Get The App

સંતાનોના વાંકે.... .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સંતાનોના વાંકે....                                          . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- ન્યૂજર્સીના ગ્લોસ્ટરમાં માતાપિતાને સંતાનોનાં ગેરવર્તન માટે જવાબદાર ગણવામાં આવશે 

છે લ્લાં થોડાં વરસથી આપણા દેશનાં વિવિધ શહેરોમાં હિટ એન્ડ રન નામે ઓળખાતા અકસ્માતો બેફામ વધ્યા છે. સતત વધી રહ્યા છે. બે નંબરિયા શ્રીમંતોના વંઠેલા વારસદારો ભાઇબંધો સામે પોતે કંઇક છે એવું કરી બતાવવા કે પછી શરાબના નશામાં રાહદારીઓને કે ટુ વ્હીલર જેવાં વાહનોને અડફેટે ચડાવે છે. આ અડફેટનો શિકાર બનનાર વાહનચાલક કે રાહદારી અકાળે તરફડી તરફડીને મરણ પામે છે. પૈસાદાર બાપ ચોમેર પૈસા વેરીને પોતાના સંતાનના ગંભીર અપરાધને છાવરે છે.

એજ રીતે નિશાળોમાં પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતા ટીનેજર્સ ટુ વ્હીલર લઇને નીકળી પડે છે. આ ઉંમરે લાયસન્સ હોવાનો તો સવાલ જ પેદા ન થાય, બાળક સાવ કૂમળી વયથી અત્યંત સ્પીડમાં વાહન દોડાવવાનું બંધાણી થઇ જાય. દુર્ભાગ્યે આપણા દેશના કાયદા અને કાયદાનો અમલ કરાવનારું પોલીસ તંત્ર, બંને એટલાં રેઢિયાળ છે કે આ અનિષ્ટનો અંત ક્યારેય આવશે નહીં. સુપ્રીમ કોર્ટે ધ્યાન દોર્યું એમ કેટલીક હાઇકોર્ટમાં છેલ્લાં ચાલીસ પિસ્તાલીસ વર્ષથી હજારો કેસ ઊભા છે.

આવા સ્વચ્છંદી ટીનેજર્સને સીધા કરવાનો એક માર્ગ જે તે અટકચાળાના માતાપિતાને સજા કરવાનો છે, વાત થોડી આકરી લાગે એવી છે પરંતુ અજમાવવા જેવી ખરી. સ્કૂલમાં ટુ વ્હીલર લઇને આવતાં બાળકોનાં માતાપિતાને કડક સજા કરવામાં આવે તો કદાચ પરિસ્થિતિ થોડી હળવી થાય ખરી સ્કૂલના પ્રિન્સિપાલ કે સ્કૂલના સંચાલકો આવાં બાળકોનાં માબાપને બોલાવીને સમજાવી શકે. આજે વાત ગ્લોસ્ટર નામના અમેરિકી ઉપનગરની કરવી છે. અમેરિકામાં જ્યાં ગુજરાતીઓની સૌથી વધુ વસતિ છે એ ન્યુ જર્સીના એક ઉપનગરમાં તાજેતરમાં એક કડક કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદાની જોગવાઇ એવી છે કે જે ટીનેજર એક પ્રકારનો ગુનો એક કરતાં વધુ વખત કરે એનાં માતાપિતાને ભારે દંડની અને/અથવા જેલની સજા થાય. અલબત્ત, આ કાયદાનો વિરોધ જોરશોરથી શરૂ થઇ ગયો છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્રનો મૂડ જોતાં આ કાયદો રદ થવાની શક્યતા હાલ તો ઓછી છે. કાયદાનો અમલ શરૂ થઇ ચૂક્યો છે. 

