જીવન-વિદ્યા, ધ્યાન, યોગ શું ટાઇપિંગ-ક્લાસના વિષયો?
- અન્તર્યાત્રા- ડો.સર્વેશ પ્ર. વોરા
યો ગ, અધ્યાત્મ, ધ્યાન, જીવન-વિદ્યા જેવા, વિરલાને આત્મસાત્ થતા વિષયો બોડી બામણીનું ખેતર બની ગયા એ આપણા યુગની એક કરુણ-હાસ્ય કથા છે. આ વિષયોની દેખીતી ભ્રામક સરળતાને કારણે તૂત ચલાવવાની વિરાટ 'માર્કેટિંગ નેટવર્ક' ચલાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. યોગ અધ્યાત્મ ધ્યાન શીખવવા કે શીખવાના વિષયો નથી દવા બનાવનારી કંપનીઓ જેમ એની 'ફોર્મ્યુલા' એના 'કોર્સ'ના હોય, આટલું સીધું સાદું સત્ય પણ નવ્વાણુ ટકાને સમજાયું નથી હોતું. સોમાંથી સાડાનવ્વાણુ ટકા બેવકૂફો, જેમાં (યોગ-શિક્ષકોનો દાવો કરતા જણ પણ ચોક્કસ ગણી લેવા) યોગનો ઉચ્ચાર 'યોગા' કરતા હોય ત્યારે એમનાં મગજમાં શીંગને બદલે ફોતરાં ભરેલાં હશે એનો સંકેત મળી જાય.
એવરેસ્ટનો નકશો બજારમાં મળતો હોવા છતાં એવરેસ્ટને પામવા જાતે જ યાત્રા કરવી પડે. તેનઝિંગની વ્યક્તિપૂજા કરવાથી કે એવરેસ્ટ અંગેની 'શિબિરો' કે 'કોર્સ' કરવાથી કે એડમંડ હિલેરીનાં નામનો જાપ કરવાથી એવરેસ્ટ પામી શકો ખરા ? અને કેમ ભૂલી જાવ છો કે એવરેસ્ટ - આરોહણમાં શરીર ઉપરાંત બુદ્ધિ-મનનાં જે સ્વરૂપની જરૂર પડે એના કરતાં આધ્યાત્મિક રૂપાન્તરમાં જુદાં જ, ઉચ્ચતર રૂપની જરૂર પડે છે, જે શાકમાર્કેટમાં વેંચાય કે 'કોચિંગ ક્લાસ'નો વિષય બની શકે એ શક્ય જ નથી.
પરિસ્થિતિ આજે એ તબક્કે આવી ઊભી છે કે ઓશોનાં કોમ્યૂન (જે ઓશોની આધ્યાત્મિક ભૂલ હતી)થી છૂટા પડેલા એક બંધુ હવે 'એનલાઇટનમેન્ટ' (જ્ઞાાન-પ્રાપ્તિ)નાં પ્રમાણપત્રો બહાર પાડે છે. કાલે એમના મૂંડિયાઓની સંખ્યા વધે, (જેની પૂરેપૂરી શક્યતા છે)ને તમને સાંતાક્રૂઝ કે કામાઠીપુરા પાસે જ્ઞાાનપ્રાપ્તિના 'ટૂંકાગાળાના કોર્સ' જેવા મળે તો જરાપણ નવાઈ ન પામતા. ઓશોએ ભલે પોતાની અનુભૂતિના માત્ર 'ઇશારા' કર્યા હશે, પણ પછી એ 'ઇશારા' ગળે પહેરવાનાં માદળિયાં બની ગયાં કારણ કે એમણે અનુભૂતિને 'કોર્સ'નું 'માર્કેટિંગ'નું રૂપ આપ્યું, ઓશો કે કૃષ્ણમૂર્તિના વિચારોને કોઈ પોતાનાં નામે ચઢાવે તો બહુ સસ્તે ભાવે શક્ય છે કારણ કે વિચારોની ઉપર કોઈ 'બ્રાન્ડ' કે 'કોપીરાઇટ' તો હોતા નથી, ને વિચારો 'પામવા'ની બાબત છે,'પહેરવાની' નહીં એટલું સત્ય આ વિરાટ બજારમાં કોણ સમજતા હશે ? આ બજારમાં જે મૂકો તે વેંચાઈ જાય.
રૂપાન્તરના બે પ્રકાર છે. આંતરિક અને બાહ્ય. અધ્યાત્મ, ધ્યાન, જીવન-વિદ્યા, યોગ જેવા વિષયોનો સમાવેશ આંતરિક રૂપાન્તરમાં આવે. આંતરિક રૂપાન્તરના 'કોર્સ' શક્ય જ નથી. વ્યક્તિનાં રૂપાન્તરની ઊંચાઈ કોણ નક્કી કરે ? જે સંતોને કે વિચારકોને તમે માનવજાતનાં સર્વોચ્ચ શિખરો ગણો છો એમને એમના જીવનકાળમાં કોણ માપી શક્યું હતું ? હા, તમે 'કોર્સ' કરીને કદાચ તમારી રીતભાત, રજુઆત, કામચલાઉ પ્રત્યાઘાતો બદલી શકો, 'જન-સંપર્ક'ના નિષ્ણાત બની શકો, પણ યોગ-ધ્યાન-અધ્યાત્મનાં ઊંડાણોને 'કોર્સ'ની મર્યાદામાં કેમ બાંધી શકો ?