ઊડિયા : 3,75,21,324 લોકોનાં દિલની જબાન ઉત્કલ પ્રદેશની ઉત્તમ ભાષા
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
જ ગન્નાથમય રચનાઓ આપનાર, પદ્મશ્રીથી સન્માનિત રજતકુમાર કર ઊડિયા સાહિત્યકારનું તાજેતરમાં અવસાન થયું. ઓરિસ્સા એ ભાષા, ધર્મ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ ઉત્તર-દક્ષિણના સેતુ સમાન રાજ્ય છે. આ રાજ્યની સત્તાવાર ભાષા ઉડિયા છે. જે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ છે. ઉડિયા ભાષાનું ઉચ્ચારણ ઓરિસ્સામાં 'ઓડિયા' થાય છે. તેનો મૂળશબ્દ ઔડ્ર છે. જેનો અર્થ થાય છે 'કૃષક' અથવા 'કૃષિજીવી' ઃ સંસ્કૃત, માગધિ, પ્રાકૃત અને જનજાતિય બોલીઓના મિશ્રણથી બનેલી આ ભાષાનો ઈતિહાસ ૨૦૦૦ વર્ષથી પણ વધુ જૂનો છે. માર્કંડેય મુનિ રચિત પ્રાકૃતસર્વસ્વ ગ્રંથમાં અને ભરતમુનિ રચિત નાટયશાસ્ત્રમાં પણ 'ઓડ્રી' તરીકે ઉડિયા અપભ્રંશનો ઉલ્લેખ આવે છે. ઓરિસ્સાનાં ધોળીમાંથી મળેલ અશોકના શિલાલેખો અને ખંદગગિરિ-ઉદયગિરિ નામથી પ્રસિદ્ધ આ ગુફાસમૂહોમાંથી મળેલ મોટાભાગના શીલાલેખોની ભાષા અપભ્રંશ ઊડિયા જોવા મળે છે. આ શીલાલેખોની ભાષાને ઉડિયાનું બાળસ્વરૃપ કહી શકાય. આ ઉપરાંત નરસિંહદેવના સમયનો (ઈ.સ.૧૨૩૮ થી ૧૨૬૩) શિલાલેખ ઊડિયા અને તમિળમાં કોતરાયેલો જોવા મળે છે. તે વખતે ઓરિસ્સા અને તમિળ ક્ષેત્ર બંનેમાં એક જ રાજાનું રાજ્ય હોવાને લીધે આમ બન્યું હશે તેમ કહેવાય છે.
અશોકનો કલિંગવિજય એક પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટના છે. તેના પછી અશોકે ભુવનેશ્વરમાં રાજધાની વસાવી. પછી તો ઓરિસ્સા બૌદ્ધ ધર્મના પ્રચારનું મુખ્ય કેન્દ્ર થઈ ગયું. બૌદ્ધ ધર્મ પ્રચારમાં પાલીનો વિશેષ ઉપયોગ હતો. ત્યારથી ઊડિયા અને પાલિનો સંબંધ થયો હશે તેમ મનાય છે. ઊડિયા અને પાલિનાં સંગમસ્થાનરૃપે 'ચર્યાગીતિકા' જે બૌદ્ધગાનના દોહા રચાયા. જેને અપભ્રંશ ઊડિયાનાં પ્રથમ લઘુકાવ્યો કહી શકાય.
લગભગ ચૌદમી સદીમાં જગન્નાથ મંદિરનું વૃત્ત, દૈનિક હિસાબો અને ઉત્સવના અહેવાલો ત્યાંની સ્થાનિય ઊડિયા ભાષામાં લખવાની શરૃઆત થઈ. આ પરંપરા 'માંદલા પાજી'નાં નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતી સાહિત્યના મધ્યકાળની જેમ જ ઊડિયામાં પણ પંદરમી સદીથી સત્તરમી સદી સુધી ભક્તિ પ્રધાન સાહિત્યની પ્રધાનતા જોવા મળે છે. ઊડિયા ભાષાના લોકવ્યાસ કહેવાતા સારલાદાસે સરળ લોકભાષામાં મહાભારતની રચના કરી. ચૈતન્યદેવે અઢાર વર્ષ સુધી સંસ્કૃતમાં રહેલ તત્વજ્ઞાાનને લોકભાષાની સરળ બાનીમાં ગૂંથ્યા. આ રીતે લોક અને શ્લોકનો સુંદર સમન્વય થયો. ગુજરાતીમાં પદ રચનાઓની જેમ જ બધા જ કવિઓએ ચૌતીસા લખ્યા છે. ભારતની વસ્તી ગણતરી-૨૦૧૧ મુજબ આજે ભારતમાં ૩,૭૫,૨૧,૩૨૪ લોકો ઊડિયા બોલે છે. જે ભારતની કુલ વસ્તીના ૩.૧૦ ટકા જેટલા થાય છે.
ઊડિયા ભાષાની લિપિ બ્રાહ્મી પરથી ઉતરી આવી છે. આર્યકુળની હોવા છતાં તેનું લિપિ સ્વરૃપ દક્ષિણની ભાષાઓની લિપિને મળતું આવતું ગોળાકાર સ્વરૃપ છે. આ ભાષામાં ધ્વનિ ઘટકો અને સ્વરોના સંયોજનને લીધે મધુરતા છે, તેથી વિદ્વાનો તેને સંગીતિક ભાષા કહે છે. આપણા રાષ્ટ્રપતિ જે જિલ્લામાંથી આવે છે તે મયુરભંજ જિલ્લામાં બોલાતી ઊડિયાને બાલેશ્વરી કહેવાય છે. ૧૮૦૩થી ઓરિસ્સા અંગ્રેજોનો સૂબો બની ગયું. અંગ્રેજોએ અહીં અંગ્રેજીના પ્રચાર માટે કાર્ય શરૃ કર્યું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઊડિયા પર વિદેશી સામ્રાજ્યોની ભાષાની બહુ અસર વર્તાતી નથી. આજે પણ અન્ય ભારતીય ભાષાઓની તુલનામાં ઊડિયામાં ફારસી, ઉર્દૂ, અરબી અને અંગ્રેજી ભાષાનાં ખૂબ ઓછા શબ્દો જોવા મળે છે. હા, એ બિલકુલ સાચું છે કે 'જગરનોટ' જેવા અનેક શબ્દો અંગ્રેજોએ ઊડિયામાંથી ઉછીના લીધા છે.
અંતે...
હું નિશાળે ગયો ન હતો. કારણ કે મારી કેળવણીમાં નિશાળ ખલેલ પહોચાડે તે મને મંજૂર નહોતું.
- માર્ક ટ્વેઈન