રોગની આગાહી જોષીમહારાજ જ નહિ, આંખની તસવીર પણ કરે!
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- ડોક્ટર બ્રાયન વિલિયમ્સના કહેવા મુજબ આ સંશોધન આવનારી તકલીફ વિશે એક્યુરેટ માહિતી પૂરી પાડે છે
આ શરે આવતા દસ વર્ષમાં તમને હાર્ટ અટેક કે સ્ટ્રોક (લકવાની અસર) થશે કે કેમ એની આગોતરી માહિતી મળી શકે ? આ સવાલનો જવાબ હકારમાં મળે તો તમે માની શકો ખરા ? આ કોઇ જ્યોતિષીની આગાહીની વાત નથી. આરોગ્ય સામે આવી રહેલા ખતરાની સો ટકા સચોટ આગાહી કોઇ જોશીભુવા ભાગ્યે જ કરી શકે. પરંતુ આરોગ્ય વિજ્ઞાન હવે નીત નવી હરણફાળ ભરી રહ્યું છે. એક લેટેસ્ટ સંશોધન મુજબ તમારી આંખની પૃષ્ઠભૂમિનો એક સીધોસાદો ફોટોગ્રાફ તમને કહેશે કે ભવિષ્યમાં તમને હાર્ટ પ્રોબ્લેમ કે સ્ટ્રોક હેરાન કરી શકે છે.
આ દિશામાં સંશોધન કરનારા વિજ્ઞાનીઓ કહે છે કે તમે આંખના ડોક્ટર કે ક્વોલિફાઇડ ચશ્માવાળાને ત્યાં જાઓ. તમારી આંખોની પૃષ્ઠભૂમિનો ફોટો લેવડાવો. એ તમારા પરિચિત ફેમિલિ ડોક્ટરને દેખાડો. એ તમને કહેશે કે આ ફોટોગ્રાફ શું સૂચવે છે. આ ફોટોગ્રાફનું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા પૃથક્કરણ થતાં તમને આવી રહેલી બીમારીનો અણસાર મળી જશે. આ દિશામાં થયેલા પ્રયોગો સિત્તેર ટકાથી વધુ સાચા પુરવાર થયા છે. હજુ સઘન સંશોધન ચાલી રહ્યું છે. દિવસે દિવસે એમાં થઇ રહેલી પ્રગતિ વિજ્ઞાનીઓ નોંધી રહ્યા છે.
યુનિવર્સિટી ઓફ ડંડીના સંશોધક ડોક્ટર આઇફી મોર્ડીએ આ દિશામાં થઇ રહેલા પ્રયોગો વિશે માહિતી આપતાં જણાવ્યું કે આપણે જે રીતે મહત્ત્વના દસ્તાવેજો કે અન્ય સામગ્રી સ્કેન કરીએ છીએ એ રીતે આ એક પ્રકારનું સ્કેનિંગ છે જે તમને આવી રહેલી બીમારીનો અણસાર આગોતરો આપી દે છે. આ આખી પ્રક્રિયા એક મિનિટમાં પૂરી થઇ જાય છે. આંખની પાછળનો ફોટોગ્રાફ લેવાનો છે. આવનારાં વરસોમાં આ પ્રક્રિયા નજીવા ખર્ચે થઇ શકે.
આવું શી રીતે બને છે એ સમજાવતાં ડોક્ટર મોર્ડીએ કહ્યું કે હૃદય દ્વારા આખા શરીરમાં રક્તાભિસરણ થાય છે. આપણું હૃદય કુદરતે આપેલો એક પંપ છે. હૃદય સાથે નાની મોટી કેટલીક રક્તવાહિનીઓ જોડાયેલી છે. હૃદયની રક્તવાહિનીઓમાં કોઇ પ્રકારનો સહેજ પણ ફેરફાર થાય તો રક્તાભિસરણની પ્રક્રિયામાં ખલેલ પહોંચે. શરીરના વિવિધ ભાગોમાં ફરતા લોહીના પ્રવાહનો વેગ અને સઘનતાને અસર પહોંચે. અન્ય અંગોની સાથોસાથ આંખોમાં જતા લોહીના અને ઓક્સીજનના પુરવઠાને પણ અસર થાય. પેશન્ટની દ્રષ્ટિ અવરોધાઇ શકે. આ પ્રક્રિયામાં આંખની પૃષ્ઠભૂમિનો ફોટોગ્રાફ લઇને સ્કેન કરતાં જ નિષ્ણાત તબીબને ખ્યાલ આવી જાય કે પેશન્ટને નજીકના કે દૂરના ભવિષ્યમાં કેવી તકલીફ થઇ શકે છે. એવી કોઇ તકલીફ સર્જાય એ પહેલાં ડોક્ટર જરૂરી પ્રિવેન્ટીવ પગલાં લઇ શકે.
ડોક્ટર મોર્ડી બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના રિસર્ચ ફેલો છે. આ સંશોધનના ભાગ રૂપે તેમણે ડાયાબિટિસના બારસોથી વધુ દર્દીઓના જૂનાં સ્કેન એકઠા કરીને આટફિશ્યલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર દ્વારા અભ્યાસ કર્યો હતો. દર દસમાંથી સાત દર્દીઓના કિસ્સામાં એવા અણસાર મળ્યા હતા કે એમને આવી રહેલા દસ વર્ષમાં હાર્ટ પ્રોબ્લેમ કે સ્ટ્રોકની શક્યતા ઘણી વધુ હતી.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર બ્રાયન વિલિયમ્સના કહેવા મુજબ આ સંશોધન આવનારી તકલીફ વિશે એક્યુરેટ માહિતી પૂરી પાડે છે. પરિણામે આગ લાગે એ પહેલાં કૂવો ખોદવાની અથવા કહો કે બીમારી આવે એ પહેલાં અગમચેતીનાં પગલાં લેવાનો મોકો પૂરો પાડે છે. આ સંશોધનનો લાભ સમગ્ર માનવજાતને બહુ નજીકના ભવિષ્યમાં મળતો થઇ જશે. આરોગ્ય સામે તોળાતા ભય સામે આ સંશોધન સાવચેતીની સાયરન વગાડે છે. આવાં સંશોધનો સમગ્ર માનવજાત માટે ઉપકારક નીવડે છે.