Get The App

અંતિમ સંસ્કારનો પણ હવે રોકડિયો બિઝનેસ

Updated: Mar 26th, 2024

GS TEAM

Google News
Google News
અંતિમ સંસ્કારનો પણ હવે રોકડિયો બિઝનેસ 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- સેવા માગનારની પરિસ્થિતિ અને એની આર્થિક ત્રેવડ જોઇને આ સંસ્થાઓ કામ કરે છે. 

છે લ્લા થોડા સમયથી રમેશભાઇ (ઓળખ બદલાવી છે)ને ઝીણું ઝીણું છાતીમાં દુઃખતું હતું. એકનો એક પુત્ર અજય હજુ અઢી મહિના પહેલાં જ વિદેશમાં નોકરી મળવાથી માતાપિતાથી હજારો માઇલ દૂર ગયો હતો. પત્ની ચિંતા ન કરે એટલા ખાતર રમેશભાઇ છાતીના દુઃખાવા વિશે રંજનબહેનને કહેતાં નહોતાં. એક સવારે રમણીકભાઇને હૃદયરોગનો જોરદાર આંચકો આવ્યો. પત્નીને કંઇ કહે એ પહેલાં એ શ્રીજીધામ પહોંચી ગયાં. રંજનબહેન પર તો દુઃખના ડુંગરા તૂટી પડયા. આડોશીપાડોશી સારા હોવાથી તરત બધાં એકઠાં થઇ ગયાં. મહિલાઓએ રંજનબહેનને  સંભાળી લીધાં.

સૌએ સાથે મળીને નિર્ણય કર્યો કે રમણીકભાઇના પુત્ર અજયની નોકરી હજુ સાવ નવી નવી છે. એને તત્કાળ રજા મળે કે ન પણ મળે. એ દોડાદોડ કરવા ધારે તો પણ મુંબઇ પાછાં ફરતાં બે ત્રણ દિવસ નીકળી જાય. એક વડીલે અજયને ફોન કરીને પિતાની વિદાયના સમાચાર આપ્યા. એને સમજાવ્યો કે તમે મા-દીકરો રજા આપો તો અમે અહીં રમણીકભાઇના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરીએ. થોડી અવઢવ પછી અજયે હા  પાડી અને પોતે માતા સાથે ધીરજથી વાત કરી. વ્યવહારુ રંજનબહેન તરત સંજોગ સમજી ગયાં. તેમણે પરગજુ પાડોશીઓને પતિના અંતિમ સંસ્કાર કરવાની રજા આપી.

અન્ય વડીલે અણીશુદ્ધ વૈદિક પદ્ધતિથી સદ્ગતના અંતિમ સંસ્કાર કરી આપે એવી એક સંસ્થાને ફોન કર્યો. થોડીવારમાં એ સંસ્થાની વાન આવી ગઇ. હાજર રહેલા સૌ સ્મશાનભૂમિ તરફ રવાના થયાં. ગણતરીના કલાકોમાં 'વાજબી દરે' સદ્ગતના અંતિમ સંસ્કાર થઇ ગયા. રંજનબહેનને દિલાસો આપીને પાડોશી મહિલાઓ પોતપોતાને ઘેર ગઇ. આ આખીય ઘટનામાં વાજબી દરે શબ્દો મહત્ત્વના છે. આ રસપ્રદ વાત અંતિમ સંસ્કારની વ્યાવસાયિક સેવા આપતી સંસ્થાઓની છે. અત્યાર અગાઉ ખ્રિસ્તી સમાજમાં આવી વ્યાવસાયિક સંસ્થાઓ સક્રિય હતી. કોફિન સાથે વાન આવી જાય. પાર્થિવ દેહને કબ્રસ્તાન સુધી લઇ જાય. ત્યાં એક પાદરી હાજર હોય જે પવિત્ર બાઇબલમાંથી પ્રાર્થના કરાવે અને પછી દફનવિધિ થાય. હવે મહાનગર મુંબઇ સહિત દેશના કેટલાંક મહાનગરોમાં હિન્દુઓ માટે પણ આવી સંસ્થાઓ કામ કરતી થઇ છે.

સડક પર કોઇ સાવ અજનબી મરણ પામે ત્યારે પોલીસ કેટલીક કાયદેસર વિધિ કરીને લાવારસ લાશ તરીકે અંતિમ સંસ્કાર કરી નાખતી હોય છે. અહીં જે સંસ્થાઓની વાત કરી છે એ આમ તો ધંધાદારી સંસ્થાઓ છે પરંતુ આ સંસ્થાઓ માત્ર પોતાનો નફો ધ્યાનમાં રાખીને વ્યવસાય કરતી નથી. સેવા માગનારની પરિસ્થિતિ અને એની આર્થિક ત્રેવડ જોઇને આ સંસ્થાઓ કામ કરે છે. મુંબઇ  સહિત જે નગરોમાં આવી સંસ્થાઓ છે એમની કામ કરવાની રીત ખરેખર નવાઇ પમાડે એવી છે.

આપણે સત્યનારાયણની કથા કરાવીએ કે અન્ય કોઇ ધાર્મિક ઊજવણી કરીએ ત્યારે ગોર મહારાજની સેવા લઇએ છીએ ને ? પૂજાપો અને બીજી સામગ્રી કર્મકાંડી બ્રાહ્મણ લઇ આવે અને આપણું કામ કરી આપે. એવી જ કોઇ વ્યવસ્થા અંતિમ સંસ્કાર સેવા આપતી સંસ્થાઓ કરે છે. હોસ્પિટલ કે ઘેરથી મૃતદેહને વ્યવસ્થિત રીતે ઠાઠડીબદ્ધ કરવો, સ્મશાનભૂમિ સુધી લઇ જવો, ત્યાં જરૂરી પૂજાવિધિ અને ધાર્મિક કાર્યકલાપ કરી આપે છે. એ માટે અનુભવી કર્મકાંડી મહારાજ હાજર હોય છે. મરનારના સગાંસંબંધી કહે એ રીતે એમના રીતરિવાજને અનુરૂપ કામ થાય છે. ત્યારબાદ પાર્થિવ દેહને અગ્નિદાન અપાય છે. કેટલાક કિસ્સામાં સંસ્થા સદ્ગતના અસ્થિ પણ ઘેર પહોંચાડે છે. આ માટે અગાઉથી નક્કી થયા મુજબનું મહેનતાણું લે છે.

જેમનાં સંતાનો વિદેશોમાં હોય, જેમની ઇચ્છા સંતાનોની વાટ જોયા વિના જરૂરી અંતિમ સંસ્કાર કરાવી લેવાની હોય એવા લોકો માટે આવી વ્યાવસાયિક સંસ્થાઓ હવે વરદાન રૂપ થઇ ગઇ છે. આધુનિકતા કે સ્વતંત્રતાના નામે સંયુક્ત કુટુંબો હવે ભાંગી રહ્યાં છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે એવા સંજોગોમાં આવી સંસ્થાઓ જે તે પરિવારને મદદરૂપ થઇ શકે. જો કે જૂનવાણી વિચારના વડીલોને અંતિમ સંસ્કારની સેવા નામના વ્યવસાયની ચીડ ચડે  તે સમજી શકાય છે. છતાં મહાનગરોમાં સતત ઘડિયાળના કાંટે દોડાદોડ થતી હોય, સંતાનો હાજર ન હોય, ક્યારેક આડોશપાડોશમાં પણ તરત મદદ ન મળી શકતી હોય ત્યારે આવી સંસ્થાની સેવા લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.