Get The App

રઝળતા રોહિંગ્યાનાં કૂળ-મૂળ .

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
રઝળતા રોહિંગ્યાનાં કૂળ-મૂળ                                 . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- બર્મીઝ ભાષામાં આ લોકોને રુઇ હાંગ ગ્યા કહેવામાં આવે છે. આ શબ્દો ઘસાઇ ઘસાઇને રોહિંગ્યા થઇ ગયા

આ પણે દર બીજે દિવસે અખબારોમાં વાંચીએ છીએ કે આસામમાં રોહિગ્યાની ઘુસણખોરી, પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યાની વસતિમાં વધારો, મિઝોરમમાં રોહિંગ્યાને આધાર કાર્ડ આપનારો ઝડપાયો વગેરે. આવા સમાચાર વાંચતી વખતે આપણા મનમાં એક ગેરસમજ વધતી રહે છે કે આટલા બધા મુસ્લિમો આવ્યા ક્યાંથી ? રોહિંગ્યા લોકો વિશે તાજેતરમાં એક વિસ્તૃત લેખ વાંચવામાં આવ્યો. એની માહિતી રસપ્રદ લાગી એટલે લેખનો સાર તમારી સમક્ષ રજૂ કર્યો છે.

સૌથી પહેલાં રોહિંગ્યાનો અર્થ સમજી લેવા જેવો છે. આજે મ્યાનમાર તરીકે ઓળખાતા પાડોશી દેશનું મૂળ નામ બર્મા હતું. રોહિંગ્યા એટલે વંશીય પ્રજાનું એક એવું જૂથ જે બર્માના રખાઇન નામના પ્રાંતમાં સૈકાઓથી વસતું હતું. બર્મીઝ ભાષામાં આ લોકોને રુઇ હાંગ ગ્યા કહેવામાં આવે છે. આ શબ્દો ઘસાઇ ઘસાઇને રોહિંગ્યા થઇ ગયો. આ લોકો બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારમાં મોટે ભાગે બોલાતી ચિત્તાગોનિયન ભાષા બોલે છે. આ ભાષામાં બાંગ્લા દેશના બંગાળી શબ્દો પણ ઘુસી ગયા છે એટલે આમ જુઓ તો આ મિશ્ર ભાષા કે બોલી છે.

હવે એક મહત્ત્વની વાત. રોહિંગ્યા એટલે સોએ સો ટકા મુસ્લિમો એમ નહીં. જો કે દસમાંથી સાત રોહિંગ્યા મુસ્લિમો છે એટલે દુનિયાભરમાં રોહિંગ્યા એટલે મુસલમાનો એવો અર્થ રૂઢ થઇ ગયો છે. બાકી રોહિંગ્યા લોકોમાં બંગાળી હિન્દુઓનો પણ સમાવેશ  થાય છે. આ એક રઝળતી જાતિ છે, વણઝારા કે જિપ્સી જેવી. આ લોકો શાકાહારી અને માંસાહારી બંને છે. અઠવાડિયે એકાદ બેવાર માંસાહારી વાનગીઓ ખાય છે. બાકી શાકાહારી છે. આ  એક એવી પ્રજા છે જે સૈકાઓથી સતત શોષિત અને પીડિત રહી છે. સેંકડો વરસથી બર્મામાં રહેતી હોવા છતાં આજના મ્યાનમારના શાસકો એવો આક્ષેપ કરે છે કે રોહિંગ્યા બાંગ્લા દેશમાંથી (૧૯૪૭ પહેલાંના અખંડ ભારતમાંથી) અમારે ત્યાં ઘુસી આવ્યા છે. આ આક્ષેપ ખોટો છે. રોહિંગ્યા બર્મામાં છેલ્લાં ચારસો પાંચસો વરસથી રહેતા આવ્યા છે.

મ્યાનમારમાં છેલ્લાં પચાસ પોણોસો વર્ષમાં આ લોકો પર સતત જુલમ-સિતમ ગુજારવામાં આવ્યા છે. તેમની  બહેન બેટીઓ પર ખુલ્લેઆમ બળાત્કાર થાય છે. તેમને પીવાનું પૂરતું પાણી અપાતું નથી. આ લોકો રહેતાં હોય એવી શેરીઓમાં કદી સફાઇ થતી નથી,  જાજરૂઓ બારેમાસ છલકાતાં રહે છે. એમાંય છેલ્લે ૨૦૧૭માં તો આ પ્રજા પર એવા અત્યાચાર કરાયા કે મોટા ભાગના રોહિંગ્યા મ્યાનમાર છોડીને નાસી ગયા. યુનોએ આ લોકોને નિરાશ્રિત જાહેર કર્યા છે. ઉપર આભ અને નીચે ધરતી સિવાય આ લોકો પાસે કોઇ આશ્રય નથી. કોઇ દેશ એમને સ્વીકારવા તૈયાર નથી. એટલે આ લોકો નાગરિકત્વ વિહોણા ગણાય છે.

