Get The App

હાઇકુ... જાપાનીઝ ફૂલમાં ગુજરાતી સુગંધ...

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
હાઇકુ... જાપાનીઝ ફૂલમાં ગુજરાતી સુગંધ... 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

દ રેક પ્રજા પાસે પોતાનો એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર હોય છે. ભારતની પ્રત્યેક ભાષાના લોકસાહિત્યમાં આગવા પ્રકારો જોવા મળે છે. ગુજરાતી લોકસાહિત્ય તો છંદ, દુહા, ચરજ જેવા અનન્ય સાહિત્ય સ્વરૂપોથી રળિયાત છે. ત્યારે આજે એક એવા સાહિત્યપ્રકારની વાત કરવી છે કે જે આમ તો આયાતી પ્રકાર છે પણ આજે ગુજરાતી સાહિત્યનો પોતીકો પ્રકાર બની રહ્યું છે. જેમ ઇટાલીનું સોનેટ ભારતની મોટાભાગની ભાષાઓમાં પોતાની આગવી વિશેષતાઓથી અવતર્યું. પર્શિયન અને ઉર્દૂમાંથી આપણને ગઝલ મળી. તેવી જ રીતે જાપાનમાંથી એક વિશિષ્ટ સાહિત્ય પ્રકાર પ્રાપ્ત થયો તે હાઈકુ. જાપાનનો અતિપ્રસિદ્ધ, જાપાનના ઘર જેવો જ નાનકડો કાવ્યપ્રકાર એટલે હાઇકુ. હાઈકુનું બંધારણ ૫, ૭, ૫નું છે, જે કૂલ મળીને સત્તર અક્ષર થાય. સત્તર અક્ષરનાં આ સંસારમાં કવિએ જે કંઇ કહેવાનું તે પ્રતીકાત્મક રીતે કહેવાનું. એક પીંછીના ત્રણ લાઘવીલસરકાથી આ વિરાટ વિશ્વને જીવંત કરવાનું કાર્ય એટલે હાઈકુ. હાઈકુના મૂળમાં તો જાપાનનીઝેન વિચારધારા જ છે. ઝેન વિચારમાં લાઘવનું અત્યંત મહત્વ છે. ઝેનફિલસુફીમાં એવું કહેવાય છે કે પ્રજા જ્યારે જ્યારે તીવ્રતા અનુભવે છે ત્યારે ત્યારે મૌન થઇ જાય છે. તીવ્ર પીડાનું શિખર મૌનની ટોચ પર અનુભવાય છે. આવે સમયે સત્તર અક્ષર પણ વધી પડે છે. જાપાની હાઈકુમાં ઝેનફિલોસોફી સુંદર રીતે પડઘાય છે.

