Get The App

ક કવિતાનો ક... .

Updated: Oct 3rd, 2023

GS TEAM


Google News
Google News
ક કવિતાનો ક...                                              . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

કવિતા એ આપણી એકલતા દૂર કરે છે અને એક પોતીકું એકાંત આપી જાય છે.

ક વિતા એ સમજવા કરતા વધુ અનુભૂતિનો વિષય વધુ છે.. તેથી જ કોલરીજ કહે છે કે ‘Poetry gives most pleasure when only generally and not Perfectly understood'. . સૌને પોતપોતાના અર્થો હોઈ શકે તેવું સમજવા છતાંય થયું કે સૌને હાથવગા અને કેટલાકને હૈયાવગા એવા આ પ્રસિદ્ધ સાહિત્ય સ્વરૂપમાં લાવો આજે ડૂબકી મારી જ લઈએ. 'काव्यालंकार'નાં રચયિતા भामः એ સૌ પ્રથમ વખત કાવ્યની વ્યાખ્યા આપી છે.शब्दार्थो सहितौ काव्यम् ।' વિશ્વનાથ નામના કાવ્યશાસ્ત્રી કાવ્યની વ્યાખ્યા 'साहित्यदर्पणस्त्र'માં કરતાં કહે છે,  'वाक्यं रसात्मक काव्यम् ' હેમચંદ્ર કાવ્યની વ્યાખ્યા ક આમ આપે છે. 'अदोषौ सगुणो सालंकारो च शब्दार्थो  काव्यम् ।' અર્થાત્- દોષહીન, સગુણી, સુઅલંકૃત શબ્દ તે કાવ્ય. કાવ્યસર્જન એ માત્ર જ્ઞાાન અર્જિત કરવાથી કે કોઈનું શીખવ્યું શીખી શકાતું નથી. કવિતા માટે વર્ડ્સવર્થ કહે છે, 'કવિતા જ્ઞાાનનો શ્વાસોચ્છવાસ છે.' 

કવિતામાં ડૂબનાર મધદરિયે તરી શકે છે અને અનેકોને તારી પણ શકે છે. કવિતા એ આપણી એકલતા દૂર કરે છે અને એક પોતીકું એકાંત આપી જાય છે. Give me my lonelinessમાં જે ભાવ રહેલો છે તે શબ્દાતીત છે. શબ્દથી શબ્દાતીત જવાની યાત્રા એ કવિતા છે. શબ્દાતીત એવી કવિતામાં એક લય રહેલો છે. કાવ્યાલય એ મનુષ્ય માત્રનો આત્મલય છે અને એક ઉત્તમ કવિતા જ આપણને આ આત્મલયની પ્રતીતિ કરાવી શકે. તેથી જ ગુરુદેવ ટાગોરે કહ્યું હતું કે - 'માનવેર જીર્ણ વાક્યે મોર છંદ દિબે નવસૂર. માનવીના ચિત્ત કોષમાં આદિ વિશ્વની જે સ્મૃતિ સંચિત થઈને પડી છે તે કવિતાના લયમાં ઘૂંટાય છે. આ આદિસ્મૃતિના આંતરસંધાનથી જ શ્રી અરવિંદ ઘોષ સાવિત્રી જેવા મહાકાવ્યની રચના કરી શક્યા હશે. તેથી જ યેટ્સ જેવા મહાન કવિ કાવ્યાલયને જ કાવ્યનું પ્રતીક ગણે છે. 

