Get The App

ફળને અકાળે ના પકાવાય .

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
ફળને અકાળે ના પકાવાય                                . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- માણસનાં ખરેખરાં રૂપાન્તરનો મુખ્ય દરવાજો ''વૃત્તિ'' છે

ત મે બજારમાં આકર્ષક રીતે પીળીચટ્ટ બનેલી કેરીઓ કે પપૈયાં જોયાં છે ? હા, હું રસાયણથી કૃત્રિમ રીતે પકાવેલાં ફળોની વાત કરૃં છું. ઘરે લઈ જઈને સમારો, મોઢાંમાં પધરાવો ત્યારે ભોંઠા પડો. ન સ્વાદ, ન સુગંધ યા તો ખટાશ હોય યા ફીકાશ હોય. સામાન્ય રીતે પેલો આકર્ષક પીળો રંગ ફળની પરિપકવતાનું પ્રતીક હોય, પણ અહીં આ ''પીળાશ'' માત્ર બાહ્ય પરિવર્તન લાવે. એ છેતરામણી હોય.

મોસમમાં ટાઢ-તડકો વેઠનાર, પોતાની સ્વયંભૂ ગરમીથી પાકનાર કેરી-પપૈયાંની મીઠાશ જૂદી હોય. નદીનાં ભાઠામાં પાકતાં આપણાં ગામમાં મળતાં ટમાટાંની મીઠાશ યાદ છે ? મોટાં શીતગૃહોમાં કૃત્રિમ રીતે સચવાયેલાં ટમાટાંનાં છેતરામણાં રૂપ-રંગનો ભોગ બન્યા છો ?

ધર્મ શિસ્તબદ્ધ આંદોલન કે સંસ્થાનું રૂપ ધારણ કરે, સંપ્રદાય બને, ટ્રેડ યુનિયન જેવી ટોળકી બને એટલે વિરાટ જૂઠાણાંની શરૂઆત થાય. માણસને જાણે રસાયણથી પકાવવાની, સમૂહનાં શીતગૃહમાં બાહ્ય રીતભાતથી પકાવવાની, સાચવવાની મૂર્ખામીભરી કસરત શરૂ થાય. 

જો માણસ પાકે તો માત્ર જિન્દગીની વાસ્તવિક પંચાગ્નિ-ઉષ્માથી, જિન્દગીના કારમા સંઘર્ષથી દુનિયાનું કોઈ જ ભાષણ, કોઈ જ ધર્મગ્રન્થ, કોઈ જ મહાપુરુષ- માણસરૂપી કેરીને પરિપકવ ના કરી શકે. અરે ! એક ભારે મહત્વનો મુદ્દો ભૂલાય નહીં. અહીં પણ ફળની માફક માણસની તાસીર જબરદસ્ત મહત્વ ધરાવે છે. માણસની તાસીર બરાબર ન હોય તો જિન્દગીની કોઈ જ ધોલ-ધપાટ એને સુધારવામાં નિષ્ફળ જશે.

કારણ કે ''પ્રવૃત્તિ અને વૃત્તિ''નાં વિજ્ઞાનને સમજવામાં ભલભલા કલંદર નિષ્ફળ ગયા છે. માણસનાં રૂપાન્તરની શરૂઆત ''પ્રવૃત્તિ''થી ના થઈ શકે, માહૌલથી ના થાય. એ જો બદલવાનો હોય તો માત્ર 'વૃત્તિ'થી બદલવાનો પ્રારંભ થાય, અને માણસનાં ખરેખરાં રૂપાન્તરનો મુખ્ય દરવાજો ''વૃત્તિ'' છે. અને કમાલની વિડમ્બના જુઓ કે ''પ્રવૃત્તિ''ના ખોટે દરવાજે માણસને બદલવાનાં ફાંફાં કે બેવકૂફી સંસ્થાબદ્ધ સંપ્રદાયો દ્વારા હમેશાં થતાં રહ્યાં છે.

''વૃત્તિ'' કદાચ બદલે તો બે તત્ત્વોના સમન્વયથી જ બદલે. માણસની પોતાની આગવી તાસીર. (બે ભાંડરૂની તાસીર પણ સાવ અલગ હોય છે) અને જિન્દગીનો આકરો પરિતાપ. પેલી વેદવાક્ય જેવી પંક્તિઓ ડાયરીને પહેલે પાને સાચવવા જેવી છે. ''જિન્દગી ક્યા હૈ, કિતાબોં કો પલટકર દેખો.''

બ્રહ્મચર્ય, ભક્તિ, સંયમ, સમતા, પરસ્પર પ્રેમ, સ્થિતપ્રજ્ઞાતાથી માંડીને વૈરાગ્ય સુધીનાં તત્ત્વો માટે ''ઉપદેશ'' કે ''આદેશ'' સાંભળીએ ત્યારે અરેરાટી થાય. કેમ કોઈ માઇના લાલને સમજાતું નહીં હોય કે આ બધાં તત્ત્વોના ઉપદેશ ના હોય, એ તત્ત્વો કોઈ અમુક તમુક સંપ્રદાયની ''બ્રાન્ડ''ની ''મોનોપોલી'' કે એકાધિકાર ના હોય. દૂર ક્યાં જવું ? જેમની મૂર્તિઓ પૂજીએ છીએ એ વ્યક્તિનું માધ્યમ જો કોઈની વૃત્તિનું રૂપાન્તર કરવા સમર્થ હોય તો કોઈ જ મહાપુરુષની ચોવીશ કલાક નજીક રહેનાર વ્યક્તિ પણ મહાન બની જાય. ના વૃત્તિ જાતની તપશ્ચર્યાને પ્રતાપે બદલે કોઈ જ બાહ્યશિસ્ત કે સંસ્થાગત ધર્મનું પૂંછડું પહેરવાથી વૃત્તિ બદલવાનો દાવો કરવો છેતરપિંડી છે.