સૌથી ખતરનાક માફિયાની ડોક્યુમેન્ટરી .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- જેટલું ડ્રગ એક સ્થળે પકડાય છે એના કરતાં અનેકગણું ડ્રગ બીજા સ્થળે ઠલવાઇ જાય છે
જ ગવિખ્યાત ક્રાઇમ સ્ટોરી લેખક મારિયો પુઝોની ગૉડફાધર નવલકથા લગભગ દરેક ક્રાઇમ સ્ટોરી રસિકે વાંચી હશે. એના પરથી એ જ નામે બનેલી હોલિવૂડની ફિલ્મ પણ મોટા ભાગના લોકોએ જોઇ હશે. યૂરોપના દેશોમાં જે રીતે ગુનેગારોની ટોળીઓ આતંક મચાવે છે એની ઝલક આ નવલકથા અને ફિલ્મમાં જોવા મળે. આજે પણ ખરીખોટી એવી માન્યતા છે કે સૌથી ખતરનાક માફિયા ગેંગ ઇટાલીમાં છે. જો કે છેલ્લાં થોડાં વરસથી આપણું માનીતું ગુજરાત રાજ્ય ડ્રગની હેરાફેરીનું કેન્દ્ર બની ગયું હોય એવું લાગે છે. લગભગ રોજ ગુજરાતના કોઇ ને કોઇ સ્થળેથી કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે. આ ક્ષેત્રના અનુભવી લોકો માને છે કે જેટલું ડ્રગ એક સ્થળે પકડાય છે એના કરતાં અનેકગણું ડ્રગ બીજા સ્થળે ઠલવાઇ જાય છે. જે ડ્રગ પકડાય છે એ પોલીસ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિવ બ્રાન્ચની આંખમાં ધૂળ નાખવા માટે ઇરાદાપૂર્વક પકડાવવામાં આવે છે.
આ માહૌલમાં જગવિખ્યાત બીબીસી સંસ્થાએ તાજેતરમાં બનાવેલી એક દસ્તાવેજી ફિલ્મ યૂરોપ અમેરિકામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રિપબ્લિક ઑફ આયર્લેન્ડના મૂળ એક ગેંગ લીડર અને એની ગેંગની વિકાસકથા કહી શકાય એવી આ દસ્તાવેજી ફિલ્મને યૂરોપિયન મિડિયાએ મિશ્ર પ્રતિભાવ આપ્યા છે. મિડિયાને એક ભાગે દસ્તાવેજીને બિરદાવી છે તો બીજા હિસ્સાએ ટીકા કરતાં લખ્યું છે કે એક ખતરનાક અને સમાજદ્રોહી માફિયા ગેંગને મહત્ત્વ આપે એવી આ દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો તમારો હેતુ શો છે ?
આ ખતરનાક ગેંગ ડબ્લીન ક્રાઇમ ફેમિલીના નામે બદનામ છે. ક્રીસ્ટી કીનાહન એનો ગાડફાધર છે. ક્રીસ્ટીના બંને પુત્રો પણ પિતાના અપરાધી એમ્પાયરના સાથીદારો છે. આપણે ત્યાં ઇબ્રાહિમ કાસકર મુંબઇ પોલીસનો એક નેક પોલીસ કોન્સ્ટેબલ હતો. પણ એના પુત્ર દાઉદ ઇબ્રાહિમે અપરાધીઓની એક ટોળી બનાવી. એના પગલે ઇબ્રાહિમ પરિવારના બીજા સભ્યો પણ ગેંગના સભ્યો બની ગયા. અત્યારે દાઉદ હયાત નથી એવી વાતો અવારનવાર વહેતી થાય છે. એક અભિપ્રાય મુજબ દાઉદનો અબજો રૂપિયાનો ડ્રગનો કારોબાર એનો ભાઇ છોટા શકીલ સંભાળે છે. ક્રીસ્ટી કુનાહન અપરાધી ગેંગનો બોસ બન્યો એ પહેલાં સામાન્ય ટપોરી હતો. ૧૯૮૦ના દાયકાની આખરમાં એ કોઇ ગુના સબબ જેલમાં હતો ત્યારે એનો સંપર્ક ડ્રગ માફિયાઓ સાથે થયો. જેલમાંથી બહાર આવ્યા પછી ક્રીસ્ટી કીનાહન શી રીતે કીનાહન ગેંગનો બોસ બન્યો એની વાત આ દસ્તાવેજી ફિલ્મમાં છે.
