Get The App

પાંખો ઉગાડવાનાં કારખાનાં હોય?

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
પાંખો ઉગાડવાનાં કારખાનાં હોય? 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

''જિન થઇને જિનવર આરાધે,

તે સહી જિનવર હોવે રે

ભ્રમર ઇલિકાને ચટકાવે

તે ભૃંગી જગ જોવે રે''

ભ મરાના દરમાં રહેતી ઇયળને ભમરાના સતત સંયોગથી પાંખો આવે છે. આ જાણીતી પંક્તિઓ વાંચનારે થોડીક ચિત્ત-મંથનની તકલીફ લઇને એક નક્કર વાત સમજી લેવી જોઇએ કે કોઈ પણ ઇયળને ભમરીનાં સાન્નિધ્યમાં મૂકી દેવા માત્રથી પાંખો નથી આવતી. એ તો ભમરીની ઇયળ હોય, એનાં વ્યક્તિત્વમાં પાંખો છૂપાયેલી હોય તો જ એને ભમરીનું સાન્નિધ્ય ફલે. માત્ર આટલું સત્ય સમજાઈ જાય તો આધ્યાત્મિકતાને કારખાનાં માફક સામટાં ઉત્પાદનની જણસ સમજનાર જણની આંખો ખુલી જાય.

તાજેતરમાં ઋષિકેશની શિબિરમાં એક કઠોર વિધાન કરેલું : 'આધ્યાત્મિકતા અને સાંપ્રદાયિકતાની આડશમાં વફાદારો ગુલામોનું સૈન્ય ઊભું કરનારાઓ હકીકતમાં બહુ મોટી ગુનાહિત લૂંટ આચરે છે, અને તે સ્વતંત્રવિચારશક્તિ લૂંટી લેવાની લૂંટ છે. આ લૂંટ ધનસંપત્તિની લૂંટ કરતાં અનેકગણી ખતરનાક લૂંટ છે.' પણ આ અભિપ્રાય સાથે તરત જે બીજું નિરીક્ષણ નોંધ્યું તે આ પ્રમાણે છે : 'આ લૂંટમાં સગવડ એ છે કે શિકારોને લૂંટાવું ગમે છે. રાની પશુને ગળે લેબલ લગાડીને પાળત બનાવવામાં તકલીફ પડે, પણ માનવ-પશુને ગળે પટ્ટો પહેરાવવો અતિશય સરળ છે. જાગૃત અને તેજસ્વી વ્યક્તિ કદી પણ ગળે પટ્ટો નહીં પહેરે.'

આમ ગળે કોઇક પટ્ટો પહેરી ચુકેલાં કોઈ બહેનને આવું નિરીક્ષણ સાંભળીને બેચેની થઈ. જો દલીલો કરે તો પણ છેવટે તો 'ડાહ્યો કાગડો બે પગે બંધાય' ! એમણે પોતાના ગળામાંના પટ્ટાને ન્યાયી ઠરાવવાનાં 'ફાંફાં મારતાં કહ્યું' પણ અમે જેમનો પટ્ટો પહેરીએ છીએ એ ફલાણાશ્રી કેટલી સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરે છે. તાજેતરમાં તેમની શિબિરમાં આટલા હજાર છોકરાંવે ટી.વી. ન જોવાની પ્રતિજ્ઞા લીધી. તેમની શિબિરમાંથી આવ્યા પછી હવે સવારે મા-બાપને પગે લાગે છે, બીડી પીતા નથી, છોકરી સામે આંખ ઊંચી કરીને જોતા નથી. ફલાણો મંત્ર રોજ સવારે દશ વાર બોલ્યા વિના બહાર નીકળતા નથી.' વગેરે વગેરે વગેરે. આ બહેન પાતની પટ્ટા પ્રવૃત્તિ સાથે સંકળાયેલી એક બહુ મહત્વની શરત સગવડતાપૂર્વક ઢાંકી રાખતાં હતાં એ શરત આમ હતી : 'એ ફલાણાશ્રીની વિચારકની શિબિરમાં ખુલ્લાં મનથી જવા વિરુદ્ધનો વણલખ્યો કાનૂન છે' તમે શું સમજો છો ? ઉમદા અને સ્વતંત્ર વિાચરો આવતા અટકાવવાનો એ કાનૂન શું પેલાં બહેનને ખટકતો હશે ? નારે ના, આ ગુલામી અને બંધિયારતા જ તો એ બહેનને બાંધી રાખતું અફીણ છે, અને આ બહેન માત્ર નહીં, આ લેખ વાંચનારામાંથી બહુ બધા પટ્ટીધારીઓ અંદરખાનેથી આવી જ બંધિયાર ગુલામી ઝંખતા હોય છે. જેમને પાંખો, સ્વતંત્ર વિચાર અને વિશાળ ઉડ્ડયન સામે વિરોધ હોય, એ ઇયળને પાંખો પ્રગટે જ કેમ ?

અને એ બહેન જેને 'સારી આદતો' કહેતાં હતાં, એ સારી આદતો ત્રાજવાનાં એક પલ્લે મૂકો અને બીજે પલ્લે સંપૂર્ણપણે બિન આધ્યાત્મિક, પાપી અને અસભ્ય એવું વ્યક્તિ કેન્દ્રી ઝનૂન મૂકો જે ઝનૂનને પરિણામે છેવટે તમારાં બાળકની સ્વતંત્ર વિચારશક્તિની પાંખો કપાઈ જાય, જેને પરિણામે એ અન્ય વિચારકો, અન્ય સંપ્રદાયો, અન્ય શિબિરોથી અસ્પૃશ્યતા નફરત કેળવવા લાગે, તો આ નુકશાનની ભયંકરતાનો તમને ખ્યાલ આવે છે ખરો ?