- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- જ્યારે શરીર પીવાનું પાણી માગતું હોય ત્યારે બ્રહ્મજ્ઞાનના ઉપદેશથી કામ ન ચાલે.
ઇ ન્દ્રિયોનાં ક્ષણિક સુખો, સેક્સ, પ્રેમનું રૂપાળું નામ ઓઢતી નિર્બળતાઓનો છેદ ઉડાડી ન શકાય. ભલે એ બધું અતિક્ષણિક, નાશવંત હોય, છતાં એ 'છે' અને એનાં અસ્તિત્ત્વનાં નકારનો દંભ આચરવો ન જોઇએ. એ સુખો ભલે કાયમી ન હોય, ભલે પરિણામે 'વિષ' જેવાં હોય, છતાં એના મેઘધનુષી રંગો પ્રત્યે આંખ આડા કાન ન થઇ શકે.
જીવન છે ત્યાં સુધી ઇન્દ્રિયો છે. પ્રગટ અથવા ગુપ્તવાસનાઓ છે. એ વાસનાઓ વખાણો કે વખોડો તે માત્ર હવાઈ, અપ્રસ્તુત તરંગો જ છે. હા, કોઈક રમણ મહર્ષિ, કોઈક રામકૃષ્ણ પરમહંસ, કોઇક મીરાં, કોઈક નરસૈંયો, કોઈક બુદ્ધે, કોઈક મહાવીર એ વાસનાઓથી પર રહી શક્યા હશે, પણ એ કક્ષાએ પહોંચવું તો આંતરિક ઉન્નતિની સંકુલ પ્રક્રિયાનું પરિણામ હોય. કારખાનામાંથી નીકળતી મોટરગાડીઓની લંગારની માફક આવાં લોકોત્તર નર-નારીઓ પેદા ન થાય.
બહુમતી જીવોએ તો ક્ષણિક સુખોના મેઘધનુષી પ્રભાવની અદબ સ્વીકાર્યે જ છૂટકો.
આપણા પ્રાચીન વિચારકોએ જીન્દગીના ક્ષણિક રંગોની ઉપેક્ષા નહોતી કરી જાતીય આકર્ષણ પ્રત્યે દાંભિક બનીને આંખ આડા કાન નહોતા કર્યા. શરીરનાં ભૂખતરસનાં અસ્તિત્વનો ભારપૂર્વક સ્વીકાર કર્યો હતો. દેહની નાશવંતતા અને બ્રહ્મસાક્ષાત્કારનાં ખરાં ધ્યેયની વાતો કરનારા ઉપનિષદકારોએ અન્નનું સ્થાન બ્રહ્મસમાન માન્યું છે. (અન્નં બ્રહ્મઇતિ વિજાનીયાત). એ લોકો જાણતા હતા કે સ્વપ્નને પણ પોતાની આગવી વાસ્તવિક્તા હોય છે. જ્યારે શરીર પીવાનું પાણી માગતું હોય ત્યારે બ્રહ્મજ્ઞાનના ઉપદેશથી કામ ન ચાલે.
એક ભાઈ જીન્દગીના સંઘર્ષથી છૂટવા માટે સાધુ બન્યા. ચિત્તમાં વાસનાઓ અકબંધ હતી, પણ પહેરવેશ સાધુનો હતો એટલે પોતે વાસનાઓ, ઇચ્છાઓથી પર છે એવો દેખાવ જાળવી રાખવો પડે. આમ તો દબાયેલી વાસનાઓનું માપ કાઢનારૃં યંત્ર હજૂ સુધી શોધાયું નથી.
મહારાજે પોતાના ચેલાઓ દ્વારા પ્રચાર કરાવેલો કે પોતે ગમે તેટલી ઠંડીમાં પણ ઠંડાં પાણીથી સ્નાન કર્યા વિના કોળિયો મોઢાંમાં નાખતા નથી.
કોઇ એક ગામમાં ગુરુ ચેલા એક ગૃહસ્થને ત્યાં ઊતર્યા. સખત ટાઢ હતી. ગુરુ મહારાજનો સ્નાનનો જરાપણ ઇરાદો ન હતો. પેલા ગૃહસ્થે મહારાજ માટે ઁઠંડા પાણીની બાલ્ટી તૈયાર કરીને મહારાજને સ્નાન માટે સંદેશ કહેવડાવ્યો. ગુરુ મહારાજે તરત જવાબ પાઠવ્યો : 'અબ નહાના નહીં હૈ, 'જ્ઞાન-જલ'સે સ્નાન કર લિયા' પેલો ગૃહસ્થ આ દંભથી ચોંકી ગયો, પણ એ શેર માથે સવાશેર હતો.
બપોરે ભોજન પછી કલાકવાર બાદ ગુરુમહારાજને પાણીની સખત તરસ લાગી. મહારાજે ગૃહસ્થને પાણી મોકલવા માટે ચેલા દ્વારા કહેણ મોકલ્યું. પેલા ગૃહસ્થે જવાબ મોકલ્યો : ગુરુજી, 'જ્ઞાનજલ પી લો'
જ્ઞાનજળથી તૃપ્તિ થઇ જાય એવી કોઈક વિરલાની કક્ષા હશે, પણ સર્વસામાન્ય માનવીને તો જ્ઞાનજળથી શરીરની તરસ ન જ બુઝાય.
કાજલ કી કોટડી મેં કૈસો હી જતન કરો,
કાજલ કા રંગ ભાઈ લાગે હી લાગે !
મેઘધનુષી ભ્રમણાઓનો અસ્વીકાર ન થાય, પણ સાથે સાથે એ ભ્રમણાઓને ઉગાડીને ઝાડ પણ ન કરાય.