રસપ્રદ વાત એ છે કે કીનાહન અને એની ગેંગ ઇંગ્લેંડનો એક હિસ્સો મનાતા નોર્થ આયર્લેન્ડ સાથે સંકળાયેલો હતો પરંતુ એના અપરાધો એટલા બધા દેશોમાં વિસ્તરેલા છે કે અત્યારે ક્રીસ્ટી કીનાહન અને એના બંને દીકરાઓના દરેકના માથા પર એકલા અમેરિકામાં પચાસ પચાસ લાખ ડોલરનાં ઇનામો બોલે છે. ક્રીસ્ટીનું આખું નામ ક્રિસ્ટોફર કીનાહન છે. એના બે પુત્રો ક્રીસ્ટી જુનિયર અને ડેનિય પિતાની સાથે સંખ્યાબંધ અપરાધોમાં સંડોવાયેલા છે. ડ્રગની હેરાફેરી, નાણાંની ઉચાપત, ખંડણી, ગેંગવોર અને હત્યાઓ આ લોકો માટે લખોટી રમવા જેવી વાત છે. માણસને ઠાર કરવો એ આ લોકો માટે માખી-મચ્છર મારવા જેવી રમતો છે.
દસ્તાવેજી ફિલ્મમાં એવો દાવો પણ કરાયો છે કે લગભગ આખા યૂરોપમાં, અમેરિકા અને ઇંગ્લેંડમાં તથા દૂબઇમાં આ લોકોનો વિરાટ કારોબાર છે અને આ ગેંગમાં સેંકડો શૂટર્સ સભ્ય છે. ગેંગ એની હરીફ ગેંગ હચના નામે ઓળખાય છે. આ બંને ગેંગ વચ્ચે અવારનવાર ગેંગ વોર થાય છે જ્યારે કીનાહનના શૂટર્સ કીડીમંકોડીની જેમ હચ ગેંગના માણસોને શૂટ કરી નાખે છે. બીબીસીની દસ્તાવેજી ફિલ્મનું ટાઇટલ છે- કીનાહનઃ ધ ટ્રુ સ્ટોરી ઑફ આયર્લેન્ડસ્ માફિયા. રસપ્રદ વાત એ છે કે ગેંગનો બોસ ક્રીસ્ટી કીનાહન પોતે જેલમાં એક કરતાં વધુ વખત જઇ આવ્યો છે પરંતુ એની ગેંગનું આયોજન એટલી વ્યવસ્થિત રીતે કરે છે કે એના બંને પુત્રો ડેનિયલ અને ક્રીસ્ટી જુનિયર આજ સુધી કદી ક્યાંય પકડાયા નથી. એવી લોકવાયકા છે કે ડેનિયલ ક્યારે ક્યાં હોય છે એની જાણ ક્રીસ્ટી જુનિયરને હોતી નથી. એજ રીતે ક્રીસ્ટી જુનિયર ક્યારે ક્યાંે હોય છે એની જાણ ડેનિયલને હોતી નથી. સમગ્ર ગેંગના દરેક ટપોરી પર એકમાત્ર ડોન એટલે કે ક્રીસ્ટી સિનિયરની બાજનજર હોય છે. એ એવી જડબેસલાખ રીતે ગેંગનું સંચાલન કરે છે કે ગેંગની એક શાખાને બીજી શાખા કયા વિસ્તારમાં કઇ અપરાધખોરી કરી
રહી છે એની જાણ કોઇ કહેતાં કોઇને હોતી નથી. માત્ર અને માત્ર ક્રીસ્ટી સિનિયર ઝીણામાં ઝીણી વિગતોથી વાકેફ હોય છે. એ જે જે દેશમાં જુદા જુદા અપરાધો આચરે છે એ દરેક દેશના પોલીસ તંત્રમાં એના ચબરાક માણસો ગોઠવાયેલા હોય છે. પોલીસની બે આંખ સામે ચોરની ચાર આંખ હોય છે એવી લોકવાયકાને યથાર્થ રીતે સમજવી હોય તો કીનાહનની કારકિર્દી ધ્યાનમાં લેવી પડે. બીબીસીની આ દસ્તાવેજી ફિલ્મે સારી એવી ચકચાર જગાડી છે.