Get The App

વસંત એટલે પ્રકૃતિની કવિતા...

Updated: Feb 27th, 2024

GS TEAM

Google News
Google News
વસંત એટલે પ્રકૃતિની કવિતા... 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

વ સંત એ ખૂલવા અને ખીલવાની મોસમ છે. વસંત આવતાં જ ડાળેડાળ ફૂલોથી છલકાઈ ઊઠે ચે. ક્ષિતજો હાસ્ય વેરે છે અને ઉજ્જડ વગડો નવા રંગો ધારે છે. થો જેવા થોર પણ મલકતાં નજરે ચડે છે. ફૂલો ઝાડને તો ક્રોસનું સંગીત સૃષ્ટિને ભરી દે છે. ગરમીથી દાઝેલા હૃદય પાણી પીને શીતળતા અનુભવે છે. તાજા પાણીથી નીકો (ધોરિયા) છલકાઈ રહી છે. કોયલની મનમાનીને કારણે કડવી લીમડીઓના કાને પણ મીઠો રસ રેલાય છે. એટલે જ વસંતને વસંત ધર્મી ન્હાનાલાલ કવિએ 'ઋતુરાજ વસંત'નું ઉપનામ આપ્યું છે. અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં तस्य ते वसन्तः शिर  કહીને વસંતને બધી ઋતુઓમાં શિરમોર સ્થાન આપવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પણ 'ઋતુઓમાં હું વસંત છું' કહે છે. વેદોના સૂક્તોથી લઇને રામાયણ મહાભારત જેવા આપણા મોટાભાગના આદિકાવ્યોમાં ઋતુવર્ણનો જોવા મળે છે. કાલિદાસે 'ઋતુસંહાર'ના છઠ્ઠા સર્ગમાં સુંદર વસંતમહિમાગાન કર્યું છે. કાલિદાસ કહે છે કે 'હે પ્રિયે ! વસંત ઋતુમાં બધું જ વધુ સુંદર લાગે છે'. કાલિદાસ આગળ જતા કહે છે કે વસંતના સમાગમ પછી ધરતી જાણએ કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની ેજમ શોભી ઊઠી છે. આપણી ગુજરાતી ભાષામાં પણ વસંત ઋતુનો સંસ્પર્શ ન કર્યોહોય એવો કવિ જડવો મુશ્કેલ છે. આપણે ત્યાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'વસંતવિલાસ' નામનું સુંદર ફાગુકાવ્ય જોવા મળે છે. વસંત એ પ્રકૃતિની કવિતા છે અને 'વસંત વિલાસ' કવિતામાં પ્રકૃતિ છે. 'વસંતવિલાસ' નામ જ કવિતાના વિષયવસ્તુ પર પ્રકાશ ફેંકવા સક્ષમ છે. વસંત ઋતુ અને કામવિલાસ બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન બીજે મળવું દુર્લભ છે. આમ પણ ફાગુ વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર છે. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આપણે ત્યાં ચૌદમીથી લઇને સત્તરમી સદી સુધી કવિઓએ ફાગુવિહાર કર્યાનું જોવા મળે છે. 'રાસ' કાવ્યોની જેમ જ એ સમયે 'ફાગુ' કાવ્ય પણ ગવાતું અને નૃત્ય સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે. ફાગુકાવ્યોના બહુધા જૈન અને જૈનેતર એમ બે સ્વરૂપ ઉપલબ્ધ છે.

આમ તો વસંતપંચમીથી વસંત ઋતુ શરૂ થયેલી ગણાય પણ વસંતપંચમી મહા માસના પ્રારંભે (ફેબુ્રઆરીમાં) આવે છે અને શિવરાત્રિ મહા માસના અંતે. શિવરાત્રિ શિયાળો પૂરો થયાનું અને વસંતના આગમનનો ઇશારો કરે છે. અને ફાગણ મહિનાથી (મધ્યમાર્ચથી) વસંત ઋતુની શરૂઆત થાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૧મી માર્ચે અને આપણા પંચાગ મુજબ શિવરાત્રિના રોજ દિવસ અને રાતની લંબાઈ એકસમાન હોય છે. કવિ કહે છે, જેમાં દિવસ અને રાત એકસમાન છે એવી શિવરાત્રી આવી ચૂકી છે, અર્થાત્ હવે વસંત ઋતુ શરૂ થઇ છે. પરિણામે છોડ-વૃક્ષો પર પુષ્પો ખીલી ઊઠયાં છે અને એમની સુગંધ દસેય દિશાઓમાં ફેલાઈ રહી છે. વળી, આકાશમાં આ સમયે વાદળો પણ જોવા મળતાં નથી અને આકાશ પણ નિર્મળ સ્વચ્છ નજરે ચડે છે. વસંત વિલાસની થોડી પંક્તિઓ મમળાવીએ જેનાથી 'વસંત વિલાસ'ની કાવ્ય સમૃદ્ધિને માણી શકીશું.

વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,

ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઇં અપાર.

આગળ જતા કવિ કહે છે કે;

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,

અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર.

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે. કવિએ આંબા માટે સહકાર શબ્દ વાપર્યો છે. જંગલી અને સારા આંબાની ડાળ એકસાથે બાંધીને સહિયારી કલમ ચડાવવાથી જે કલમી આંબો બને તેને સહકાર કહેવાય છે. વસંત ઋતુની લાક્ષણિકતાઓ ઊઘડી રહી છે. આંબાઓ મંજરીઓથી મઘમઘ થવા માંડયા છે અને વસંત ઋતુની છડીદાર એવી કોયલ એના પાર વિનાના ટહુકાઓથી ત્રણેય ભવનમાં વસંત ઋતુનો જયજયકાર કરવા માંડી છે. બે જ પંક્તિમાં કેવું અદ્ભુત ચિત્ર કવિએ દોરી આપ્યું છે ! મધ્યકાળના કવિઓમાં કાવ્યાંતે પોતાનો નામોલ્લેખ સામાન્ય હતો, પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા 'વસંતવિલાસ'ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી. ઇ.સ. ૧૬૩૮ની એક હસ્તપ્રતના અંતભાગે  इति मुंजकविना कृतं वसंतविलास फाग समाप्तः લખેલું મળી આવ્યું છે અને વસંતવિલાસની આખરી કડીમાં પણ 'મુંજ' શબ્દ વપરાયો હોવાથી કેટલાક લોકો કવિનું નામ મુંજ હોવાનું અનુમાને છે. આપણા કવિ પ્રજારામ રાવળે 'વસંત'ને વરણાગી કહી છે. પ્રજારામની આ કવિતા વસંતનો આધ્યાત્મિક રંગ ઘૂંટે છે.

વસંત આ વરણાગી !

શિશિર તણે પગલે વૈરાગી,

વસંત આ વરણાગી !

એક ખેરવે વસ્ત્ર પુરાતન

બીજો મખલમ ઓઢે

એક ઉભો અવધૂત દિગંબર,

અન્ય પુષ્પમાં પોઢે !

શીતલ એક હિમાલય સેવી અન્ય જગત અનુરાગી ! વસંત આ વરણાગી !

એક મુનિવ્રત ભજે અવર તો

પંચમ સ્વરથી બ્લોએ;

અરપે એક સમાધિ જગતને,

અન્ય હૃદયદલ ખોલે !

સ્પંદે પૃથિવીહૃદય વળી

વળી રાગી ને વૈરાગી ! વસંત આ વરણાગી !

અંતે,

ધર્મ વિના વિજ્ઞાાન પાંગળું છે અને વિજ્ઞાાન વિના ધર્મ આંધળો છે.

- આઈન્સ્ટાઇન

Tags :