- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- અમેરિકન બાર એસોસિએશને સૈકાઓથી ચાલી આવતી એક લોકોક્તિને પડકારી હતી. એ લોકોક્તિ આ રહી- ધેર ઇઝ નો સચ થીંગ એઝ ધ જજ ઇઝ બિઇંગ રોંગ..
કે ન્દ્ર સરકારે ગયા સપ્તાહે કાયદો અને ન્યાય ખાતાના કેબિનેટ કક્ષાના પ્રધાન કિરણ રિજ્જુ પાસેથી એમનું ખાતું લઇ લીધું અને એમને અન્ય ખાતામાં ખસેડયા. એ માટે એવું કારણ અપાયું હતું કે રિજ્જુ છાશવારે ન્યાયતંત્ર વિશે આકરી ટીકા કરતા હતા. સુપ્રીમ કોર્ટના કેટલાક જજે આ વિશે મિડિયા દ્વારા ફરિયાદ કરી હતી કે એક જવાબદાર કેન્દ્રીય પ્રધાન આ રીતે ન્યાયતંત્રની ટીકા કરી શકે નહીં.
વાસ્તવમાં આ સમસ્યા લગભગ આખી દુનિયાના ન્યાયતંત્રમાં પ્રવર્તી રહી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં બનેલી તાજેતરની ઘટના આ વાતનો જીવંત પુરાવો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મુક્ત કર્યા કે તરત પાકિસ્તાની સરકારના પ્રધાનોએ પાકિસ્તાનના હાલના ચીફ જસ્ટિસને મા-બહેન સમાણી ગાળો આપવા માંડી હતી. પાકિસ્તાની લશ્કરના વડાએ પણ ચીફ જસ્ટિસ માટે એવી જ ગંદી ભાષા વાપરી હતી.
ભારત પાકિસ્તાન જેવા બીજા દેશોની વાત તો સમજ્યા, જગત જમાદાર બની બેઠેલા અમેરિકામાં પણ આવી ઘટના બનતી રહે છે. અમેરિકી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટસે તાજેતરમાં મિડિયા સમક્ષ હૈયાવરાળ કાઢી હતી. તેમણે કહ્યું કે જાહેરમાં ન્યાયતંત્રની આ પ્રકારની ટીકાથી જજોની લાગણી દૂભાય છે.
અત્રે ભારતના એક નિવૃત્ત ચીફ જસ્ટિસને યાદ કરવા જોઇએ. ઘણું કરીને જસ્ટિસ વાય કે સભરવાલે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જજ પણ તમારા જેવો હાડમાંસનો બનેલો માણસ છે. જજને પણ પોતાની અંગત સમસ્યાઓ હોય છે. ક્યારેક જજ પણ ભૂલ કરી બેસે.
જસ્ટિસ સભરવાલનો આ અભિપ્રાય ખૂબ મહત્ત્વનો છે. આપણે મોટે ભાગે બ્રિટિશ જમાનાના કેટલાક કાયદાઓ હજુ ચાલુ રાખ્યા છે. આપણી ન્યાયપદ્ધતિ પણ બ્રિટન જેવી છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે છેક વડા પ્રધાન ઇંદિરા ગાંધીના સમયથી આપણી અદાલતોમાં વસતિના પ્રમાણમાં પૂરતા જજો નથી. જે જજો છે એ સરકારના કહ્યાગરા બની રહે એવી અપેક્ષા ઇંદિરાજીના શાસનકાળથી ચાલતી આવી છે. એવા કહ્યાગરા માણસો ન મળે ત્યાં સુધી અદાલતોમાં જજોની વરણી થતી નથી.
ઔર એક વાત. એકવાર જજની ખુરસી પર બેઠાં પછી કેટલાક માનનીય ન્યાયમૂર્તિઓ એવી માનસિકતા કેળવે છે કે અમે રાષ્ટ્રપતિ સિવાય કોઇને જવાબ આપવા બંધાયેલા નથી. જજોની સ્વતંત્રતાની આ માન્યતા કોઇ પણ સરકારને ગમતી નથી.
અમેરિકામાં વિવાદ થયો એ પહેલાં છેક ૨૦૧૬માં અમેરિકન બાર એસોસિએશને સૈકાઓથી ચાલી આવતી એક લોકોક્તિને પડકારી હતી. એ લોકોક્તિ આ રહી- ધેર ઇઝ નો સચ થીંગ એઝ ધ જજ ઇઝ બિઇંગ રોંગ.. (સરળ ભાષામાં કહીએ તો જજ ખોટા હોય એવું કશું જ નથી અથવા જજ કદી ખોટા હોઇ શકે નહીં...) કાયદો ભણેલા અને જાણતા લોકોને ખબર છે કે યુ આર રોંગ યોર ઓનર (તમે ખોટા છો સાહેબ ) એવું કદી જજને કહી શકાય નહીં. અમેરિકી બાર એસોસિયેશને (એબીએ) આ લોકોક્તિને પડકારી હતી. આ સભામાં થયેલી ચર્ચા વિશે તો એક દળદાર પુસ્તક લખી શકાય. પરંતુ ટૂંકો ને ટચૂકડો સાર એટલો જ કે જજ પણ આખરે તો માણસ છે. ક્યારેક અદાલતમાં પોતાની ફરજ બજાવતી વખતે એનાથી પણ ભૂલ થઇ શકે.
એબીએ દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આમ આદમીને સ્પર્શતા મુદ્દાના ચુકાદામાં ભૂલ હોય એને સુધારી લઇ શકાય એવી હોય તો એ દિશામાં પગલાં લેવાવાં જોઇએ. ગંભીર ભૂલ હોય તો એને કઇ રીતે પડકારવી એનો આધાર જે તે દેશના બંધારણનો અભ્યાસ કરીને શોધી કાઢવો જોઇએ. રાષ્ટ્રીય કટોકટી જેવો વિષય હોય તો જજને સંસદ દ્વારા ઠપકો આપી શકાય. ભારત જેવા લોકશાહી દેશમાં સંસદનાં બંને ગૃહો સંમત થાય તો જજને ઠપકો આપી શકાય. એને અંગ્રેજીમાં ઇમ્પીચમેન્ટ કહે છે. ભારતના બંધારણની ૧૨૪ (૪) અને ૧૨૪(૫) કલમ હેઠળ જજને ઠપકો આપી શકાય. ભારતમાં અત્યાર અગાઉ એક હાઇકોર્ટના અને સુપ્રીમ કોર્ટના એક જજ સામે ઇમ્પીચમેન્ટનું પગલું લેવાયું હતું. જો કે એક્કે જજને પદભ્રષ્ટ કરાયા નથી.
અમેરિકી ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટસ્ની દલીલ એવી હતી કે જજોની જાહેરમાં ટીકા ન થવી જોઇએ. ભારતમાં આ વાત સાથે કોઇ સંમત નહીં થાય. રામ મંદિર અંગેનો ચુકાદો આપનારા જજની મોટા ભાગના વિપક્ષી નેતાઓએ ટીકા કરી હતી. ખાસ કરીને પોતાને માનવ અધિકારવાદી અને સેક્યુલર ગણતા લોકોની આ પરંપરા રહી છે. પોતાની તરફેણમાં ચુકાદો ન આવે ત્યારે આ લોકો મિજાજ ગુમાવી બેસે છે અને અવિચારી નિવેદનો કરવા માંડે છે. પોતાના બેફામ વિધાનોને આ લોકો પાછા વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કર્યા સમાન ગણાવે છે. આ મુદ્દે દળદાર પુસ્તક લખી શકાય.