અવળચંડા ટીનેજર્સે કરેલી ભૂલ કે અપરાધની સજા માતાપિતાને કરવામાં આવે એવો આ કાયદો ન્યૂ જર્સીના ગ્લોસ્ટર ઉપનગરમાં અમલી બન્યો છે. વાત એવી છે કે દિવસે દિવસે આ વિસ્તારના ટીનેજર્સ આપણે જેમને રાઉડી કહીએ એવા થઇ રહ્યા છે. જાહેર સ્થળે બેફામ વર્તન કરવું, હો હા અને ગાળાગાળી કરવી, સિનિયર સિટિઝનની ઠેકડી કરવી, સડક પર દોડતા ટુ વ્હીલર કે કારમાં સ્ટંટ કરવા- આ અને આવાં બીજાં ગેરવર્તનની ફરિયાદો વધતી ચાલી હતી. મિડિયામાં આવા બનાવોના અહેવાલો સાથે સ્થાનિક વહીવટી તંત્રની આકરી ટીકા થઇ રહી હતી. એટલે સ્થાનિક વહીવટી તંત્રે લાલ આંખ કરવાનો નિર્ણય કર્યો. હિન્દી ભાષામાં એક રૂઢ પ્રયોગ છે- લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે... તોફાની ટીનેજર્સને સીધા કરવા માટે ક્યારેક કડક પગલાં જરૂરી બની જતાં હોય છે.

ચાલુ વર્ષના જુલાઇમાં ગ્લોસ્ટરના વહીવટી તંત્રે માઇનર્સ એન્ડ પેરેન્ટ્સ રિસ્પોન્સીબિલિટીઝ નામે એક કાયદો વટહુકમ દ્વારા જાહેર કર્યો. એમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જેમનાં બાળકો જાહેર સ્થળોએ એક કરતાં વધુ વખત  અયોગ્ય વર્તન કરતાં પકડાશે એમનાં માતાપિતાને સંતાનોનાં ગેરવર્તન માટે જવાબદાર ગણવામાં આવશે. આવાં માતાપિતાને બે હજાર ડોલર્સ અને/અથવા ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે.

દેખીતી રીતે જ નાગરિકોએ આ કાયદાનો વિરોધ કર્યો છે. આ કાયદો માતાપિતાના અધિકારો પર તરાપ મારે છે એવો દાવો પણ કરવામાં આવ્યો. જો કે સ્થાનિક વહીવટી તંત્રે એનો સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે જાહેર સ્થળે ગેરવર્તન કરવામાં આવે કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે તો એનો ખર્ચ કરવેરા દ્વારા માતાપિતા પર અર્થાત્ નાગરિકો પર જ આવતો હોય છે. બીજું. આ પ્રકારનું વર્તન વારંવાર થાય તેથી સામાજિક અને આર્થિક બંને રીતે આપણને સૌને નુકસાન 

થાય છે. સમાજમાં ખરાબ નાગરિકો પેદા થાય છે. આ પ્રકારનું ગેરવર્તન વધે નહીં અને ટીનેજર્સમાં નાગરિકત્વની સારી ભાવના કેળવાય એ આજની તાતી જરૂરિયાત છે.

કેટલાક દંપતીએ એવી દલીલ કરી છે કે વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા માતાપિતા બંને નોકરી-વ્યવસાય કરતાં હોય ત્યારે સંતાનોના વર્તન પર ચાંપતી નજર રાખવાનું મુશ્કેલ થઇ પડતું હોય છે. આવા દંપતી માટે આ કાયદો વધુ પડતો કડક છે. જો કે સ્થાનિક વહીવટી તંત્રે આ કાયદામાં સહેજ પણ રાહત આપવાનો સાફ ઇનકાર કર્યો છે. વિરોધ વધી રહ્યો છે પરંતુ સંજોગો જોતાં આ કાયદો રદ નહીં થાય એવું જણાય છે. કાયદાનો અમલ પહેલી ઓગસ્ટથી શરૂ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રે અને પોલીસે કાયદાની વિગતો સ્પષ્ટ કરતાં મિડિયા દ્વારા પૂરતો પ્રચાર પણ કર્યો છે જેથી કોઇ એમ ન કહી શકે કે અમને આ કાયદાની જાણ નહોતી.

આપણે ત્યાં  સરકાર આવો કોઇ કડક કાયદો ઘડવાની અને એનો સખ્તાઇથી અમલ કરવાની હિંમત દેખાડી શકશે ખરી ?