પ્રત્યેક કવિતાને પોતાનો લય હોય છે. કવિને પણ પોતાનો લય હોય છે. નવા કવિઓ, નવીન કવનો, નવા અવાજો અને નવા લય સાથે કવિતા પ્રજાકીય ચેતનાને ઝંકૃત કર્યા કરે છે. કવિતા સર્જનમાં પ્રેરણા, સંવેદના, કલ્પના, સ્વયંસ્ફૂરતા અને અનાયાસનું તત્ત્વ કામે લાગે છે. નર્મદે કહ્યું હતું તેમ કવિતામાં જોસ્સો પણ હોવો જોઈએ. તો વળી પ્લેટો કહી ગયા છે તેમ, 'કવિતા એ પ્રેરણાત્મક કળા છે.' કોરો કાગળ એ કવિતાનું જન્મસ્થાન છે. કવિતાએ તેની મંજિલરૂપે ભાવકોના કાનથી હૃદય સુધી પહોચવાનું છે. સંસ્કૃત મૂળના कु કે कव ધાતુ પરથી 'કવિતા' શબ્દ આવ્યો છે. આ 'कु' ધાતુનો અર્થ જ થાય છે 'અવાજ કરવો'. કેટલીક કવિતાઓ અવાજની માફક કાને અથડાઈને જતી રહે છે. ક્યારેક વાહ-વાહની આબોહવામાં કવિતાનો અવાજ કાનસ્થ થઇ પડઘાયા કરે છે, પણ તે ભીતર જતો નથી. જ્યારે કેટલીક કવિતાઓ આંતર મનમાં તેની મંઝિલ  સુધી પહોંચે છે ત્યારે રણઝણ ઝાલર બાજેની અનુભૂતિ થાય છે. વીજળીના ચમકારે મોતીડા પરોવવા જેવી આ આંતરપ્રતીતિની ક્ષણે આપણે પોતે પોતાને મળીએ છીએ, આપણામાં ભળીએ છીએ અને ક્યારેક અંદરથી ખળભળીએ છીએ. કવિતા એ મનુષ્યને પોતાની સામેનો મુકાબલો કરવામાં ધારદાર રીતે કામ આવતું શસ્ત્ર અને શાસ્ત્ર છે. એલિયટે એમ જ નહિ કહ્યું હોય કે કવિ તરીકે નીવડવું એટલે આખાય મનુષ્ય તરીકે નીવડવું. કવિતાની ગતિ એ પૂર્ણતાની ગતિ છે.

હાલ ગુજરાતી ભાષામાં એટલી બધી કવિતાઓ લખાય છે કે કવિતાનું દૈનિક શરુ કરીએ તો પણ બધી તો ન જ છાપી શકાય. ગાંઠિયા એ બીજું કંઈ નથી પણ ચણાના લોટની વણેલી કવિતા છે. કેટલાક ત્રાસવાદી સોરી પ્રાસવાદી કવિઓને ન લખવાનો પુરસ્કાર પણ આપવો જોઈએ. આ બધાની વચ્ચે પણ ગુજરાતી કવિતા ભારતીય ભાષાઓ અને વિશ્વ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સંગીતની પાંખે અને ગાંધીની શાખે આપણું વૈષ્ણવજન વિશ્વના ૧૬૩ દેશોમાં ગુંજી રહ્યું છે. નરસિંહની  કરતાલમાં, મીરાના મંજીરામાં, દયારામની ગરબીમાં, અખાના છપ્પામાં, ધીરાની કાફીમાં, ગંગાસતીની ગરવી બાનીમાં ગુજરાતી કવિતાનો દેહ કંડારાયો છે. કાન્તના ખંડ કાવ્યો હવે અખંડ છે. રમેશ પારેખના મન પાંચમના મેળામાં ગુજરાતી કવિતા આનંદથી હિલ્લોળા લ્યે છે. ઉમાશંકરની વિશ્વમાંગલ્યધાત્રી વાણીમાં ગુજરાતી કવિતા વિશ્વ આકાશે પડઘાય છે. કવિતા આપણને હળવા કરે છે અને હલકા થતા બચાવે છે. વિશ્વ કવિતા દિવસે સર્વશુક્લા સરસ્વતીને એક જ પ્રાર્થીએ કે 'હે મા, સરસ્વતી મારી ભાષાને તું એવું વરદાન આપ કે અમારી નવી પેઢીને અમે અમારી ગુર્જર કવિતાના કલરવની ગળથૂથી પીવડાવતા રહીએ.' અમારી આ કવિતા, અમારા સંસ્કારોનું તાવીજ બનીને અમારી, અમારી સંસ્કૃતિની સદૈવ રક્ષા કરતી રહે.

અંતે... 

ગુજરાત સરકારની સંકલ્પના ભાર વગરનું ભણતર જેમ મારે ભાર વગરનો ભગવાન આપવો છે. 

 -મોરારિબાપુ

Tags :