Get The App

જાતના જાણભેદુ જ ઊંડાં પાણીના સહયાત્રી બની શકે

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
જાતના જાણભેદુ જ ઊંડાં પાણીના સહયાત્રી બની શકે 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

''ક હાની મેરી રુદાદે જહાં માલૂમ હોતી હૈ,

જો સુનતા હૈ, ઉસી કિ દાસતાં હોતી હૈ !''

દરેક વ્યક્તિ 'ચિંતક' હોય છે. બધા 'કવિ' કે- 'ચિત્રકાર' ન હોઈ શકે. બધા 'પત્રકાર' કે ''નૃત્યકાર'' ન હોઈ શકે, બધા 'લેખક' કે 'વક્તા' ન હોય, પણ એક ગામડાંના ખૂણે રહેતા અબુધ અને અદના મજૂરથી માંડીને જેનું નામ તમે છાપાંમાં કે પુસ્તકોમાં અવારનવાર વાંચતા હો એ વ્યક્તિ પણ ચિંતક હોઈ શકે છે. 'ચિંતક' કોઈ ખિતાબ ''એવોર્ડ'' કે ''દરજ્જો'' નથી કે જેની ઇર્ષ્યા કરવી પડે.

મુદ્દો ચિન્તનનાં ઊંડાણનો હોય છે. દરેક વ્યક્તિ પોતાની જાતનાં જુદાં જુદાં ઊંડાણે જઈને વિચાર કરે છે. કોઈ માત્ર છબછબિયાં કરે છે, કોઈ પૂર્વગ્રહ કે ઉધારી લીધેલાં ચિંતનને રમાડયા કરે છે, ને પોતે ઉધારમાં લીધેલી વૈચારિક દિવાલ તોડવાનું શૌર્ય હોતું નથી, તો કોઈ હૈયાંનું સતત ખોદકામ કરતા રહીને એટલું ઊંડાણ પામી શક્યા હોય છે કે તે અન્યનાં ઊંડાણને પામી શકે છે, એની કદર કરી શકે છે. જાહેર પ્રવચનમાં શબ્દો કે વિચારોની નાટયાત્મક રમતગમત કરનાર વક્તાને તાળીઓના ગડગડાટથી વધાવનાર બહુમતી લોકો પોતાનું છીછરું આંતરિક જગત ખુલ્લું પાડતાં હોય છે. કલબો, સોશ્યલગૂ્રપો વગેરેમાં તમને લગભગ પંચાણુ ટકા નમૂના આવાજ છીછરા જોવા મળે છે. આવી છીછરી બહુમતી પછી પોતાની કાર્યવાહક સમિતિને ચૂંટે છે, ને આવા છીછરા આગેવાનો પછી વ્યાખ્યાનમાળામાં ચિંતક-વક્તાને પસંદ કરે. સમજી ગયા ને ? ગાંડી સાસરે જાય, ને ડાહીને શિખામણ દે !

વ્યક્તિ પોતાનાં ચિંતનમાં જેટલી ઊંડી જાય, જેટલી સત્યની નજીક જાય, તેટલી તે એકલી પડે, તેણે એકલવાયાપણાનો સામનો કરવો જ પડે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. સદ્નસીબે કહો કે કમનસીબે, ઊંડાણ અને એકલતા ''પેકેજ-ડીલ'' હોય છે. કુદરત તમને જેટલા ઊંડાં બનાવે, જેટલા ઊંચા બનાવે, તેટલા તમે બહુમતીથી વેગળા થતા જાવ. તમારાં આંખ-કાન-નાક અન્ય સૌ જેવાં હોય, તમારી ભાષા, બોલચાલ અન્ય જેવાં હોય, છતાં તમે દેશી હોવા છતાં 'પરદેશી' હો ! અન્ય જેવી જ ગુજરાતી, મરાઠી કે કોઈ ભાષા બોલતા હો છતાં બહુ ઓછા સાથે તમારૃં ''કોમ્યુનિકેશન'' (ભાવ-સંક્રમણ કે સંવાદ) શક્ય બને.

''કોમ્યુનિકેશન'' કે ''સમજ''ને શબ્દોની કે રજુઆતની સરળતા સાથે નહીં, બોલનાર અને સાંભળનારનાં ઊંડાણની સમકક્ષતા સાથે સંબંધ હોય છે. આ નક્કર કારણે જ, દરેક યુગમાં માનવસમાજ સામે ઊંડું ચિંતન રજૂ કરનારાઓ ભલે સોટકા સાચા હોય, છતાં અપવાદ વિના, અચૂકપણે, તેમની સમકાલીન બહુમતી કદી પણ તેમને ઓળખી શકી નથી. માનવઈતિહાસની આ દસ્તાવેજી હકીકત છે.

તો ચિન્તનાત્મક વાચન કે પ્રવચન વખતે તમે વાંચો કે સાંભળો ત્યારે બે વાતો સૌથી વધુ નિર્ણાયક બને છે. તમારૃં ઊંડાણ અને તમારી માન્યતા, પૂર્વગ્રહ કે વૈચારિક ભૂમિકાની 'જડતા' દરેકનાં હૈયાંમાં પૂર્વગ્રહ કે અભિપ્રાયની ભૂમિકા હોય જ છે, બરાબર દરેકનાં પેટમાં રહેલાં ''બેક્ટેરિયા''ની જેમ. પણ જેની ભૂમિકા મનોમંથન કે ખેડાણ દ્વારા પોચી બની હોય તેને માટે વધારે ઊંડા જવું શક્ય હોય છે, જેની ભૂમિકા કાળમીંઢ પત્થર જેવી સખત બની ગઈ હોય, તેને કોઈ પણ ક્રાંતિકારી વિચારનો સ્પર્શ ઊંડાણ તરફ ક્યાંથી લઈ જાય ?