આચારસંહિતાથી વ્યક્તિ સાધુ બની શકે? .
- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
સા ધુ સંસ્થા સાથે જાતીય વિકૃતિ, બળાત્કાર, ખૂન જેવી ઘટનાઓ જોડાયેલી જોઈએ ત્યારે તીવ્ર આઘાત લાગે, પણ જાગૃત વ્યક્તિને પલકમાત્રમાં બીજો પ્રશ્ન થાય: સાંપ્રદાયિક વળગણ, ઈષ્ટપુરુષોની આડમાં સત્તા, ધન અને દુન્યવી સલામતી માટે સ્થાપિત હિતો ઊભાં કરવાં, વફાદાર ગુલામો ઊભા કરવા માર્કેટિંગની માયાજાળો રચવી. શું આ બધાં પાપો ઓછાં ખતરનાક છે ? ફરક એટલો છે કે આ પાપોના દેખીતા પુરાવા નથી હોતા. આ પાપોને ચાતુર્યપૂર્વક બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, શ્રીમદ્ રાજચન્દ્ર, કે અન્ય નામોના અંચળા પહેરાવી શકાય છે.
માણસજાતનાં રૂપાન્તરની બાબતમાં હમેશાં ઊંટવૈદું થયું છે. આપણને કોઢ થયો હોય ત્યારે કોઢ વાળી ચામડી પર કોઈ રાસાયણિક રંગ લગાડી દો તો દેખાવ બદલે પણ કોઢ નાબુદ થાય ખરો ? વરસાદી મોસમમાં તમારાં મકાનમાં, તમારાં દિવાનખાનાંની દિવાલો, રસોડામાં પાણીનો 'લીકેજ' હોય, પાણી ઝરતું હોય, ત્યારે દિવાલો પર ચકચકતા રંગના લપેડા કરવાથી એ લીકેજ અટકે ખરો ? તમારાં પાંચ બાળકો હોય, દરેકની તાસીર જૂદી હોય. તમે એ પાંચેય બાળકોને સુખી કરવા, સફળ કરવા કોઈ સમાન નુસખો, કોઈ સમાન 'ફોર્મ્યુલા' આપી શકો ખરા ?
દુન્યવી રાગદ્વેષ, વાસનાઓ અને સતત તૃષ્ણા, અતૃપ્તિનો ''લીકેજ'' જીવન પ્રત્યે તીવ્ર વળગણનો અભિગમ નાશવંત અને ક્ષણભંગુરને કાયમી માનવાનું નર્યું ગાંડપણ - આ બધી બાબતો 'અંદર'ની બાબતો છે. તમારી ચરબી વધે ને એ ઘટાડવા તમે ઉરૂલીકાંચન જઈ આવો એમ જ, બરાબર એમ જ ઈગતપુરી, પાલીતાણા કે હરદ્વાર જઈને ''અંદર''ની ચરબી, વૃત્તિની ગંદકી દૂર કરી શકાય એવું માનવાનું બધાને ભારે ગમે છે, ને એમ માનવામાં મદદ કરનારાની પેઢીઓ ધમધોકાર ચાલે છે.
થોડાં વર્ષો પહેલાં અમુક સાધુ સંસ્થામાં વિજાતીય લફરાં બાબત મોટો બખંડો થયેલો, ત્યારે પોતાને સર્વજ્ઞાની માનતા એક પત્રકાર બંધુએ આ બખેડાને અટકાવવા સાધુઓ માટે ''આચાર-સંહિતા''નું સૂચન કરેલું. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. માપી શકાય, રેકોર્ડ રાખી શકાય, ડિગ્રી સર્ટિફિકેટો જેમ સાચવી શકાય એવા કહેવાતા ''આચારો''થી તમે વ્યક્તિને 'સાધુ' બનાવી શકો ? અથવા, એના વૈરાગ્યનું સંવર્ધન કરી શકો ? એવો એકાદ આચાર તો બતાવો જેથી 'ગેરન્ટીપૂર્વક' વ્યક્તિ વિજાતીય ઝંખનાને ખતમ કરી શકે ! તમે એને વિજાતીય વ્યક્તિ સામે નજર નાખતો બંધ કરી શકો, એને એકાન્તમાં મળતો બંધ કરી શકો, પણ એનાં સ્વપ્ન, એની આદિમવૃત્તિને ખતમ કરવાનો ક્યો 'આચાર' તમે સૂચવશો ?
સાધુત્વ, સજ્જનતા, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, સંયમ આ બધી વૃત્તિઓ બહારથી થોપી નથી શકાતી.
સાધુઓમાં એદીપણું, અન્ય અનેક દોષો જોઈને આદિશંકરથી માંડીને વિવેકાનંદ સુધીનાને તીવ્ર વ્યથા થતી, પણ એ લોકોએ જે ઉપાય સૂચવ્યો એ કાળની પરીક્ષાએ નિષ્ફળ સાબિત થયો છે. તમે સિંહને કૂતરા માફક પાળતૂ બનાવો, ત્યારે તમારૃં મનગમતું બને પણ સિંહ એનું સિંહત્વ ગુમાવી બેસે. સાધુઓનું સંસ્થાકરણ ન હોય તો એના ગેરલાભો ઘણા હશે, પણ સંસ્થાકરણ થતાં ''યાંત્રિકીકરણ'' થાય, એ એક જ ગેરલાભ એટલો મોટો છે, જે મૂળ સાધુત્વ, મૂળ સ્વાતંત્ર્ય, મૂળ ખુદ્દારી, મૂળ ફકીરીને મારી નાખે છે. ચિત્રકાર, કવિ, ગાયક જેમ 'ફોર્મ્યુલા' કે 'સંસ્થા'ની નિપજ ન હોઈ શકે એમ સાધુ કે સંત પણ 'ફોર્મ્યુલા' કે 'સંસ્થા' કે સંપ્રદાયના મોહતાજ ન હોઈ શકે.