Get The App

જાત-પરખ વિનાનાં અંધત્વની મહામારી .

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
જાત-પરખ વિનાનાં અંધત્વની મહામારી                   . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- ગુલાબ જેવી ઉત્તમ ચીજ માટે પણ ઓળખાણ આપવી પડે એ મુલકમાં આપોઆપ ગુલાબની ખેતી ઓછી થતી થતી બંધ પડી જાય !

મ હાનગરી મુંબઈ વિષે બહારના લોકો એક કટાક્ષ કરતા હોય છે: આ ગામના લોકોને ઘેટાંની માફક હરોળ જોઈને ઊંધું ઘાલીને ઊભા રહી જવાનો રોગ છે.

હકીકતમાં આ વિધાન આપણામાંના મોટાભાગનાની તમામની સામાજિક પ્રવૃત્તિઓને લાગૂ પડે છે.

તમે એક મજેદાર હકીકત નોંધી છે ? જેમ ટોળાંમાં, હરોળમાં ઊભા રહી જવાની વૃત્તિ છે, તેમ જ તેનાં બીજા છેડાના એવાજ અંધ પ્રત્યાઘાત તરીકે હડકાયા કૂતરા માફક તમામ વ્યક્તિઓનો (જાત સિવાય) આંધળો વિરોધ કરવાની પણ ઘણાને વિકૃતિ હોય છે.

આ બન્ને પ્રકારના મનોરોગમાં કારણભૂત છે:

જાત-પરખનો અભાવ.

પોતાની આગવી દ્રષ્ટિનો અભાવ.

ખલીલ જિબ્રાનની સુપ્રસિદ્ધ પંક્તિઓ છે:

''જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છત્તાં ફાલી રહ્યાં, એ દેશની ખાજો દયા''

જે મુલકમાં અંધાઓની બહુમતી હોય, ત્યાં અરીસા ન વેંચાય, જ્યાં ગુલાબ વેંચતી વખતે ભલામણ કરવી પડે કે ''આ ગુલાબ છે, આનો આખી દુનિયામાં બહુ ''ડિમાન્ડ'' છે, આ ફૂલ બહુ સુંદર કહેવાય, આ ફૂલને નાકે લગાડતાં જે મળે તે ''સુગંધ કહેવાય.'' ગુલાબ જેવી ઉત્તમ ચીજ માટે પણ ઓળખાણ આપવી પડે એ મુલકમાં આપોઆપ ગુલાબની ખેતી ઓછી થતી થતી બંધ પડી જાય !''

એક કવિએ બહુ વ્યથા અને તીવ્ર રોષ સાથે લખ્યું છે: ''ઘણાય લોકો મુશાયરો સાંભળવા નહીં, જોવા જતા હોય છે !'' મુશાયરા ને માણવાની સૌન્દર્ય-પરખ જ જ્યાં ન હોય, ત્યાં સૌન્દર્યની વહેંચણી કરનારા સંવેદનસભર સર્જકની શી વલે થતી હશે એ કલ્પના કરો !

રમેશ પારેખની આ પંક્તિઓ આજના, ખાસ કરીને ગુજરાતી માહૌલ (અન્ડરલાઇન, પ્લીઝ)ને બહુ સ્પષ્ટ કરે  છેઃ

''બજારમાં હું ચશ્માં લેવા ગયો,

બિલ પેટે આંખો દઈ આવ્યો''

તમને ખબર છે, જે સમાજમાં હળાહળ દંભ અને ભ્રષ્ટાચાર છે, છતાં ધાર્મિક પ્રવચનો માટે સૌથી વધુ ઘરાક શા માટે મળી રહે છે ? જે સમાજને અને વાંચન-મનનને બાપે માર્યાં વેર છે, જે સમાજે ઉમાશંકર જોષીનાં ''સંસ્કૃતિ''ને શ્વાસોચ્છ્વાસ જેટલો પણ ટેકો નહોતો આપ્યો, એ સમાજમાં સાધુબાવાનાં પુસ્તકો લાખોમાં વેંચાય છે !

નહીં, નહીં, એ સાચો ધર્મપ્રેમ નથી.

''ધર્મ''માં ''ટોળું'' પર્યાય બની ગયું છે, એટલે ધાર્મિક પ્રવચનમાં કે ટોળાંશાહીમાં પોતાની આગવી દ્રષ્ટિની તો જરૂર પડે નહીં. મનોરંજન મળે, ઝાઝું ઊંડે જવાની જરૂર ન પડે અને સંગઠિત રીતે દાંભિક સમાજના કટ્ટરવાદનો ટેકો મળી રહે.

સમ્માન તમે સંગઠિત દંભનાં ટોળાંનાં ઘેટાં-સભ્ય બન્યા છો તેનું છે, હૈયાંના સાચા ધર્મનું નહીં.

કારણકે એક એવો માહોલ રચવાના પાપ-યજ્ઞામાં સૌ સાથ આપીએ છીએ, જ્યાં મૌલિકતા, ઊંડાણ, કડવાં સત્યોને સાથે મળીને દેશનિકાલ કરવાનો સામુહિક હેતુ છે.

જેને ટોળાંની લોકપ્રિયતા સાંપડી એની પાછળ અમે પણ ઘાંઘા થઈને દોડીએ છીએ. અમે અંધ છીએ, અમે ઘેટાં છીએ.