હાઇકુનું મૂળ 'હોક્કું' શબ્દ છે. જેનો અર્થ પ્રારંભિક કળી થાય છે. અંગ્રેજીમાં તેને 'સ્ટોપ શોર્ટ' કહે છે. જાપાનીઝ મોટાભાગે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે છે. ૨૦૧૭નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ જીતનાર જાપાનીઝ લેખક કાઝુઓઇશીગુરોની કવિતામાં જાપાની હાઈકુ સંસ્કૃતિની સુવાસ અનુભવાય છે.જાપાનમાં તેરમીસદીથી 'હોક્કું' કાવ્યો મળી આવે છે. સત્તરમી સદીમાં જન્મેલા બાશોએ હાઈકુને સર્જકતાના શિખરે પહોંચાડયું. બાશો કહે છે કે 'હાઈકુ એ કોઈ પણ પદાર્થને યથાર્થ દર્શાવી સત્ય પરના પડદાને હટાવી સત્યને ખોલી આપે છે.' હાઈકુકારની સત્ય કહેવાની આ રીત એ કઠોર કે કડવી નથી પણ પ્રાકૃતિક નજાકતથી ભરેલી છે. લાઘવયુક્ત છે. આ લાઘવમાં ઉપમા, ઉપમેય ને ઉપમાન બધું જ વ્યર્થ લાગે. બાશોએ તો હાઈકુ શીખવવા માટે શાળા સ્થાપેલી. આ શાળામાંથી તેને દસ શિષ્યો પ્રાપ્ત થયેલા. આ શિષ્યોએ હાઈકુની પરંપરાને ચાલુ રાખી અને તે જાપાનના દસ દાર્શનિકો તરીકે ઓળખાયા. બાશો પછી અઢારમી સદીમાં હાઈકુ કવયિત્રી ચિયો-નીનાં હાઈકુ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. 'મોર્નિંગ ગ્લોરી' નામના તેના હાઈકુએ તો અંગ્રેજી કવિઓને પણ હાઈકુ લખવા માટે પ્રેરણા આપી. આ જ સમયે યોસાબુસોને હાઈકુને વધુ સૂક્ષ્મતા આપી. તે માનતો હતો કે હાઈકુ એ સત્તર અક્ષર કે અમુક શબ્દોની ગોઠવણ માત્ર નથી. હાઈકુના બે શબ્દો વચ્ચે જે સમાય છે તે ખરેખરું હાઈકુ છે. બુસોનની એક અતિપ્રસિદ્ધ હાઈકુ રચનામાં કેવી સૂક્ષ્મતા છે તે જુઓ ! મંદિરના કાંસ્યઘંટ પર/સ્થિર/નિદ્રાધીન પતંગિયું. આ હાઈકુમાં કેટલા બધા રંગો છે, કેટકેટલા ધ્વનિઓ છે ! આ હાઈકુ વાંચીને લાગે કે વિસ્મય, ઉદ્ગાર અને વાસ્તવનું બિલ્વપત્ર એટલે હાઈકુ. હાઈકુ કવિકાઝુઓ સા કહે છે કે ‘‘Haiku is a portry of Ah-ness’’ કવિતામાં આહ અને વાહ બંને હોઈ શકે છે. હાઈકુમાં 'આહ' હોય છે. વાહને અહીં બહુ અવકાશ નથી. અલંકારયુક્ત ભાષા કે ઉપમાઓથી આંજી દેવા કરતા સરળતાથી યથાર્થને માંજવાનું કામ કરે છે હાઈકુ. ઘણાને એમ લાગતું કે હાઈકુ લખવા એ ડાબા હાથનો ખેલ છે. પરંતુ ઇસ્સાએ સાબિત કર્યું કે હાઈકુ તો પરાઇ પીડને જાણી સત્તર અક્ષરમાં, સત્તર સેકન્ડમાં કવિએ ડાબા હાથે મારેલી લપડાક છે. ઇસ્સા એ નર્મદની જેમ વિદ્રોહી કવિ હતો. ઇસ્સાએ પોતાના હાઈકુમાં સમાજના પ્રશ્નો અને પીડાને પ્રકટાવી એક નવી કેડી કંડારી અને તેને લીધે જ જાપાનના સર્વાધિક લોકપ્રિય હાઈકુ કવિ તરીકે તે આજે પણ વંચાય છે. કોબાય સીઇસ્સા લખે છે કે 'માણસોનું તો સમજ્યા/પણ આ દિવસોમાં/ચાડીયાઓય નથી હોતા ટટ્ટાર.' કવિને વસંતનો વૈતાલિક કહેવામાં આવે છે. શિકિ એ હાઈકુની વસંતનો વૈતાલિક છે. શિકિએ અર્વાચીન હાઈકુમાં આદ્ય છે. તેણે હાઈકુની જૂની પરંપરાનું ખંડન કરી નવીનતાના મંડાણ કર્યા. માત્ર પાંત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર શિકિએ હાઈકુને વિશ્વ કવિતાના શિખર પર પ્રતિષ્ઠિત કરી આપ્યું. ગુજરાતીમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ગણાય છે. હાઇકુને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરાવમાં કવિશ્રી સ્નેહરશ્મિનો ફાળો મહત્ત્વનો છે. ગુજરાતીમાં હાઈકુની એ રીતે શરૂઆત ૧૯૬૫માં થઇ કહેવાય. તેના પ્રથમ પ્રયોજક સ્નેહરશ્મિ હતા. તેમણે એક સાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા તેની સાથે કવિ રાજેન્દ્ર શાહ, ઉશનસ, પ્રિયકાન્ત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ, ધનસુખલાલ પારેખ જેવા અનેક કવિઓએ જાપાનીઝ ફૂલોમાં ગુજરાતી સુગંધ ભરી છે અને ગુજરાતી ભાવકોએ તેને માણી છે, વખાણી છે. એક સમયે ગુજરાતી ભાષામાં હાઈકુનું કીડીયારું ઉભરાયું હતું ત્યારે ચુનીલાલ મડિયાએ મજાકમાં કહેલું કે હાઈકુ કાયકુ. ગુજરાતી ભાષામાં આજે કવિતાનું સર્જન ફૂલ્યું-ફાલ્યું છે. પણ હાઈકુ જોઇએ એટલા અને જોઇએ તેવા રચાતા નથી. શું અત્યારનાં ગુજરાતી કવિઓને પણ લાગે છે કે 'હાઈકુ કાયકુ' ?

અંતે...

હિમશિખરે

ગયો હંસલો વેરી

પીંછા રંગીન

- સ્નેહરશ્મિ

Tags :