Get The App

મહત્ત્વ કોણ ક્યારે ઓળખે એનું .

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
મહત્ત્વ કોણ ક્યારે ઓળખે એનું                             . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

ના ના કે મોટા માણસની જિન્દગીમાં મહત્વ એને મળતા ઝળહળાટ, દુન્યવી સિદ્ધિ કે દુનિયા જેને પ્રસિદ્ધિ કહે છે તેનું નથી હોતું, મહત્વ કુદરતે એને સોંપેલાં ખાસંખાસ કાર્યનું હોય છે. કુદરત બહુ વિરાટ સંદર્ભમાં, બહુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં તમને અમુક ''પાઠ'', અમુક ''રોલ'' સોંપતી હોય છે, અને એ પાઠનું મહત્વ તો બહુ લાંબો કાળ વ્યતીત થઈ જાય પછી જ સમજાય. જેણે આ 'પાઠ' ભજવ્યો હોય એ વ્યક્તિ ત્યારે મોટે ભાગે જીવંત ન હોય, પણ મજેદાર સત્ય એ છે કે પોતાને કાંઈક વિશિષ્ટ કામ સોંપાયું છે, અને સંઘર્ષ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, પરિચયો, આજુબાજુ એકઠા થતા પ્રભાવિત લોકો તો માત્ર અને માત્ર ''યોગાનુયોગ'' છે, તેમનું મહત્વ ''ગૌણ'' છે એ ગુપ્ત પ્રતીતિ મહાપુરુષોને બહુ જલ્દી થઈ જતી હોય છે, પરિણામે એમનાં પ્રતિભાવો અલગ હોય છે. (અહીં હું માન-પ્રસિદ્ધિ પ્રત્યે દંભ, હળાહળ દંભપૂર્વક દાખવાતી તટસ્થતાનાં ''નાટક''ની વાત હરગીઝ કરતો નથી) 

આપણે અહીં જેમને માટે ''ગૌણ'' શબ્દ વાપર્યો, જે લોકો જીવન-યાત્રા દરમ્યાન તમારે રસ્તે આવે છે, જેઓ કાંતો તમારી પ્રતિભાથી અંજાયેલા છે અથવા તો પોતાની ઓકાત સમજ્યા વિના ઈર્ષ્યા કરી રહ્યા છે, તમારી આજુબાજુ મંડરાય છે, તમને સાંભળ્યા, વાંચ્યા કે સમજ્યા વિના કાયરની માફક, શહામૃગની માફક તમારી નિન્દા કરીને ઈર્ષ્યા પોષી રહ્યા છે, જેઓ એક જમાનામાં વાડ પર ઊભા રહી, રાહ જોતા હતા કે આ માણસ નીચે પડે તો મજા આવે, ને હવે તમને નિર્વિઘ્ને દોડતા જોઈને તાબોટા પાડીને વધાવી રહ્યા છે - આવા બધા લોકોનું મનોવૈજ્ઞાનિક વર્ગીકરણ કરો તો મોટા ભાગે ઈર્ષ્યા અથવા કહેવાતી પ્રસિદ્ધિના ઝળહળાટથી ખેંચાઈને દાખવાતો ''અહોભાવ'' જોવા મળે છે, જરા કટાક્ષની ભાષા વાપરીએ તો ''વેવલાવેડા'' જોવા મળે છે, પણ મુદ્દો એ છે કે વ્યક્તિને ''ઓળખનારા'' કેટલા ? કોઈ જ ચળકાટ, સફળતા, નિષ્ફળતા, કહેવાતી સિધ્ધિ કે કહેવાતી પ્રસિદ્ધિ વિના, માત્ર તમારી વાત દ્વારા, તમારામાં રહેલાં કાંઈક ''અદ્ભુત'', કાંઈક ''ઈશ્વરપ્રેરિત ખાસ તત્ત્વ''ને પારખી શકે, તમારી માનવીય સબળ અને નિર્બળ લાક્ષણિકતાઓ વચ્ચે પણ તમારામાંના ''અલૌકિક''ને ઓળખીને તમને વન્દન કરે એવા કેટલા મળે જીવન-પંથે ?

કદાચ બહુ ઓછા મળે, બહુ વિરલા મળે.

આ ''ઓળખ'' શું છે ? શું એ મિથ્યાભિમાન છે ? હા, અનેક ઉદાહરણોમાં એ મિથ્યાભિમાન હોઈ શકે. દાખલા તરીકે ભીમસેન જોષી કે ઓમકારનાથ ઠાકુરને વ્યાસપીઠ પર ગાયન રજૂ કરતા જોઈને કોઈ સરેરાશ, નિમ્નકક્ષાના, ઝાઝી પ્રતિભા નહીં ધરાવનાર ગાયક એમ કહે કે - ''આપણને બન્દાને આવી 'તક' ના મળી, નહિંતર આપણે પણ કાંઈ 'કમ' નથી ! આ ભીમસેન પૂનામાં મારા પિતાશ્રી પાસેથી રાગ રાગિણીનું પુસ્તક લેવા આવતા !'' 

આસમાની ઉંચાઈ વાળી વ્યક્તિને કોઈ આરતી ઉતારે, કોઈ એને ''મહાન'' કહે એની જરૂર હોતી નથી, પણ આખરે મૂઠી ઊંચેરા મહાપુરુષ પણ માનવ હોય છે, અને કુદરતે તેમને કશુંક ''કોમ્યુનિકેટ'' કરવા મોકલ્યા હોય છે. આ સત્યની તેમને ''ઓળખ'' હોય છે, પ્રતીતિ હોય છે, પરિણામે અનેકવાર તેમની ''પ્યાસ'', તેમની જરૂર, તેમની આવશ્યકતા ''ઓળખ''ની ''કોમ્યુનિકેશન''ની હોય છે, એવોર્ડ, અહોભાવ કે ઇર્ષ્યાથી એમને ઝાઝી નિસ્બત હોતી નથી.