૨૦૧૭ના અત્યાચારો વખતે જે રોહિંગ્યા સંજોગવશાત્ મ્યાનમાર છોડી શક્યા નહીં એમને અત્યારે ટોર્ચર કેમ્પમાં  રાખવામાં આવ્યા છે. મ્યાનમારમાં અત્યારે આવા ડઝનબંધ ટોર્ચર કેમ્પ છે. હિટલરના સમયમાં જર્મનીમાં જેવા ટોર્ચર કેમ્પ હતા એવા ટોર્ચર કેમ્પ અત્યારે મ્યાનમારમાં છે. આ કેમ્પની ચારેકોર કાંટાળી લોખંડની વાડ હોય છે. મ્યાનમારના લશ્કરના હથિયારધારી જવાનો આ કેમ્પની ચોવીસે કલાક ચોકી કરે છે. કોઇ રોહિંગ્યો કેમ્પની બહાર આવવાનો પ્રયત્ન કરે તો એને ઠાર કરવામાં આવે છે. આ લોકોને એક ટંક ભોજન કે પીવાના પાણીની સતત તંગી રહે છે. જો કે કેમ્પના કેટલાક વિસ્તારોમાં આ લોકોએ ખેતર બનાવ્યા છે જ્યાં જાડું ધાન્ય પકાવીને કાચું અથવા બાફીને ખાવાની તેમને ફરજ પડે છે. બાકી જંગલી ફળો કે વનસ્પતિથી આ લોકો પેટ ભરે  છે. અપૂરતા પોષણના અભાવે આ લોકો જાતજાતના રોગોનો ભોગ બન્યા છે. તબીબી સારવારની કોઇ વ્યવસ્થા નથી. એમને કોઇ પ્રકારની પાયાની સગવડો અપાતી નથી. માણસ મરી જાય તો એનાં સ્વજનો રડતાં નથી ઊલટું એક પ્રકારની રાહત અનુભવે છે કે એક માણસને ખવડાવવાની 

કડાકૂટ રહી નહીં. શિક્ષણનો તો સવાલ જ રહેતો નથી. બહુ ઓછા રોહિંગ્યા લખતાં વાંચતાં જાણે છે. 

હજારો રોહિંગ્યા બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફગાનિસ્તાન અને ભારતમાં ગેરકાયદે ઘુસી ગયા છે. જો કે ભારતમાં તો સત્તાલોલુપ રાજકીય પક્ષો આવા લોકોને આવકારે છે અને વોટબેંક તગડી કરવા આ લોકોને તમામ મૂળભૂત સગવડો પૂરી પાડે છે. અત્યારે સૌથી વધુ રોહિંગ્યા મમતા બેનરજીના પશ્ચિમ બંગાળ, ઓરિસા, મિઝોરમ, ઉત્તરાખંડ અને આસામમાં ઘુસી ગયા છે. સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ આજની તારીખમાં પાંચથી છ કરોડ રોહિંગ્યા મુસ્લિમો દેશમાં જુદા જુદા સ્થળોએ વસી ગયા છે. એમને વિદેશી આર્થિક સહાયથી રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મતદાતા કાર્ડ પણ મળી જાય છે. ૨૦૨૭માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે મમતા લગભગ રોજેરોજ નવા નવા રોહિંગ્યાઓને રાજ્યના સરહદી વિસ્તારોમાં વસાવ્યે જાય છે.

ભારત કે બાંગ્લાદેશ આ રોહિંગ્યાને પાછા કાઢવા માગે તો પણ કાઢી શકે એમ નથી. એનું મુખ્ય કારણ આપણા પોલિટિશ્યનોની મેલી મુરાદ છે. એ લોકોને એમ લાગે કે અમારી વોટબેંક નબળી પડી ગઇ. કોઇ કહેતાં કોઇ રાજકીય પક્ષ કે નેતા રોહિંગ્યા લોકોને દેશની બહાર કાઢવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટ આદેશ આપે તો પણ પેધી ગયેલા પોલિટિશ્યનો એમ કહીને ઊભા રહે કે પોલીસ તપાસ કરે છે પણ રોહિંગ્યા પકડાતા નથી. આ સમસ્યાનો ઉપાય શું ? પ્રેમાનંદ સ્વામી જેવા સાધુઓ કહે છે કે એકમાત્ર ઉપાય એ છે કે ન્યાતજાતના કે ઊંચનીચના ભેદભાવ ભૂલીને હિન્દુઓ સંગઠિત થાય અને પોતાના અધિકારો માટે જરૂર પડયે લડવાની તૈયારી રાખે.