- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- બદલાવ ''કોસ્મેટિક'' કે બહારનો ન હોય. એ અંદરથી થાય. આન્તરિક હોય.
જો માણસ ઘેટાં જેવો કે પાળેલ પશુ જેવો હોય તો એને બહારથી બદલવા કોઈ ચાલાક ભરવાડ ઘણો થઈ પડે, પણ માણસની આન્તરિક રચના જાણો છો ? એનો ખરો બદલાવ માત્ર અંદરથી જ શરૂ થાય, એનાં વિચારોથી શરૂ થાય અને એ બદલાવ બહારથી કદી થોપી ન જ શકાય. એક વાર આ વાત ડંકાની ચોટ પર સમજી લો. વારંવાર સમજી લો. તમારી કાગળની માન્યતા એ કે પંથની ઈમારત તૂટી પડે તો પણ સમજી લો કે માણસનો બદલાવ જો જાદુઈ લાકડી જેમ કોઈ દિવ્ય વ્યક્તિ, ગ્રન્થ કે પંથ કે પ્રવચનો કે રોબોટવેડાથી થઈ શકતો હોત તો કારની એસેમ્બલી લાઈન જેમ મહાપુરુષોનાં સંતાનોની પેઢી દરપેઢી મહાપુરુષોની પ્રતિકૃતિ બની જતી હોત !
અરે ! સંતાનોની વાત ક્યાં કરો છો ? અંતેવાસી કે શિષ્યો કે દાયકાઓ નિકટમાં રહેનારા પણ પેઢી દર પેઢી ''મહાનતા'' ટ્રાન્સફર કરતાં હોત ! મહાનતાનું અચૂક સંક્રમણ કરતા હોત ! જરા માનવ ઈતિહાસ જોઈ જાવ. એવું શક્ય બને છે ?
તો મુદ્દાની વાત એ કે જો સમકાલીન હાલત તમને ''અધર્મ''ની લાગતી હોય તો એક વાત ડંકાની ચોટ પર સમજી લો કે બદલાવ ''કોસ્મેટિક'' કે બહારનો ન હોય. એ અંદરથી થાય. આન્તરિક હોય. અને જો બદલાવ આન્તરિક હોય તો એ વિચારો, મંથન, જિન્દગીના ઉબડખાબડ રસ્તે અંદરથી ઉગતાં વલણથી થાય. તો મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, જિસસ કે જેમનાં નામ લેતાં થાકતા નથી એમની વાતો, એમનાં પ્રવચનોનંભ શું મહત્ત્વ ?
ભઈ સાબ, મહાપુરુષો જો જાદુઈ લાકડી જેમ માત્ર વાચન શ્રવણથી વ્યક્તિ બદલી શકે તો શ્રીકૃષ્ણે ગીતાજી અર્જુનને ઉદ્દેશીને કહ્યાં એને બદલે દુર્યોધનને પણ કહી શક્યા હોત. માત્ર જરા આ મુદ્દા પર એકાગ્ર થાવ. ટી.વી. પર ગમતા લોકોનાં પ્રવચનો ભલે સાંભળો, પણ આ મુદ્દો ન ગમે તો પણ વિચારો.
તો ભગવાને જો સમાજની અધાર્મિકતા કે પતન પર પ્રહાર કરવો હોય તો એ એક વિચાર દ્વારા જ પહોંચે. અને ભગવાન નિમિત્ત બને. કારણ ન બને. નિમિત્ત અને કારણ આ બે શબ્દો વચ્ચે જબરદસ્ત ફરક છે. અર્જુન નિમિત્ત બને, ગણધરો ભગવાન મહાવીરની વૈચારિક ક્રાન્તિના નિમિત્ત બને. રામ રાવણને મારે, શ્રીકૃષ્ણ કંસને મારે, ભગવાન મહાવીર કે બુદ્ધ પોતાની જીવનયાત્રા દરમ્યાન જે પીડાઓ સહન કરે... આ બધી ઘટનાઓ ચમત્કારો નથી, વિચારો છે, જે આખા યુગની માનસિકતા બદલવામાં નિમિત્ત બને.
તમારા પરિવારમાં કોઈ પુરુષાર્થી, તેજસ્વી વડીલના વિચારો કે વલણ પરિવારના બધા સભ્યો કદાચ ઝીલી ન શકે, પણ કટોકટીની ક્ષણોમાં એ વડીલની વૈચારિક સંપત્તિ એકાદ સભ્યને ભારે ફળદાયી નીવડે અને એ વૈચારિક સંક્રમણ જ પરિવારનો વૈભવ બચાવી લે.
શું ખાવું, શું પીવું, કેમ ઊઠવું, કેમ બેસવું એ બધી બાબતોના ચોકઠાંબદ્ધ નિયમો નહીં, પણ - ''જે દુ:ખ મને થાય છે, એ જ પીડા અન્યને પણ થાય છે'' એ વિચાર જ અધર્મ પર પ્રહાર કરીને ધર્મની રક્ષા કરે, પણ છેલ્લે ફરી એક ડંકાની ચોટ: આ વૈચારિક રીતે માંહ્યલાનું પરિવર્તન અચુક લાયક, ''તૈયાર'' વ્યક્તિઓનું જ થાય અને એ મુઠ્ઠીભર લોકો જ ઈશ્વરનું યુગકાર્ય કે અવતારકાર્ય કરે.


