વાત બાજુ પર રાખીએ, એ ભયાનક અનર્થકારી માપદંડથી વ્યાપેલાં ઝેરના રેલા કુટુંબજીવના પગતળે પણ આવી પહોંચે છે. આપણે સંસ્કાર કે વિદ્યાને ક્યારે માપદંડ ગણ્યાં છે ? આપણા અહોભાવ અને સન્માનના ખરેખરા અધિકારી કોણ રહ્યા છે ? આપણે ''શિક્ષકદિન'' ઉજવીએ છીએ, પણ વિદ્યા પ્રદાન કરનાર પ્રત્યે ઊંડો પૂજ્યભાવ ક્યાંય દેખાય છે ખરો ? એવી દલીલ કરવામાં આવે છે કે શિક્ષકો પોતાને ''પૂજ્યભાવને લાયક'' બનાવે તો જ સમાજમાં એમને સાચું સન્માન મળે. પરંતુ આવી વાત કરનારા અર્ધદગ્ધો માનવ ઈતિહાસનું એક સિદ્ધ થયેલું સત્ય ભૂલી જાય છે કે સમાજમાં જેને આવશ્યક, અનિવાર્ય ગણવામાં આવે તેજ વ્યવસાય, સમાજ આખો જેને પૂજનીય ગણે એજ વ્યવસાય ફૂલી ફાલીને વિકસી શકે. કોઈ વિદ્વાનનાં વ્યાખ્યાન માટે સભાગૃહનાં ભાડાંની મોટી રકમ ચૂકવવામાં વાંધો નથી આવતો. આમંત્રણ-પત્રો, જાહેરાત કે અન્ય ખર્ચમાં વાંધો નથી આવતો. કહેવાતા ત્યાગની અપેક્ષા માત્ર પેલા વિદ્વાન પાસેથી રખાય છે. આખા કાર્યક્રમના કેન્દ્રમાં પેલો વિદ્વાન હોવા છતાં આપણે ફરજ ચૂકીએ છીએ એની આપણને શરમ નથી. આપણી રમતમાં મુખ્ય કાનૂન શો રાખ્યો છે ?
અલબત્ત, એવો જમાનો હતો જ્યારે વિદ્યાદાન કે સંસ્કાર-દાન માટે શિક્ષકો કે સંસ્કારસ્વામીઓ રૂપિયાની અપેક્ષા જ ન રાખતા, પણ મુદ્દાની એક વાત કેમ ભૂલી જાવ છો કે સમાજ જાતે એવું તન્દુરસ્ત વાતાવરણ જાળવતો કે સંસ્કારસ્વામી કે શિક્ષકે હાથ લાંબો કરવાનું તો બાજુમાં રહ્યું, આર્થિક અપેક્ષા રાખવાની સ્વપ્ને પણ જરૂર નહોતી પડતી. સમાજ એનું પરમપવિત્ર કર્તવ્ય ચૂકે ત્યારે પછી બંને પક્ષે ઝેરી, ચેપી દંભનાં બીજ રોપાય છે.
લગ્ન-સંબંધો એ કૌટુમ્બિક શાંતિનો પાયો છે. આપણે એ સંબંધોમાં રમતના ક્યા નિયમને માન્યતા આપી છે ? હૈયાં પર હાથ મૂકી, સાચ્ચે સાચ્ચો જવાબ આપો, આપણામાંના મોટાભાગના કોને સલામ કરીએ છીએ ? શક્ય હોય તો કેવો મૂરતિયો આપણને જોઈએ છે ? મૂરતિયામાં શું શોધીએ છીએ ? ફિલ્મી આકર્ષણ, માબાપ-ભાઈ-ભાંડરૂની જવાબદારી છે કે નહીં ?, બેન્ક બેલેન્સ, કુટુંબનો બાહ્ય ચળકાટ વગેરે આપણા છૂપા માપદંડ છે કે સંસ્કારો, સ્વાવલંબન અને સંવેદનક્ષમતા આપણા માપદંડ છે ?
આપણું હૈયું કોને માપદંડ માનતું રહ્યું છે એ નક્કર સત્યની કડક અને સાચી જાત તપાસ કરીએ તો કમસેકમ એટલું ચોક્કસ સમજાઈ જશે કે ''હાથનાં કર્યાં હૈયે વાગે છે.''


