Get The App

ચીનના ઝૂમાં પ્રાણીઓ પણ ફેઈક!

Updated: Feb 25th, 2025

GS TEAM

Google News
Google News
ચીનના ઝૂમાં પ્રાણીઓ પણ ફેઈક! 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- એક અટકચાળા બાળકે ઝેબ્રા પર કાંકરીચાળો કર્યો. એટલે પેલો ઝેબ્રા હોંચી હોંચી કરવા માંડયો

'અ રે, આ તો ગધેડો છે, ગધેડો ગધેડો, આપણને આ લોકો છેતરે છે, મારો મારો, ગધેડાને મારો... ' એક સાથે ઘણાં બધાં બાળકો ગર્જી ઊઠયા. પોતે છેતરાઇ રહ્યા છે એ વાતે બાળકો ગુસ્સે થઇ ગયાં હતાં અને બૂમબરાડા પાડી રહ્યાં હતાં. વાતાવરણમાં એક પ્રકારનું ટેન્શન છવાઇ ગયું હતું. શિક્ષકો મૂંગે મોઢે તમાશો જોઇ રહ્યા હતા. ઝૂ (પ્રાણીઘર)ના રક્ષકો વીલા મોઢે એકબીજાની સામે જોઇ રહ્યા હતા. વાત ચીનના એક પ્રાંતની છે. શેન્ડોંગ પ્રાંતના ઝીબો નગરના ઝૂના પર્યટને એક સ્કૂલનાં બાળકો ગયાં હતાં. ઝૂમાં ફરવા જવાના વિચારમાત્રથી બાળકો આનંદમાં આવી જાય એ સ્વાભાવિક છે. પરંતુ ઝીબો સિટિના ઝૂમાં જે ઘટના બની એની નોંધ તો છેક યૂરોપ અમેરિકાનાં અખબારોએ ફોટોગ્રાફ્સ સહિત લેવી પડી હતી.

ચીનના ઝીબો શહેરના ઝૂમાં બનેલો બનાવ છે. પ્રાણીઘરમાં દરેક પાંજરા પર જે તે પ્રાણીનાં નામ જુદી જુદી ભાષામાં લખેલાં હોય છે. બાળકો જે પાંજરા પાસે ઊભાં હતાં એ પાંજરા પર લખેલું હતું કે આ ઝેબ્રા છે. ઝેબ્રા એ આફ્રિકન દેશોમાં થતા એક પ્રકારના ઘોડા છે જેના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. ચીન જેવા દેશમાં ઝેબ્રા ક્યાં જોવા મળે ? ચીનમાં ઝેબ્રા જોવા ન મળે. એટલે ઝૂના વ્યવસ્થાપકે એક તરકીબ વાપરી. એણે ગધેડાના શરીર પર સફેદ અને કાળા પટ્ટા ચીતરાવ્યા અને એના પાંજરાની બહાર ઝેબ્રા લખાવ્યું. પ્રાણીઘરના મુલાકાતીઓની સંખ્યા વધારવાના હેતુથી મેનેજરે આ યુક્તિ અજમાવી હતી. 

માત્ર ગધેડાને ચીતરાવ્યા હોત તો ચાલી જાત. પરંતુ ગધેડા ચીતરાવવાની યુક્તિ થોડા સમય સુધી ચાલી અને ઝૂમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં  સારો એવો વધારો થયો એટલે મેનેજરને પાનો ચડયો. એણે ખાસ ઓલાદના કૂતરાનાં બચ્ચાં મંગાવ્યાં. આ કુરકુરરિયાંના શરીર પર પીળા અને કાળા ચગદાં ચીતરાવ્યાં અને પાંજરાની બહાર પાટિયાં મૂકાવ્યાં- દૂર્લભ જાતિના વિદેશી વાઘનાં બચ્ચાં. થોડો સમય આ ગતકડું પણ કામિયાબ રહ્યું. મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો.

