- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
ત મે જે રીતે ગાંધીનગર, ચંદીગઢ કે નવી મુંબઈ બાંધી શકો એ રીતે ઋષિકેશ, ગંગોત્રી કે દેવપ્રયાગ 'બાંધી' શકો ? તમે ગજવામાં દશ રૂપેડી લઈને મુંબઈ આવ્યા હતા, કે તમે સામાન્ય બસો રૂપિયાના પગારે નોકરી કરતા કાકા-મામાને ઘરે રહેતાં રહેતાં આજે તમારા ક્ષેત્રમાં અડીખમ વિશાળ વટવૃક્ષ બન્યા. તમે આવી જ બાહ્ય પરિસ્થિતિનું પુનરાવર્તન કરી અનેક જુવાનિયાને તમારા જેવા અદલોઅદલ તમારા જેવા અડીખમ બનાવવાની ''ટ્રેનિંગ સ્કૂલ'' ઊભી કરી શકો ?
તાજેતરમાં એક મજેદાર સમાચાર આવ્યા હતાં. સરેરાશ મોટી સંખ્યામાં દેખાતાં પંખીઓને ખાસ પ્રકારના રંગોથી રંગી, દેખાવે આકર્ષક બનાવીને ''વિરલ'', ''અજોડ'' તરીકે વેંચવાનો ધંધો રીતસર ચાલે છે ! તમે જેમ પંખીને રંગના લપેડા કરીને ''વિરલ'' પંખીઓની જથ્થાબંધ ફોજ ઊભી કરી શકો, એમ જીવતા માણસને અમુક તમુક સંસ્થાબદ્ધ ધર્મની ''બ્રાન્ડ''ની મૂઠ મારી (હા, મૂઠ મારવા સિવાય કોઈ બીજું ક્રિયાપદ બંધબેસતું નથી) એના દૈનિક આચાર ગોઠવી એને મિલીટરી શિસ્તમાં ગોઠવીને એનું જથ્થાબંધ ''સંતો''માં રૂપાન્તર કરી શકો ?
જો ઉપરના પ્રશ્નનો ''ના'' કહેવાનો જવાબ આપવા જેટલી તમારામાં સ્વતંત્ર વિચારશક્તિ બાકી રહી હોય, હજૂ પણ તમે બહુમતીના હિસ્ટેરિયા સામે અલગ સમજશક્તિ બચાવી શક્યા હો, તો એક આઘાતજનક સત્ય સાંભળી લો. પંખીઓ માફક માણસને બાહ્ય આચારોમાં ગોઠવીને ''સંત'' બનાવવાનું તૂત મોટે પાયે ચાલતું રહ્યું છે ને ચાલે છે.
સંતને 'બનાવી' શકાતા નથી, એ 'નિપજે' છે, એ 'બને' છે, ને એમને બહુમતી હરગીઝ ઓળખી શકતી નથી, એ જથ્થાબંધ પેદા કરવાની 'ધાર્મિક વિદ્યાપીઠ' હોઈ શકે નહીં, આટલું બુનિયાદી સત્ય જો સંસ્થાબદ્ધ ધર્મોની જાગૃત મુઠ્ઠીભર નવી પેઢીને સમજાઈ જશે તો સંતત્વનાં સંસ્થાકરણ સામે ચોક્કસ મૌન બળવો થશે. અલબત્ત આ લેખ ''ટાઈમબોમ્બ'' જેવો છે કારણ કે આ વિચાર દ્વારા વિરાટ ઈમારતો નીચે સુરંગ ગોઠવાય છે. હા આવતીકાલે કદાચ આ લેખ પસ્તીમાં જાય, સૂડો-ધાર્મિકો કે સૂડો બૌદ્ધિકો દ્વારા શાહમૃગ વર્તન થાય, પણ વિરાટ બેવકૂફી સામે તો આ વિચાર-ટાઈમબોમ્બ સમાજમાં ક્યાંક-ક્યાંક ચોક્કસ ગોઠવાઈ જશે.
તમે કથાકારોની ટ્રેનિંગનો દાવો કરી શકો, પણ શું સંતત્વ કસનળીમાં પેદા કરી શકાય ? હા - સાધકના વિકાસ માટે આપણી પરંપરાએ બાહ્ય શિસ્તની વાત ભારપૂર્વક કરી છે, પણ એ શિસ્ત ખાબોચિયાંની નહીં, નદીની શિસ્ત છે, જેમાં ચિત્તના સ્વાતંત્ર્યનો રસ્તો બંધ ન હોય. તમે ઈંટને ચોકઠામાં બેસાડીને મજબૂત પરિણામ મેળવી શકો, પણ યાદ રાખો, એ પરિણામ નક્કર, મજબૂત પણ 'પ્રાણવિહીન' હોય. તમે કહેવાતી આચાર-ચુસ્તી વડે માણસને 'મોલ્ડ'માં નાખી, એને સાંપ્રદાયિક આદર્શ પૂતળું બનાવી શકો, પણ એવા 'મોલ્ડ'માંથી જીવતા 'સંત' પેદા કરવાનો પડકાર ઝીલી શકો ખરા ? એને ચા-બીડી-સ્ત્રી-તમાકુથી દૂર રાખી શકો, પણ એનાં વૃત્તિ-બીજને બદલવાની કોઈ 'ફોર્મ્યુલા' છે ખરી ?
લગ્ન સંસ્થા માફક સાધુ સંસ્થા સામે આ પ્રશ્ન છે : આજે નહીં તો કાલે આ પ્રશ્ન સ્થાપિત ધર્મોના અને સ્થાપિત હિતોના પગ નીચેથી પાટિયાં ખસેડી નાખશે. શંકરાચાર્ય, મીરાં કે આનંદધન કઈ સાંપ્રદાયિક ફોજની પેદાશ હતાં?


