- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- ક્રિકેટ મેચ માણવા આવતો દરેક વિદેશી સમયસર અહીંથી પાછો જાય અને અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં અદ્રશ્ય ન થઇ જાય એ માટે ચોકન્ના રહેવું જરૂરી છે
આ જે ત્રીસમી ઓગષ્ટ. બરાબર પંદર દિવસ પછી એટલે કે ૧૪ ઓક્ટોબરે આઇસીસી વર્લ્ડ કપ ક્રિકેટ સિરિઝમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. અખબારી અહેવાલો મુજબ અમદાવાદની તમામ હોટલો, ગેસ્ટ હાઉસિસ, બંગલા-વીલા અને વસવાટ યોગ્ય અન્ય રહેઠાણો આસમાની ભાડાં સાથે બુક થઇ ચૂક્યાં છે. આવી ઉત્તેજનાત્મક સ્પર્ધા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે અમદાવાદ પોલીસે કમર કસવી પડશે.
પરંતુ હેડિંગમાં સાવધાન રહેવાની જે વાત કરી છે એ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના આંકડા મુજબ ૨૦૨૦માં આશરે ૪૦ લાખ વિદેશીઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. એમાંના વીસેક ટકા લોકો પોતપોતાના દેશમાં પાછાં ફર્યા નહોતા. કેટલાક લોકો અહીં ધામા નાખીને રહી પડયા હતા. વિદેશીઓ અને ખાસ તો પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી નાગરિકો ખ્વાજા ગરીબનવાઝ કે હજરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ પર સલામ-મુજરા કરવાના નામે વીઝા મેળવીને દેશમાં પ્રવેશે છે. પછી અલોપ થઇ જાય છે. એમને સ્થાનિક સંબંધીઓ અને પોલિટિશ્યનો અહીં વસાવી દે છે. ત્યારબાદ ઘરઆંગણાના નાગરિકોએ સહેવું પડતું હોય છે.
હવે આ આંકડા વાંચો. ૨૦૧૪ના ડિસેંબરની ત્રીજી તારીખે સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ અજમેર શરીફની યાત્રાએ આવેલા કે કૌટુંબિક લગ્નપ્રસંગના બહાને આવેલા ચાલીસ હજારથી વધુ પાકિસ્તાનીઓ વીઝા પૂરા થયા પછી પણ પાકિસ્તાન પાછા ગયા નહોતા. વીઝા અરજીમાં એમણે આપેલા સરનામે પોલીસે તપાસ કરી ત્યારે ત્યાં એ લોકોનો અતોપતો લાગ્યો નહોતો. એમાંના પચાસ ટકાથી વધુ પાકિસ્તાનીઓ રાજસ્થાનમાં રહી પડયા હતા. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આ પાકિસ્તાનીઓએ ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હતી. આ તો સરકારી આંકડા છે. વાસ્તવિકતા કેવી હોઇ શકે એ તમે કલ્પી શકો છો.
અત્રે એ યાદ રહે કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં લંઘા અને મીણા તરીકે ઓળખાતા સંગીતકારો વસે છે. આ લોકો જન્મજાત ગાયક-વાદક હોય છે. એક જ દાખલો આપું છું.જગપ્રસિદ્ધ ગઝલગાયક મહેંદી હસન રાજસ્થાનના હતા અને દેશની આઝાદી વખતે પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. એવા ઘણા કલાકારો રાજસ્થાનમાં વસે છે જે સહેલાઇથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અવરજવર કરતા રહે છે.
ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ વખતે હજારો પાકિસ્તાનીઓ મેચ માણવાના વીઝા લઇને આવે છે અને પછી જે શહેરમાં મેચ હોય એની ગલી-કૂંચીઓમાં અદ્રશ્ય થઇ જાય છે. એવા પાકિસ્તાનીઓમાં આતંકવાદીઓ પણ હોઇ શકે, બદનામ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ગુપ્તચરો પણ હોઇ શકે. એ લોકો ભારતીય લશ્કરના અધિકારીઓ જેને સ્લીપીંગ સેલ કહે છે એવા સ્થાનિક સંબંધીઓની મદદથી અત્ર તત્ર ભાંગફોડ કરી શકે.
આ વખતે વધુ સાવધ રહેવાની જરૂર એટલા માટે છે કે ૨૦૨૪માં આવી રહેલી સંસદીય ચૂંટણી આડે હવે ફક્ત થોડાક મહિના બાકી રહ્યા છે. ક્રિકેટ મેચ ન હોય ત્યારે પણ સતત ઘુસણખોરી તો થતી જ રહે છે. આપણા કમનસીબે દેશના એક કરતાં વધુ રાજ્યમાં પાકિસ્તાનને જોડતી સરહદો આવેલી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ. ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીરમાં પાકિસ્તાન તેમજ ચીનને જોડતી સરહદો આવેલી છે.
એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ઇન્ડો તિબેટીયન ફોર્સના જવાનોના પગાર ધોરણ એટલા ઓછા છે કે માત્ર પંદરસો રૂપિયા ચૂકવીને કોઇ વિદેશી ભારતમાં ઘુસી શકે છે. વાંચો ફરીથી. માત્ર પંદરસો રૂપિયા આપીને કોઇ પાકિસ્તાની કે બાંગ્લાદેશી દેશમાં ઘુસી શકે છે. આમ પણ ગુજરાત સહિત દેશના લગભગ દરેક રાજ્યમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ, રોહિંગ્યા મુ્સ્લિમો અને બીજા શંકાસ્પદ લોકો રહે છે. આવા ઘુસણખોરોને પોતાની વોટ બેંક સમજીને સ્થાનિક પોલિટિશ્યનો એમને રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવી સુવિધા મેળવી આપે છે.
આ સંજોગોમાં ક્રિકેટના બહાને ભલે કાયદેસરના વીઝા લઇને અમદાવાદ આવતા તમામ પાકિસ્તાનીઓ ક્રિકેટ સ્પર્ધા પૂરી થતાં અને પોતાના વીઝાની મુદત પૂરી થતાં પાછા જાય એ જોવાની આપણા સૌની જવાબદારી છે. એકલું પોલીસ દલ કે લશ્કર બધે પહોંચી વળે નહીં. ક્રિકેટ મેચ માણવા આવતો દરેક વિદેશી સમયસર અહીંથી પાછો જાય અને અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં અદ્રશ્ય ન થઇ જાય એ માટે ચોકન્ના રહેવું જરૂરી છે. ક્રિકેટ રસિક હોવાના અંચળા હેઠળ અસામાજિક તત્ત્વો અને ભાંગફોડિયા પરિબળો ગુજરાતમાં ઘુસી જાય તો ચૂંટણી પહેલાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે એવી પૂરી શક્યતા નકારી શકાય નહીં.