પછી તો ઝૂના મેનેજરને ચાનક ચડતી રહી કે લોકો ભલે છેતરાતા રહ્યા. આપણી તો આવક વધે છે ને ! એણે ફરી એક અલગ ઓલાદના કૂતરાનાં બચ્ચાં મંગાવ્યાં. એમને ચીન સહિત યૂરોપિયન દેશોમાં અને ખાસ તો ઓસ્ટ્રેલિયામાં થતા નાના કદના પાંડા જેવા રંગે રંગાવ્યાં અને પાંજરાની બહાર પાંડા લખેલાં પાટિયાં મૂકાવ્યાં. પરંતુ પેલી એક કહેતી છે ને, તમે કાયમ માટે બધાંને છેતરી શકો નહીં. એક સ્કૂલનાં બાળકો ઝૂની મુલાકાતે આવ્યા અને કિલકારીથી ઝૂને ગજાવી રહ્યાં હતાં ત્યારે એક વિસ્મયજનક ઘટના બની ગઇ. એક અટકચાળા બાળકે ઝેબ્રા પર કાંકરીચાળો કર્યો. એટલે પેલો ઝેબ્રા હોંચી હોંચી કરવા માંડયો. એ સાથે જે બાળકોનું ધ્યાન એ તરફ નહોતું એ બધાંનું ધ્યાન ત્યાં ગયું અને બાળકો ગુસ્સે થઇને બૂમબરાડા પાડવા લાગ્યા કે આ તો ગધેડો છે, ઝેબ્રા નથી. ઝૂવાળા આપણને છેતરી રહ્યા છે. હો હા વધી ગઇ. પોલીસ દોડતી આવી. બાળકોએ ફરિયાદ કરી. કોઇએ સ્થાનિક દૈનિકના કાર્યાલયમાં ફોન કર્યો એટલે રિપોર્ટર દોડતા આવ્યા.

સ્થાનિક દૈનિકે જો કે આ બાબતને ઝાઝું મહત્ત્વ ન આપ્યું. પરંતુ બધા પત્રકારો સરખા તો હોતા નથી. પાપારાઝી તરીકે ઓળખાતા પત્રકારો અને ફોટોગ્રાફર્સ જે રીતે ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સની પાછળ ચોવીસ કલાક ફરતા રહે છે એમ અહીં પણ કોઇ વિદેશી પત્રકાર ઝૂમાં છૂપાઇ રહ્યો. ચોવીસ કલાક ઝૂમાં તપસ્યા કરતો રહ્યો. એની એ તપસ્યા ફળી. ઝૂનો એક કર્મચારી નવા આવેલા ગધેડા પર ઝેબ્રા જેવા કાળાધોળા પટ્ટા ચીતરી રહ્યો હતો એની તસવીરો એણે લઇ લીધી. પછી તો ચીતરાયેલાં વાઘનાં બચ્ચાં અને નકલી પાંડાની તસવીરો પણ ઝડપી લીધી. આ તસવીરો અને અહેવાલોએ દુનિયાભરનાં મિડિયાનું ધ્યાન ખેંચ્યું. સોશ્યલ મિડિયા પર પણ ચીનના ઝૂ સામે લોકોએ નારાજી વ્યક્ત કરી. ખાસ કરીને પેટા (પિપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) જેવી પ્રાણી પ્રેમી સંસ્થાઓએ ગોકીરો કરી મૂક્યો. જો કે ચીન એવો રેઢિયાળ દેશ છે કે આવા ગોકીરાથી એના પેટનું પાણી હાલે નહીં. અત્યારે તો યૂરોપ-અમેરિકાનાં મિડિયાએ આ વાતને ચગાવી છે. ચીને કોઇ પ્રતિભાવ આપ્યો નથી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ચીનનો સૌથી ઊંચો વોટરફૉલ પણ કૃત્રિમ રીતે પાણીની પાઈપલાઈન સંતાડીને ચલાવાતો હોવાની પોલ ખૂલી હતી.